12 જુલાઈ, 2001ના રોજ ગ્રીસના એથેન્સ શહેરમાં કેરોલિન લુઇસ ક્રાઉચનો જન્મ થયો. તે આમ તો બ્રિટિશ હતી, પરંતુ તેના મૂળ ફિલિપાઇન્સ સાથે જોડાયેલાં હતાં. તેના પિતા ડેવિડ ક્રાઉચ એક નિવૃત્ત એન્જિનિયર હતા અને તેમની માતાનું નામ સુસાન ડેલા કુએસ્ટા હતું. જ્યારે કેરોલિન 8 વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર એલોનિસોસ ટાપુ પર રહેવા ગયો હતો. આ સુંદર ટાપુ પર જ તેણે તેનું બાળપણ વિતાવ્યું હતું.
15 વર્ષની ઉંમરે કેરોલિન બાબીસ એનાગ્નોસ્ટોપોલોસ નામની એક વ્યક્તિને મળી. બાબીસ સાથેની આ મુલાકાત પાછળથી તેના જીવનમાં એક વળાંક બની ગઈ. કેરોલિન અને બાબીસ બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં અને બંનેએ 15 જુલાઈ, 2019ના રોજ પોર્ટુગલમાં લગ્ન કર્યાં. લગ્ન પછી બંનેએ પોતાનું નવું જીવન શરૂ કર્યું અને સાથે રહેવા લાગ્યાં. બાબીસ વ્યવસાયે કોમર્સિયલ પ્લેનનો પાઈલટ હતો અને કેરોલિન પણ ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી. એટલે સ્વાભાવિક છે કે બંનેના પરિવારોએ આ લગ્નને માન્ય રાખ્યાં.
11 મે, 2021ની સવારે કંઈક એવું થયું કે જેણે આ કપલનું સંપૂર્ણ જીવન જ બદલી નાખ્યું. તે સવારે પોલીસને એક ફોન આવ્યો. ફોન કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ કેરોલિનનો પતિ બાબીસ જ હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમને કેરોલિન ઘરના પલંગ પર મૃત હાલતમાં મળી આવી. સાથે જ રૂમમાં તેનો પતિ બાબીસ પણ એક ખૂણામાં બેઠો હતો. પોલીસે જોયું કે, બાબીસના હાથ અને પગ બાંધેલા હતા અને આ જ રૂમમાંથી 11 મહિનાની બાળકી કે જેનું નામ લિડિયા હતું તે પણ મળી આવી હતી. લિડિયા કેરોલિના અને બાબીસની પુત્રી હતી.
બાબીસે તપાસ અધિકારીઓને જણાવ્યું કે થોડા કલાકો પહેલાં સવારે લગભગ 04:૩0 વાગ્યે, ત્રણ માસ્ક પહેરેલા ગુંડાઓ ચાકુ લઈને તેમના ઘરમાં ઘૂસી ગયા. બાબીસના જણાવ્યા મુજબ, લૂંટારુઓ તેમના ઘરના ભોંયરાની બારીમાંથી ઘરમાં પ્રવેશ્યા હતા. ગુંડાઓએ સૌ પ્રથમ ઘરના હોલમાં સૂઈ રહેલા કૂતરાને પોતાનું નિશાન બનાવ્યો. ગુંડાઓએ કૂતરાને સીડીની રેલિંગ સાથે લટકાવીને મારી નાખ્યો. ત્યારબાદ લૂંટારુઓ ઉપરના માળે આવેલા બેડરૂમમાં ગયા અને બંદૂકની અણીએ પૈસાની માંગણી કરી.
જ્યારે ગુંડાઓએ હુમલો કર્યો ત્યારે માર્શલ આર્ટ્સનું જ્ઞાન ધરાવતી કેરોલિને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો. બાબીસના જણાવ્યા મુજબ જ્યારે ગુંડાઓએ કેરોલિનની દીકરી લિડિયા પર બંદૂક તાકી, ત્યારે તે તેનો બચાવ કરવા માટે કૂદી પડી. ગુંડાઓના જૂથનું નેતૃત્વ કરી રહેલા એક ગુંડાએ કેરોલિનને પકડીને ધીમે ધીમે તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી. ઘટના દરમિયાન ગુંડાઓએ બાબીસને પણ બાંધી દીધો અને તેનું ગળું દબાવી દીધું, જેના કારણે તે ટૂંક સમયમાં બેભાન થઈ ગયો.
ઘટના પછી તરત જ પોલીસે ઘરની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લૂંટારુઓએ ભોંયરામાં લગાવેલા સીસીટીવી કેમેરાનું મેમરી કાર્ડ કાઢી નાખ્યું હતું ડિજિટલ પુરાવાઓની તપાસમાં બાબીસ દ્વારા વર્ણવેલ ઘટનાના સમયમાં ઘણી વિસંગતતાઓ બહાર આવી. કેમેરાનું મેમરી કાર્ડ ખરેખર રાત્રે 01:20 વાગ્યે કાઢી નાખવામાં આવ્યું હતું, જ્યારે બાબીસે દાવો કર્યો હતો કે લૂંટારુઓ સવારે 04:૩0 વાગ્યે આવ્યા હતા. વધુમાં કેરોલિને પોતાના કાંડા પર પહેરેલી ડિજિટલ બાયોમેટ્રિક ઘડિયાળ પરથી જાણવા મળ્યું કે તેનું હૃદય 04:11 વાગ્યે બંધ થઈ ગયું હતું.
આ પુરાવાએ પોલીસ તપાસમાં ગંભીર શંકાઓ ઊભી કરી. આ કેસ ક્રાઇમ્સ અગેન્સ્ટ લાઇફ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આ રહસ્યમય ઘટનાને ઉકેલવા અને ગુનાના સંકેતો આપવા માટે ૩,00,000 યુરોનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન 4૩ વર્ષીય જ્યોર્જિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી કે જે બલ્ગેરિયા સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેની પાસે નકલી પાસપોર્ટ હતો, પરંતુ તેની પાસેથી આ કેસમાં તે આરોપી હોય તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નહીં. નજીકનાં ઘરો અને દુકાનોના સીસીટીવી કેમેરા રેકોર્ડ પણ તપાસવામાં આવ્યા હતા, પરંતુ લૂંટારુઓ કે તેમના વાહનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે બાબીસે પોતાના નિવેદનમાં ઘણી બાબતો ખોટી રીતે રજૂ કરી હતી. ડિજિટલ પુરાવાઓએ સ્પષ્ટ કર્યું કે બાબીસ દ્વારા કહેવામાં આવેલી વાર્તામાં સમયની અનેક વિસંગતતાઓ હતી. કેમેરાના મેમરી કાર્ડ પરના ટાઈમલાઇન અને કેરોલિનની બાયોમેટ્રિક ઘડિયાળના ડેટા પરથી જાણવા મળ્યું કે ઘટના 04:૩0 વાગ્યે બની ન હતી. બાબીસના મોબાઇલ ફોન પર ચાલતી એક એપ્લિકેશને પણ દર્શાવ્યું કે જ્યારે ગુંડાઓએ તેને બાંધીને રાખ્યો હતો ત્યારે તે સોશિયલ મીડિયા પર ઓનલાઈન હતો.
17 જૂનના રોજ એલોનિસોસથી સ્કિયાથોસ થઈને બાબીસને એથેન્સ મોકલવામાં આવ્યો હતો. એથેન્સ પહોંચ્યા પછી બાબીસની સઘન પોલીસ પૂછપરછ કરવામાં આવી. લાંબી પૂછપરછ પછી બાબીસે કબૂલાત કરી કે ખરેખર તેણે જ કેરોલિનની હત્યા કરી હતી. તેણે કહ્યું કે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આ ઝઘડાઓના કારણે તેણે આ ખૂન કર્યું હતું.
પૂછપરછ દરમિયાન પોલીસ અધિકારીએ કડક અવાજમાં પૂછ્યું, `બાબીસ, 04:૩0 વાગ્યે તમારા ઘરમાં કોણ ઘૂસ્યું?' બાબીસે થોડા ખચકાટ પછી જવાબ આપ્યો, `ત્રણ ડાકુઓ, માસ્ક પહેરેલા, હથિયારો સાથે આવ્યા હતા.' અધિકારીએ વધુ જણાવવા કહ્યું, `તેઓએ પહેલાં અમારા કૂતરાને મારી નાખ્યો અને પછી કેરોલિનને પકડી લીધી.' બાબીસના અવાજમાં ટેન્શન સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું અને પોલીસે એ પણ નોંધ્યું કે જાણે કે બાબીસને તે ઘટનાઓ સ્પષ્ટ રીતે યાદ ન હતી.
જ્યારે તપાસનો ડેટા રજૂ કરવામાં આવ્યો, ત્યારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું, `બાબીસ, કેમેરાનું મેમરી કાર્ડ 01:20 વાગ્યે કાઢવામાં આવ્યું હતું, તમે કહ્યું તેમ 04:૩0 વાગ્યે નહીં.' બાબીસે માથું નમાવ્યું અને કહ્યું, `હું... મને બસ એ જ યાદ હતું.' તો પછી તમે કેરોલિનની બાયોમેટ્રિક ઘડિયાળ પર નોંધાયેલા 04:11ના સમયને કેવી રીતે સમજાવશો? તમારા નિવેદનમાં સ્પષ્ટ વિસંગતતાઓ છે,' અધિકારીએ કડકાઈથી પૂછ્યું. બાબીસના ચહેરા પર ભય અને શંકા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
`કોર્ટમાં ન્યાયાધીશે બાબીસને ગંભીર સ્વરમાં પૂછ્યું, `તમે આપેલા ખોટાં નિવેદનો અને ડિજિટલ પુરાવા સ્પષ્ટપણે વિરોધાભાસી છે. શું તમે કબૂલ કરો છો કે તમે કેરોલિનની હત્યા કરી છે?' `હા, મેં જોયું. અમારી વચ્ચે સતત ઝઘડા થતા રહેતા હતા' બાબીસે આખરે ધીમા અવાજે કબૂલાત કરી. ન્યાયાધીશે કડક અવાજમાં કહ્યું, `તમારાં જૂઠાણાં અને અસંગતતાઓ તમારા અપરાધના પુરાવા તરફ ઈશારો કરે છે.'
આખરે 18 જૂનના રોજ બાબીસ વિરુદ્ધ હત્યા, પ્રાણીઓ પર ક્રૂરતા, ખોટું રિપોર્ટિંગ અને ખોટાં નિવેદનો આપવાના આરોપો દાખલ કરવામાં આવ્યા. કેસની સુનાવણી આગળની કાનૂની કાર્યવાહીમાં શરૂ થઈ. 16 મે, 2022ના રોજ લગભગ એક મહિના પછી કોર્ટની જ્યૂરીએ બાબીસને હત્યાનો દોષી ઠેરવ્યો. બાબીસને કેરોલિન અને કૂતરાની હત્યા બદલ આજીવન કેદની સજા, ઉપરાંત વધારાના 10 વર્ષની સજા અને 20,000 યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાદમાં ખોટી માહિતી આપવા બદલ તેને વધારાની 11 વર્ષ અને 6 મહિનાની સજા ફટકારવામાં આવી.
29 સપ્ટેમ્બર, 202૩ના રોજ એથેન્સની અપીલ કોર્ટે અગાઉની સુનાવણીના ચુકાદાને સમર્થન આપ્યું. બાબીસને ફરીથી આજીવન કેદની સજા, વધારાના 11 વર્ષ અને 6 મહિનાની સજા અને કુલ 21,000 યુરોનો દંડ ફટકારવામાં આવ્યો. આ નિર્ણય બાદ કેરોલિનના પરિવારને રાહત થઈ.
કેરોલિનની દીકરી લિડિયાની કસ્ટડી કેરોલિનના પરિવારને સોંપવામાં આવી હતી અને તેને વધુ ઉછેર માટે ફિલિપાઇન્સના મનીલામાં તેના પિતરાઈ ભાઈઓ પાસે મોકલવામાં આવી હતી.
આ ઘટનાના સમાચાર પોતે જ એક વિચિત્ર બની ગયા. કેરોલિનના બ્રિટિશ વંશને કારણે આ હત્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે મુખ્ય સમાચાર ચેનલો અને સામયિકો દ્વારા વિગતવાર ચર્ચવામાં આવી હતી. બ્રિટિશ અખબારો `ધ ગાર્ડિયન', `સ્કાય ન્યૂઝ' વગેરેએ આ ઘટનાનો વિગતવાર અહેવાલ આપ્યો હતો. ફ્રાન્સના `Fr24 ન્યૂઝ', અમેરિકાના `ફોક્સ ન્યૂઝ' અને `ન્યૂ યોર્ક પોસ્ટે' પણ આ ઘટના પર અહેવાલ આપ્યો હતો. 19 ફેબ્રુઆરી, 2022ના રોજ બ્રિટિશ ટેલિવિઝન ચેનલ `ચેનલ 5' એ `કેરોલિન: ધ મર્ડર ધેટ ફૂલ્ડ ધ વર્લ્ડ' નામની એક દસ્તાવેજી ફિલ્મ પણ પ્રસારિત કરી, જેમાં હત્યાની ઘટના અને તપાસની પ્રક્રિયાઓ દર્શાવવામાં આવી હતી.
આ કેસમાં આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ પુરાવાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેમેરા, બાયોમેટ્રિક ઘડિયાળ અને મોબાઇલ ફોનના ડેટાથી હત્યાનો વાસ્તવિક સમય અને ચોકસાઈ બહાર આવી. આ પુરાવાએ બાબીસની ખોટી કહાનીનો વિચ્છેદ ઉડાડી દીધો. કોર્ટની સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા તમામ પુરાવાઓની સંયુક્ત જુબાનીને કારણે જ્યૂરી એવા નિષ્કર્ષ પર પહોંચી કે ગુનાના પુરાવા સ્પષ્ટ હતા.
