આજની અમારી વાત આપણા સૌના સૌથી પ્રિય `હિલ સ્ટેશન' આબુની છે. આમ તો આબુ રાજસ્થાનમાં છે, પણ એ આપણને ગુજરાતમાં હોય એવું જ લાગે છે. લોકો પોતાની ગાડીઓ લઈ સેલ્ફ ડ્રાઈવ કરી બે દિવસ માટે આબુ આંટો મારી આવતા હોય છે. અમે પણ છ મિત્રો એક મોટી કાર લઈ શની-રવિ આબુનો `પ્રોગ્રામ' બનાવી નીકળી પડ્યા.

આબુ ભણી ધસી જનારામાં સેન્ડી, દેવલો, પિન્ટુડો, કલ્પો, ભટજી અને હું (યાનિ કી `વિન્યો') હતા. વાતની શરૂઆતમાં જ લેટમી ક્લેરીફાય કે આબુ જઈ `પીવાના પ્રોગ્રામ'માં ભટજી અને હું બંને બાકાત હતા એવું નહોતું (અને નથી) કે અમે `પીતા' નહોતા, પણ હકીકત એ હતી કે પીવાની પ્રવૃત્તિ અમારી ચિત્તવૃત્તિ, પ્રકૃતિ અને શરીરને અનુકૂળ આવતી નહોતી એટલે અમે પીતા નહોતા અને આમેય પીવાવાળા ક્યાંક પીવા જાય ત્યારે સાથે નહીં પીનારાને સાથે રાખતા જ હોય છે. (સેલ્ફ ડ્રાઈવ કરવા કો'ક તો જોઈએ જ ને?) એટલે અમે પણ (ભટજીને હું) આબુવાળા પીવાના પ્રોગ્રામમાં જોડાયા'તા. આબુ પહોંચી અમે એક નવા બનેલા `રિસોર્ટ'માં ત્રણ કોટેજ બુક કરી ધામા નાખ્યા.

દિવસ દરમિયાન અમે મેનેજર અને વેઈટરોને પટાવી સાંજે/રાત્રે પીવાના `પ્રોગ્રામ'માં મદદરૂપ થવા ગોઠવણ કરી નાંખી. આમેય `ઓફ સીઝન' હતી એટલે રિસોર્ટમાં અમારા સિવાય કોઈ હતું જ નહીં. એટલે સ્ટાફવાળા પણ કો-ઓપરેટ કરવા તૈયાર થઈ ગયા. સાંજ ઢળવા માંડી. અમે રિસોર્ટના બગીચામાં `માલ' લઈ પહોંચી ગયા. વેઈટરે ગ્લાસ, બરફ, બાઈટિંગ, કોલડ્રિંક્સ બધું ગોઠવી નાંખ્યું. અમે છએ જણા એક મોટા ટાબેલ ફરતે `ગોળમેજી પરિષદ' ભરી ગોઠવાઈ ગયા. સેન્ડી, દેવલો, પિન્ટુડો અને કલ્પો `ચીયર્સ' કરીને પેગ પર પેગ ઠોકવા માંડ્યા, બાઈટિંગ ઝાપટવા માંડ્યા. ભટજી ને હું કોલ્ડ્રિંગ પીવા માંડ્યા અને અમેય બાઈટિંગના બુકડા ભરવા માંડ્યા. વેઈટરો જાતજાતની વાનગીઓ પીરસવા માંડ્યા. અમારી મહેફિલ તો બરાબરની જામી. મોટા અવાજે વાતો, જોક્સ ચાલતાં રહ્યાં. ગીતો ગવાયાં. થોડો ઘણો ડાન્સ પણ થયો. પીનારાઓને હવે બરાબર ચડી ગઈ હતી. એ લોકો હવે બકવાસ ને લવારી કરવા માંડ્યા'તા. લગભગ બધા ભાન ભૂલી એકદમ `ટુન્ન' થઈ ગયા'તા. બધા વેઈટર અને મેનેજર પણ જતા રહ્યા હતા.

બગીચામાં આછા અજવાળામાં અમે છ જણા જ હા હા હી હી કરી રહ્યા હતા. લગભગ રાતના (સવારના) ત્રણ વાગ્યે બધો જ `માલ' યાનિ કી વ્હિસ્કીની બધી બોટલ પૂરી થઈ ગઈ. છેવટે અમે `પાર્ટી' પૂરી કરવાનું નક્કી કર્યું. પીધેલા માંડ માંડ ઊભા થયા અને એકદમ લથડતી ચાલે બધા પોતાના કોટેજ તરફ જવા માંડ્યા. સેન્ડી, દેવલો અને પિન્ટુડો એક કોટેજમાં ગયા ને ત્યાં જઈ લગભગ બેભાન થઈ, પડતા ભેગા જ `ગર્તા'માં સરી ગયા, પણ કલ્પેશ ઉર્ફે કલ્પાની હાલત કફોડી હતી. એ તો બગીચાની ખુરશીમાં જ `ઢુસ્સ' થઈ ગયો'તો. અમે એને ઢંઢોળ્યો, હલબલાવ્યો તોયે એ જાગ્યો જ નહીં. મેં અને ભટજીએ એની ટીંગાટોળી કરી એને ઢસડીને એના કોટેજ પાસે લઈ ગયા. દીવાલના ટેકે ઊભો રાખી બારણું ખોલતા'તા ત્યારે એ કપાયેલા ઝાડની જેમ `ધબ્બ' કરતો રેતીના ઢગલામાં પડ્યો. અમે એને લાશની જેમ ઢસડીને રૂમમાં ફેંકી આવ્યા અને પછી અમારા કોટેજમાં જઈ સૂઈ ગયા. અમારી આ આખી એક્ટિવિટીને રિસોર્ટનો ચોકીદાર અંધારામાં દૂરથી જોઈ રહ્યો હતો. બીજે દિવસે સવારે અચાનક અમારા કોટેજનાં બારણાં ધમધમવા માંડ્યાં.

મેં ને ભટજીએ સફાળા જાગી બારણાં ખોલીને જોયું તો બહાર રાજસ્થાનની પોલીસ હતી. અમને જોઈ પેલા ચોકીદારે બૂમ પાડી. `આ જ છે, આ બે જણા જ ખૂની છે.' એમણે જ રૂમ નંબર 303માં લાશ નાખી છે. `પોલીસે અમારો કાંઠલો પકડી ધમકાવવાનું શરૂ કર્યું.' નાલાયકો, રાજસ્થાનમાં આવી મર્ડર કરો છો? હું ને ભટજી ચમક્યા. અમે કંઈ સમજીએ એ પહેલાં પોલીસ અમને રૂમ નં. 303 પાસે લઈ ગઈ ને કહ્યું, `તમે મર્ડર કરી આમાં લાશ નાખી દીધી છે.' એ રૂમ તો કલ્પાનો હતો. પોલીસે લાત મારી દરવાજો ખોલ્યો. પલંગ પર કલ્પો લાશની જેમ પડેલો. પી.આઈ. તાડૂક્યો `તમે આનું ખૂન કર્યું છે અને આ ચોકીદાર એનો સાક્ષી છે.' મને હવે આખી વાત સમજાઈ ગયેલી. મેં કહ્યું, `સાહેબ, આ લાશ નથી. આ જીવતો છે.' ને મેં કલ્પાને ચોક્કસ જગ્યાએ કચ્ચીને લાત મારી. કલ્પો ગાળો બોલતો જાગી ગયો. પોલીસ ચકિત થઈ ગઈ. મેં ને ભટજીએ પોલીસને અમારા પીવાના પ્રોગ્રામની વાત સમજાવી ત્યારે માંડ માંડ એ લોકો ગયા. અને અમે ગુજરાત પાછા આવ્યા.