ધીમા ડગલે આપણાં ઘરોમાં પણ ઘર કરી ગયેલી પ્રથા સંભવતઃ છેલ્લાં 35-40 વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સથી વિશ્વમાં ફેલાયેલો વિચિત્ર પ્રકારનો શોખ જેમાંથી સમાજનું કોઈ સ્તર બચ્યું નથી. પછી ખાનગી ઘરો હોય, વ્યવસાયો હોય, રેસ્ટોરાં હોય કે દુકાનો સહિતનાં વિવિધ મળવાનાં સ્થળો હોય.

આજે નવી પેઢીઓના આગમન પછી કોફી અને ચા સાથે રકાબીનો ઉપયોગ કરવાના રિવાજનું ખૂબ જ ઓછા લોકો પાલન કરવાનું પસંદ કરે છે. જેઓ હજુ પણ આ રિવાજ જાણે છે, તેમાંથી પણ અમુકતમુક ફેશનને અનુસરવાનું પસંદ કરે છે અને રકાબીનો ઉપયોગ અનાવશ્યક ગણે છે. ફેશન ટ્રેન્ડ્સને લાક્ષણિકતા આપતા માર્કેટર્સ કોફી સંબંધિત રકાબી વિના ટેબલવેર સેટ વેચે છે. રકાબી વગરના કપનો આ કદરૂપો ટ્રેન્ડ વેચાણ સુધી જ મર્યાદિત ન રહ્યો, ખાનગી ઘરોમાં પણ ફેશનના ચક્કરમાં પેસારો કરી ગયો છે. જોકે, કપ સાથે રકાબીનો રિવાજ સતત ઘટતો જાય છે. તેમ છતાં હજુ પણ પ્રતિષ્ઠિત કંપનીઓ કપ અને રકાબી સેટ વેચે છે.

રકાબી; રકાબીનો ઇતિહાસ ચા પીવાના ઇતિહાસ સાથે જોડાયેલો છે. શરૂઆતમાં રકાબીનો ઉપયોગ કપમાંથી ઢોળાયેલ ચાને જમીન પર પડતી અટકાવવા માટે કરવામાં આવતો હતો. પછીથી ચા ઠંડી કરવા માટે રકાબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમય જતાં ચાના કપ સાથે રકાબીની એક સરસ મજ્જાની જોડી બની ગઈ. `રકાબી'નું અંગ્રેજી નામ `સોસર' શબ્દ જૂના ફ્રેન્ચ શબ્દ `સૌસિયર' પરથી આવ્યો છે, જેનો અર્થ ચટણી રાખવા માટે વપરાતી નાની, છીછરી વસ્તુનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ ચાના કપને રાખવા માટેની રકાબી માટે પણ વિકસિત થયો. આમ, રકાબીનું ઐતિહાસિક જોડાણ ચટણી સાથે પ્રતિબિંબિત કરે છે, ભલે તેનું પ્રાથમિક કાર્ય ચાના કપને ટેકો આપવા તરફ વળ્યું હોય. હજી આપણા જેવી કેટલીક સંસ્કૃતિઓમાં રકાબીમાં ચા પીવી એક સામાન્ય પ્રથા છે, પરંતુ પશ્ચિમમાં તે ઓછી થઇ ગઈ છે. રકાબીમાં પીવું ઘણીવાર નીચા સામાજિક દરજ્જાની નિશાની તરીકે જોવામાં આવે છે.

કપ સાથે રકાબીનું એટલું બધું મહત્ત્વ હતું કે તેના ટેકામાં અમેરિકન ઇતિહાસ વિશે એક જૂની વાર્તા કહેવામાં આવે છે. જ્યારે જેફર્સન ફ્રાન્સથી પાછા ફર્યા ત્યારે તેમણે પૂછ્યું કે પ્રતિનિધિઓએ કોંગ્રેસનાં બે ગૃહો - એક ગૃહ અને એક સેનેટ શા માટે બનાવ્યાં.

વોશિંગ્ટને જેફર્સનને જવાબમાં સામું પૂછ્યું, "તમે આ ચા તમારી રકાબીમાં કેમ રેડી છે?"

"ઠંડી કરવા માટે" જેફર્સને કહ્યું.

વોશિંગ્ટને જવાબ આપ્યો, "તેવી જ રીતે અમે હાઉસ કપમાંથી કાયદો સેનેટોરિયલ રકાબીમાં રેડીએ છીએ જેથી તેને ઠંડો કરી શકાય."

ચા અને રકાબીનો લાંબો અને રસપ્રદ ઇતિહાસ, ચાના મૂળ અને વિશ્વભરમાં તેની સફર સાથે જોડાયેલો છે. મૂળ રૂપે ચા નાના, હેન્ડલ વિનાના બાઉલમાંથી પીવામાં આવતી હતી. આ બાઉલનો ઉપયોગ ઘણાં વર્ષોથી કરવામાં આવતો હતો. યુરોપિયનોમાં ચાનો પરિચય થયો તે પહેલાં ચીન, જાપાન અને અન્ય દેશોમાં સેંકડો વર્ષો સુધી ચા પીવામાં આવતી હતી. 16મી સદીમાં પોર્ટુગીઝ અને ડચ વેપારી જહાજો યુરોપમાં ચા અને ચાનાં વાસણો લાવતા હતા. આ સમય દરમિયાન ચાના બાઉલ યુરોપિયન સ્વાદને અનુરૂપ બનવા લાગ્યા અને `બાઉલ'માં દાંડી ઉમેરવામાં આવી. બસ, આ એક નાનકડી દાંડીએ જ તદ્દન નિર્દોષ જોડાના છૂટાછેડા કરાવવામાં અહમ રોલ ભજવવાની શરૂઆત કરી હતી. દાંડીને કારણે જ છેલ્લાં વર્ષોમાં આવેલા પરિવર્તનને કારણે પશ્ચિમી અને યુરોપીય સંસ્કૃતિઓમાં રકાબીમાં ચા પીવાની પ્રથા મોટાભાગે લુપ્ત થતી ગઈ અને રકાબીનો ઉપયોગ મુખ્યત્વે ચા પીવાના બદલે ચાના કપને નીચે મૂકવા માટે થવા લાગ્યો. આજે ઘરમાં રકાબી જોવા મળે છે, પણ ફક્ત સુશોભનની વસ્તુઓ હોય તેમ કપ સાથે મેચિંગ ન થતી હોય તેવી.

કપ-રકાબી પતિ-પત્નીને શીખ પણ આપે છે, વચ્ચે કોઈ દાંડી કે દાંડો ન ઘૂસી જાય તેનું ધ્યાન રાખતા રહેવું.