વિચાર એ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે છે. શોધથી પ્રતિશોધ સુધીની દરેક ક્રિયામાં બીજ વિચાર છે અને પરિસ્થિતિ એને ખાતર-પાણી આપી ઉપયોગી કે અનુપયોગી વૃક્ષમાં પરિવર્તિત કરે છે. સંબંધોમાં પણ વિચાર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે માણસના દરેક વાણી-વર્તન, આઘાત-પ્રત્યાઘાત અને ક્રિયા-પ્રક્રિયાનું બીજ વિચાર જ છે. આપણા વિચાર સંબંધોને શિખર કે તળેટી પર લઇ જઇ શકે છે, પરંતુ વિચાર પર આપણી પકડ નથી. આજુબાજુનો પરિવેશ, બનતી ઘટનાઓ, ઇચ્છાઓ, સ્વભાવની ખામીઓ કે વિશિષ્ટતાઓ આપણા વિચારને ઘડે છે.

એક-બે ઉદાહરણ લઇએ. પતિ-પત્ની વચ્ચે કોઇ બાબતે ઝઘડો થાય છે. પત્ની પોઝિટિવ વિચારે છે કે પતિને કામ બહુ રહે છે. આજકાલ તબિયત પણ સારી નથી રહેતી. મારે વધારે દલીલ કરવાને બદલે ચૂપ રહેવું જોઇતું હતું. બીજી વખત આવું વિચારી પત્ની ચૂપ રહે છે. પતિની વાત સાંભળીને ઝઘડો અટકાવે છે, તેથી પતિ પણ લાંબું ખેંચતા નથી. પત્ની સાથે પોતાની સમસ્યા શેર કરે છે. પત્ની એ સમયે પણ એવું જ વિચારે છે કે મારે પતિની સપોર્ટ સિસ્ટમ બનવાનું છે અને આ વિચાર નાની-મોટી ખામીઓને નજરઅંદાજ કરાવે છે અને બંને વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બનાવે છે.

બીજું ઉદાહરણ લઇએ. દીકરાનાં લગ્ન થતાં ઘરમાં નવી બહુ આવે છે. સાસુ વિચારે છે કે ભલે એ મારી દીકરી નથી, પરંતુ એ મારા ઘરમાં આવી છે તો એને ખુશ રાખવાની મારી જવાબદારી છે અને પોતાના વિચારનો અમલ કરવા કૃતનિશ્ચયી છે. એટલે એ વહુના ગમા-અણગમાનું ધ્યાન રાખશે અને વહુમાં નખરાં કે ઉદ્ધતાઇ હશે તો પણ પોતાનું સારું વર્તન નહીં બદલે. એની સારી અસર વહેલી-મોડી વહુ પર પડવાની અને એનામાં પણ સારું પરિવર્તન આવશે.

સામાન્યતઃ વિચારથી સંકલ્પ અને સંકલ્પથી આપણો વ્યવહાર ઘડાય છે અને ક્રમશઃ વિચાર દ્વારા ઊભરતાં વાણી-વર્તન આપણી ઓળખ કે આપણું ચઢિયાતું પોત બને છે. દુનિયામાં જે લોકોએ પોતાના ખોટા વિચારો પર કાબૂ મેળવી સાચી દિશામાં વિચાર્યું છે, તેઓએ આંતરિક કે બાહ્ય જગતમાં કશુંક મેળવ્યું છે. આફ્ટર ઓલ વિચાર એ મન સાથેનો સંવાદ છે, જે તનને એક્શન મોડમાં મૂકે છે. પોઝિટિવ થિંકિંગ, નેગેટિવ થિંકિંગ, ઓવર થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, એબ્સ્ટ્રેક થિંકિંગ કે એનાલિટિક થિંકિંગ જેવા વિચારના અનેક પ્રકાર પડે. પોતાની બુદ્ધિ અને સંજોગો પ્રમાણે માણસના વિચારો ઉદ્ભવે છે અને ઊઘડે છે.

જોકે, વ્યવહારિક જગતમાં પોઝિટિવ અને નેગેટિવ એ બે થિંકિંગ પર જ વધારે ચર્ચા થઇ છે. નોર્મલ વિસન્ટના વર્ષો પહેલાં લખાયેલા પુસ્તક પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ કે ડેલ કાર્નેગીની `How to win Friends and People' જેવા રેકોર્ડ બ્રેક સેલિંગ ધરાવતાં પુસ્તકોએ સામાન્ય લોકોને વિચારની શક્તિ પર ભરોસો કરતા શીખવ્યું અને એમાંથી કેવું વિચારવું, કઇ રીતે વિચારવું અને વિચારોની અસર શું હોય છે? એવું શીખવતાં લાઇફ કોચથી લઇને આધ્યાત્મિક ગુરુઓની નવી દુનિયા વિકસી. જો આપણે પર્સનલ લેવલ પર ખાસ કરીને સંબંધો અંગે વાત કરીએ તો આપણે જો આપણા વિચારોનું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને ચોક્કસ ખબર પડે કે કયા સંજોગોમાં, કોની હાજરીથી કે કેવી વાતચીતથી તમારા મનમાં નકારાત્મક વિચાર આવે છે. કોઇની ખુશી જોઇને તમને ખુશી થાય છે કે જેલસી આવે છે? ગુસ્સો, ચીડ, બદલાની ભાવના ક્યારે જન્મે છે? એ કારણો જાણ્યા પછી સિમ્પલી મનને સમજાવવાનું છે કે મારા ગુસ્સાથી, મારી ઇર્ષ્યાથી કોઇને નુકસાન થાય કે ન થાય મને તો નુકસાન થવાનું જ છે. દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે આંખો બંધ કરીને મનને કહેવાનું છે કે તારી ખુશી, તારું હિત, તારી સફળતા સારું વિચારવાની છે.`I Will think Positive and Good' આ સંકલ્પ ધીરે ધીરે વિચારોની, ક્રિયા-પ્રતિક્રિયાની પેટર્ન બદલશે.

મેં બી માત્ર વિચારવાથી બધું સારું નહીં થઇ જાય, પરંતુ મનનો ઉદ્વેગ, આવેગ, ગુસ્સો તો શાંત થશે અને એટલું થાય તો પણ માણસમાં બીજા સાથે ડીલ કરવાની ક્ષમતા સુધરશે, સ્ટ્રેસ મેનેજ થશે, ડિપ્રેશનની શક્યતા ઘટશે, હાર્ટ ડિસીઝની શક્યતા ઓછી થશે. પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા વધશે. સર્જનાત્મક વિચારશક્તિ ખીલશે, ડર ઓછો થશે, મૂડ સ્વિંગ્સનું પ્રમાણ ઘટશે અને એક સારી વ્યક્તિ તરીકેનું કેરેક્ટર ડેવલપ થશે, જે તમારા પર્સનલ અને પ્રોફેશનલ સંબંધો સુધારશે.