ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાપમાન ક્યારનુંયે 40 ડિગ્રી વટાવીને અત્યારે 40-45 ડિગ્રી આસપાસ રહે છે. એવું લાગે છે કે આકાશમાંથી આગ વરસી રહી છે. બપોરે એસી કાર વગર બહાર નીકળવાનું વિચારી પણ શકાય નહીં. ત્યારે કારમાં બેસીને એક વાતનો વિચાર આવે કે કાર ક્યાંક આગ ન પકડી લે! કારણ કે કારમાં આગ લાગવાની ઘટનાઓ ઉનાળામાં વધારે બને છે
40-45 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર કારની પેનલ પર ખરાબ અસર પડે છે, કારણ કે નવી કાર હવે ચિપ અને સોફ્ટવેર બેઝ્ડ હોય છે. તે આટલી ગરમી સહન કરી શકતી નથી તેથી તે ખરાબ થઈ શકે છે, પરંતુ સવાલ તો એ જ છે પેટ્રોલ ખૂબ જ સંવેદનશીલ અને જ્વલનશીલ હોય છે, તો શું ભીષણ ગરમીમાં કલાકો સુધી પડી રહેલી કાર પેટ્રોલને કારણે આગ પકડી શકે? પેટ્રોલ ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે એક તણખો પણ તેના સંપર્કમાં આવે તો આગ ભડકી ઊઠે છે. આવી સ્થિતિમાં ભરબપોરે તડકામાં ફ્લૂલ ટેન્કમાં રહેલું પેટ્રોલ આગ પકડી શકે? જવાબ છે ના.
કેમ આવું ન થાય?
તીવ્ર ગરમીમાં તડકામાં ઊભેલી કારની પેટ્રોલ ટેન્કમાં આગ લાગવાની શક્યતા બહુ ઓછી હોય છે. તેનાં ઘણાં કારણો છે. જેમ કે,
પેટ્રોલનું પોતાનું દહન થવાનું તાપમાન ખૂબ જ વધારે હોય છે. એટલે કે એ તાપમાન જેના પર કોઈ બહારના સ્રોત વગર પણ પેટ્રોલ જાતે જ બળવાનું શરૂ કરી દે. આ તાપમાન 250થી 280 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તડકામાં ઊભેલી ગાડીનું તાપમાન આટલે સુધી પહોંચી શકતું નથી.
પેટ્રોલ ટેન્ક હવાદાર હોય છે એટલે કે તે સંપૂર્ણપણે સીલ નથી હોતી. તેમાં એક વેટિંગ સિસ્ટમ હોય છે, જે બાષ્પના દબાણને નિયંત્રિત કરે છે અને ખૂબ જ વધારે દબાણ થતું રોકે છે. એવું કહી શકાય કે તે હવાદાર હોય છે, જેની અંદર દબાણની સ્થિતિ ક્યારેય બની શકતી નથી.
આગ લાગવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. ટેન્કમાં પેટ્રોલ ઉપર હવાનું પ્રમાણ સીમિત હોય છે, તેથી આગ લાગવા માટે ઓક્સિજન ઉપલબ્ધ હોતો નથી.
સામાન્ય પરિસ્થિતિઓમાં તીવ્ર ગરમીમાં તાપમાં ઊભેલી ગાડીની પેટ્રોલ ટેન્કમાં જાતે જ આગ લાગવાની સંભાવના ન કહેવા બરાબર હોય છે. આધુનિક કારમાં તો હવે પેટ્રોલ ટેન્ક સુરક્ષા માપદંડો અનુસાર ડિઝાઈન કરવામાં આવે છે કે જેથી આવા જોખમો લગભગ રહે જ નહીં.
હા, પેટ્રોલ ચોક્કસ ઊડી શકે!
આવું એટલા માટે શક્ય છે, કારણ કે તીવ્ર ગરમીને કારણે પેટ્રોલ ટેન્કની અંદરનું પેટ્રોલ ગેસ (બાષ્પ) બનીને ઊડી જશે. પેટ્રોલ એક બાષ્પશીલ તરલ છે, જેનો અર્થ એ છે કે તે સરળતાથી ગેસમાં ફેરવાઈ જશે જ્યારે તાપમાન વધારે હશે. પેટ્રોલનો ગેસ બનવાનો દર પણ વધી જશે. ક્યારેક ચેક કરજો કે ગરમીના દિવસોમાં તમને તમારી કારની આસપાસ પેટ્રોલની હળવી ગંધ આવશે, તેનું કારણ આ જ છે.
કારમાં પરફ્યૂમ અને લાઈટર ભૂલથી પણ ન રાખવાં
પરફ્યૂમમાં આલ્કોહોલ હોય છે, જે ગરમીમાં ગેસ બનીને પરફ્યૂમની બોટલની અંદરનું દબાણ વધી શકે છે. જો પરફ્યૂમની બોટલ પર સીધો સૂર્યપ્રકાશ પડે તો ઝડપથી ગેસ બનતા ને દબાણ વધતાં તેમાં વિસ્ફોટ થઈ શકે છે, જેના કારણે આગ લાગવાનું જોખમ વધી જાય છે.
લાઈટરમાં જ્વલનશીલ ગેસ હોય છે, જે તીવ્ર ગરમીમાં બાષ્પીકૃત થઈને લીક થઈ શકે છે. જેનાથી લાઈટર ફાટી શકે છે કે પછી તેમાં આગ લાગી શકે છે. આ સિવાય લાઈટરનું પ્લાસ્ટિક પીગળી પણ શકે છે, જેનાથી શોર્ટ સર્કિટ અને વિસ્ફોટની શક્યતા વધી શકે છે.
તેથી ભીષણ ગરમીમાં કારમાં પરફ્યૂમ, લાઈટર, સેનેટાઈઝર વગેરે જેવી જ્વલનશીલ વસ્તુઓને મૂકવી જોખમી હોય છે. તેનાથી કારમાં આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે.
તડકામાં એક કલાક ઊભી રાખેલી કારની અંદરનું તાપમાન કેટલું હોય?
જ્યારે બહારનું તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય છે ત્યારે ધોમધખતા તાપમાં એક કલાક સતત ઊભી રાખેલી કારની અંદરનું તાપમાન તેનાથી ખૂબ જ વધારે થઈ જાય છે. ઘણાં રિસર્ચ અને રિપોર્ટ અનુસાર આવી સ્થિતિમાં કારની અંદરનું તાપમાન લગભગ 60થી 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આવું થવાનું કારણ એ છે કે કારનો ગ્લાસ (કાચ) સૂરજનાં કિરણોને અંદર આવવા દે છે, પરંતુ ગરમીને બહાર નીકળવા દેતો નથી, જેથી કારની અંદર એક ગ્રીનહાઉસ ઇફેક્ટ બની જાય છે. તેના કારણે કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા 20થી 30 ડિગ્રી સેલ્સિયસ વધારે હોઈ શકે છે.
યાદ રાખો આટલા ઉચ્ચ તાપમાનમાં કારની અંદર બેસવું સ્વાસ્થ્ય માટે ખતનાક સાબિત થઈ શકે છે. કારની અંદરનું એસી પણ આવી સ્થિતિમાં પૂર્ણ ક્ષમતાથી કામ કરી શકતું નથી, કારણ કે બહારનું તાપમાન વધારે હોવાથી એસી સિસ્ટમ પર દબાણ પડે છે અને તે ઓછું કૂલિંગ કરે છે.