સામાન્ય માણસ માટે સંવાદ એ માત્ર પોતાની વાત કે પોતાના ગમા-અણગમાને પસાર કરવાનું માધ્યમ માત્ર હોઈ શકે! પરંતુ જેમણે લીડરશિપ કરવી છે એના માટે સંવાદ અથવા તો કોમ્યુનિકેશન બે રીતે અત્યંત મહત્ત્વ ધરાવે છે. એક રીતે જેમ કરોડો સામાન્ય લોકોને પોતાની વાતોનું વહન કરવા અને બીજી રીતે પોતાનો પ્રભાવ પાડવા કે પોતાની સ્વીકૃતિ ઊભી કરવા માટે લીડર માટે કોમ્યુનિકેશન અત્યંત મહત્ત્વનું છે. આખરે તેણે લોકોની વચ્ચે માત્ર પોતાની વાત જ પહોંચાડવાની નથી હોતી, પરંતુ લોકોના ચિત્ત પર પોતાની વાતનો પ્રભાવ પણ ઊભો કરવાનો હોય છે. એટલે જ તેના માટે યોગ્ય કોમ્યુનિકેશન અત્યંત મહત્ત્વનું બની જાય છે.

લીડર યોગ્ય કોમ્યુનિકેશન કરતા શીખે અથવા એ માટે તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિશે મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મે અનેક સુંદર વાતો કરી છે. એક જગ્યાએ તેઓ કહે છે કે પ્રભાવક કોમ્યુનિકેશન કરવાની સૌથી પહેલી શરત એ છે કે લીડરના શબ્દપ્રયોગો અને ઉચ્ચારણો અત્યંત સ્પષ્ટ તેમજ સામાન્ય માણસોથી જુદાં પડે એવાં, વાંચન અને અભ્યાસની છાંટ ધરાવતાં હોવાં જોઈએ! તેઓ કહે છે કે બોલચાલની ભાષાનો ઉપયોગ કરનાર માણસ ક્યારેય પ્રભાવક કોમ્યુનિકેશન ન કરી શકે. એટલે આ માટે થઈને લીડરે સતત અભ્યાસ કરતા રહેવું, નવું નવું વાંચતા રહેવું. અહીં નવું નવું વાંચતા રહેવું એ આજના સમયના આધારનો શબ્દપ્રયોગ છે. બાકી, ભીષ્મે શાસ્ત્રસંગમાં રહેવું એવો શબ્દપ્રયોગ કર્યો છે.

ખૈર, વાંચનના તો અન્ય પણ અનેક લાભો છે, પરંતુ એમાં આપણે ઊંડા નથી ઊતરવું, પરંતુ ભીષ્મ કહે એમ જો લોકોની વચ્ચે કે લોકોની સામે પ્રભાવક રીતે બોલવું હોય, લોકો પર તરત જ જાદુઈ અસરો કરવી હોય તો તમારા માટે વાંચવું એ અનિવાર્ય છે. આ ઉપરાંત એક જગ્યાએ ભીષ્મ એમ પણ સલાહ આપે છે કે જો લીડરે અત્યંત અભ્યાસ કર્યો હોય અથવા તે ઘણું બધું જાણતો હોય અને વળી તે સત્તામાં કે કોઈ મોટી જવાબદારી પર હોય એટલે એનો અર્થ એ નથી થતો કે તેણે દરેક વાતે તેનું જ્ઞાન પ્રદર્શિત કરવું કે પછી દરેક વાતે મોટાં મોટાં ભાષણો ઠોકવા બેસી જવું. તેઓ કહે છે શબ્દોની પસંદગી જેટલી મહત્ત્વની છે એટલી જ મહત્ત્વની શબ્દોની કરકસર પણ છે.

તેઓ કહે છે કે મોટાભાગના લોકો એમ માને છે કે તેઓ સિનિયર છે અથવા તો પદ પર છે કે વડીલ છે એટલે દરેક વાતે બે વાતો વધારાની કરવાની કે જ્ઞાન આપવાની કે દરેક વાતે પોતાના સંઘર્ષો અને પોતાની આવડતોને ઢસડી લાવવાની ખરાબ આદત હોય છે. તેમને એમ લાગે છે કે આવું બધું બોલીને તેઓ સામેના માણસ પર પોતાનો પ્રભાવ ઊભો કરે છે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. આ કોમ્યુનિકેશનની અત્યંત ખરાબ રીત છે. જેમાં સામેનો માણસ તમારા લવારાથી કંટાળે તો છે જ, પરંતુ તેને તમારા પર આદર પણ રહેતો નથી. એ તો બસ, એટલે જ સાંભળતો હોય છે કે એની પાસે વિકલ્પ નથી હોતો! બાકી, તેને જો વિકલ્પ મળે તો એ માણસ તત્ક્ષણ તમને એક ઝાપટ મારે કે આ લવારા બંધ કર!

એટલે જ ભીષ્મ કહે છે કે ખપ પૂરતું બોલવું અને શબ્દોની કરકસર કરવી. જેનાથી કોમ્યુનિકેશન તો સારું રહેશે જ, પરંતુ સામેના માણસને તમારા માટે એક આદર પણ રહેશે. વળી, તમે ઓછું બોલો છો ત્યારે એક બીજો ફાયદો એ પણ થાય છે કે સામેનો માણસ તમને કળી નથી શકતો. જેને કારણે ક્યારેય તમારા વટાણા નહીં વેરાય અને તમારા મૂવ્સ વિશે કોઈને ખબર ન પડે. આખરે લીડરશિપમાં એનું પણ મહત્ત્વ તો

ખરું જને?

તો આ સંદર્ભે ત્રીજી મહત્ત્વની ટિપ્સ તેમણે એ આપી કે લીડરે વાત કરતી વખતે ઉચાટમાં નહીં, પરંતુ અત્યંત શાંત રહીને તેમજ સામેના માણસની આંખોમાં આંખ નાંખીને વાતો કરવી. તેઓ કહે છે કે મોટાભાગના લોકોને હાકોટા પાડીને ઊંચા અવાજે અને ઉચાટમાં વાત કરવાની આદત હોય છે. આવા લોકોનો મુદ્દો સાચો હોય તો પણ તેમની રીત એટલી કર્કશ તેમજ અપમાનજનક હોય છે કે સામેનો માણસ હંમેશાં એવું વિચારતો હોય છે કે આની અડફેટે ન ચઢી જવાય તો સારું! એનો અર્થ એ થયો કે મોટાભાગના લોકો આવા લોકોને ટાળતા હોય છે. જો લોકો તમને ટાળતા હોય તો પછી તો થઈ રહ્યું! લોકો સાથે તમે કોમ્યુનિકેટ કઈ રીતે કરવાના? એના કરતાં જો તમે શાંતિથી, સામેનાની આંખોમાં આંખો મિલાવીને વાતો કરતા હો તો લોકો તમારી સંગ કે તમારી આસપાસ રહેવાનું ઝંખશે કે પછી તમારી વાતોને સમજશે, તેના પર અમલ કરશે અને તેને સમર્થન આપશે. આખરે લીડર માટે આ જ બાબતો મહત્ત્વ ધરાવે છે. બાકી તેને કોઈ સાંભળશે જ નહીં તો તેનાં કામ કઈ રીતે થશે?