આવાર્તા એક એવી સ્ત્રીની છે કે જેનું જીવન બહારથી આમ તો સામાન્ય લાગતું હતું, પણ જેના ગુનાહિત માનસમાં ઝેરની શીશી અને મનમાં લોભની આગ હતી. તેનું નામ હતું કેડી કેમ્પમ્મા, પરંતુ ભારતના ગુનાહિત ઇતિહાસે તેને `સાયનાઇડ મલ્લિકા'નું નામ આપ્યું. કર્ણાટકનાં નાનકડાં ગામડાંઓથી લઈને બેંગ્લોરની ઘમસાણભરી ગલીઓ સુધી તેણે મંદિરોને પોતાના ગુનાઓનું ઘટનાસ્થળ બનાવી એક પછી એક છ મહિલાઓના જીવ લઈ લીધા.

1970ની સાલ હતી. કર્ણાટકના કગ્ગલીપુરા ગામમાં એક નાનકડી ઝૂંપડીમાં એક બાળકીનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું કેડી કેમ્પમ્મા. ગામની હવા શુદ્ધ હતી, ખેતરો લીલાંછમ હતાં અને જીવન સાદું હતું. બાળકીનો પરિવાર મધ્યમવર્ગનો હતો, ન ખૂબ ગરીબ ન ખૂબ અમીર, પણ આ શાંતિ લાંબી ન ટકી. નાની ઉંમરે કેમ્પમ્માનાં લગ્ન એક દરજી પુરુષ સાથે થયાં. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યું. તેમને ત્રણ બાળકો થયાં. એક નાનકડું કુટુંબ કે જે ખુશીઓથી ભરેલું હોવું જોઈએ, પણ ખુશીઓ તેના નસીબમાં નહોતી.

1998નું વર્ષ આવ્યું અને તેના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે તેનો સમગ્ર પરિવાર તબાહ થઈ ગયો. તેના પતિએ એક ચિટ ફંડ બિઝનેસ શરૂ કર્યો હતો, જે નિષ્ફળ ગયો. દેવું વધ્યું, લડાઈઓ વધી અને આખરે તેના પતિએ તેને અને તેનાં બાળકોને છોડી દીધાં. કેમ્પમ્મા એકલી પડી ગઈ. ઘરમાં ખાવાનું નહોતું, બાળકોના રડવાનો અવાજ ઘરમાં ગુંજતો હતો. આ સ્થિતિએ તેના મનમાં એક અજાણ્યો ગુસ્સો પેદા કર્યો. તેણે નક્કી કર્યું કે હવે તે પોતાના રસ્તે ચાલશે, પણ કોણ જાણતું હતું કે આ રસ્તો ગુનાની દુનિયા તરફ જશે?

તેણે ગામમાં ઘરેલુ કામકાજ શરૂ કર્યું. થોડાં નાણાં મળવા લાગ્યાં, પણ તે પૂરતાં નહોતાં. પછી તે એક સોનાના વેપારી પાસે કામે લાગી. અહીંથી તેના જીવનમાં એક નવું પાત્ર દાખલ થયું સાયનાઇડ. આ ઝેરનો ઉપયોગ સોનાને શુદ્ધ કરવા માટે થતો હતો. તેની નાનકડી શીશીઓ, તેની તીખી ગંધ અને તેની ઘાતક શક્તિ, આ બધું કેમ્પમ્માને આકર્ષવા લાગ્યું. શું તે જાણતી હતી કે આ ઝેર એક દિવસ તેની ઓળખ બનશે? કદાચ નહીં, પણ ભાગ્યએ તેના માટે એક ભયાનક રમત તૈયાર કરી હતી.

1998ની સાલમાં કેમ્પમ્માએ પોતાનો પ્રથમ ગુનો કર્યો. એક મહિલા કે જેનું નામ અને ઓળખ ઇતિહાસનાં પાનાંઓમાં ખોવાઈ ગયાં, તેનો પ્રથમ શિકાર બની. કેવી રીતે? ક્યાં? આ વિગતો અજાણી રહી, પણ એક વાત નક્કી હતી કેમ્પમ્માએ સાયનાઇડનો ઉપયોગ કર્યો અને તેના હાથ લોહીથી રંગાયા. આ ઘટના એટલી ગુપ્ત હતી કે પોલીસને શંકા પણ ન ગઈ, પણ આ એક શરૂઆત હતી. એક એવી શરૂઆત જે એક ખતરનાક સિરિયલ કિલરનો જન્મ થવાનો સંકેત આપતી હતી.

એક વર્ષ પછી 19 ઓક્ટોબર, 1999નો દિવસ હતો. હોસકોટે નજીક એક નાનકડું મંદિર હતું, ત્યાં 30 વર્ષની મમતા રાજન નામની મહિલા એક ખૂણામાં બેઠી હતી. તેની આંખોમાં આંસુ હતાં, હૃદયમાં દુ:ખનો ભાર હતો. તેની પાસે એક સ્ત્રી આવી એ સ્ત્રી હતી કેમ્પમ્મા. તેનો ચહેરો શાંત હતો, અવાજ મધુર હતો. `બહેન, શું થયું? હું તને એક ખાસ પૂજા કરાવીશ, તારું દુ:ખ દૂર થશે' એમ કહીને તેણે મમતાનો વિશ્વાસ જીતી લીધો.

કેમ્પમ્મા મમતાને મંદિરની પાછળના એક ખૂણામાં લઈ ગઈ. ત્યાં એક નાનકડા પ્રસાદમાં સાયનાઇડ મેળવીને તેણે મમતાને આપ્યું. `આ ખાઈ લે, બધું ઠીક થઈ જશે' એમ કહ્યું. મમતાએ ભરોસો રાખીને પ્રસાદ ખાધો. થોડી જ ક્ષણોમાં તેનું શરીર ધ્રૂજવા લાગ્યું, આંખો બંધ થઈ ગઈ અને તે જમીન પર ઢળી પડી. કેમ્પમ્માએ ઝડપથી તેનાં ઘરેણાં ઉતાર્યાં, પૈસા લીધા અને અચાનક જ ગાયબ થઈ ગઈ. પોલીસને લાગ્યું કે આ કુદરતી મોત હતું. કોઈને ખબર ન પડી કે એક સ્ત્રીએ નિર્દયતાથી હત્યા કરી હતી.

આશ્ચર્યની વાત એ છે કે પ્રથમ હત્યા પછી કેમ્પમ્મા સાત વર્ષ સુધી શાંત રહી. 1999થી 2006 સુધી તેના નામે કોઈ ગુનો નોંધાયો નહીં. શું થયું હશે? શું તે પોતાની ગુનાહિત માનસિકતામાંથી બહાર આવી ગઈ હતી? શું તે નવું જીવન જીવવા માંગતી હતી? કે પછી તે કંઈક મોટું યોજી રહી હતી? આ સમય દરમિયાન તે ક્યાં હતી, શું કરતી હતી આ બધું એક ગાઢ રહસ્ય બની રહ્યું. કદાચ તે ગામડાંઓમાં છુપાઈને રહેતી હતી, કદાચ તે પોતાની ચાલને વધુ સંપૂર્ણ બનાવવાની યોજના ઘડી રહી હતી, પણ 2006માં તેનું ખતરનાક રૂપ ફરી જાગ્યું અને આ વખતે તે રોકાવાની નહોતી.

7 ડિસેમ્બર, 2006નો દિવસ હતો. કોલાર જિલ્લામાં એક નાનકડું ગેસ્ટહાઉસ હતું, જ્યાં 22 વર્ષની રેણુકા નામની યુવતી રોકાઈ હતી. તે એકલી હતી અને તેનું જીવન પણ દુ:ખોથી ભરેલું હતું. કેમ્પમ્મા તેને મંદિરમાં મળી. `આવ, હું તને એક ખાસ પૂજા કરાવીશ' એમ કહીને તે રેણુકાને ગેસ્ટહાઉસના એક ખૂણામાં લઈ ગઈ. ત્યાં ફરી એકવાર સાયનાઇડનો ખેલ રમાયો. રેણુકાએ પ્રસાદ ખાધો અને થોડી જ વારમાં તેનો જીવ નીકળી ગયો. પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણી. કેમ્પમ્મા ફરી એકવાર બચી ગઈ.

2007નું વર્ષ આવ્યું અને કેમ્પમ્માનું ખૂની રૂપ સંપૂર્ણ રીતે બહાર આવ્યું. ઓક્ટોબરથી ડિસેમ્બર માત્ર ત્રણ મહિનામાં તેણે પાંચ મહિલાઓની હત્યા કરી. દરેક ઘટના એક જ રીતે થઈ. 10 ઓક્ટોબરે સતાનુર ગામના એક મંદિરની બહાર 52 વર્ષની એલિઝાબેથ મૃત મળી આવી. તેના ચહેરા પર શાંતિ હતી, પણ શરીરમાં ઝેર દોડી રહ્યું હતું. નવેમ્બરમાં ક્યાતા-સાંદ્રમાં 60 વર્ષની યશોધમ્મા એક ઝાડ નીચે પડેલી મળી. તેના હાથમાં પૂજાની થાળી હતી, પણ શરીરમાં જીવ નહોતો. થોડા દિવસો પછી યેલહંકામાં 60 વર્ષની મુનિયમ્મા મંદિરની સીડીઓ પર મૃત મળી આવી.

ડિસેમ્બરમાં મદ્દુર વ્યાદ્યાનાથપુરમાં 60 વર્ષની પિલ્લમા એક ખેતરમાં મૃત પડેલી મળી આવી અને પછી,

18 ડિસેમ્બરે બેંગ્લોરમાં 30 વર્ષની નાગવેનીના જીવનનો અંત આવ્યો. નાગવેની નિ:સંતાન હતી અને કેમ્પમ્માએ તેને સંતાનની લાલચ આપી હતી. દરેક વખતે કેમ્પમ્મા પીડિતનાં ઘરેણાં અને નાણાં લઈને ગાયબ થઈ જતી. પોલીસ હેરાન હતી. શું ચાલી રહ્યું હતું? આ મોતનું રહસ્ય શું હતું? દરેક ઘટના એક નવો પડકાર લઈને આવતી હતી.

31 ડિસેમ્બર, 2007નો દિવસ હતો. બેંગ્લોરનું એક બસસ્ટેન્ડ લોકોથી ભરેલું હતું. નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી. ત્યાં એક મહિલા ઊભી હતી. આ મહિલા પાસે ઘણાં બધાં ઘરેણાં હતાં. એક પોલીસવાળાની નજર તેના પર પડી. તેની હિલચાલ શંકાસ્પદ લાગી. `કોણ છે તું? આ ઘરેણાં ક્યાંથી આવ્યાં?' પોલીસે પૂછપરછ શરૂ કરી. મહિલાએ પોતાનું નામ પોલીસને `જયમ્મા' કહ્યું.

થોડી જ વારમાં જયમ્માનું સાચું રૂપ બહાર આવ્યું. તે કોઈ બીજું નહીં, પણ કેડી કેમ્પમ્મા હતી. પોલીસે તેને ઘેરી લીધી. તેણે પોતાના ગુનાઓની કબૂલાત કરી. `હા, મેં તેમને માર્યાં. હું તેમને મંદિરમાં મળતી, પૂજાની લાલચ આપતી અને પછી સાયનાઇડ આપતી' એમ તેણે ઠંડા દિલથી કહ્યું. તેની પાસેથી ઘરેણાં, નાણાં અને એક નાનકડી શીશી મળી, સાયનાઇડની શીશી. પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે કેમ્પમ્મા ભારતની પ્રથમ મહિલા સીરિયલ કિલર બની ગઈ હતી.

વર્ષ 2010માં મુનિયમ્માની હત્યા માટે કેમ્પમ્માને કોર્ટમાં રજૂ કરવામાં આવી. પુરાવા સ્પષ્ટ હતા. તેની કબૂલાત, પીડિતોનાં ઘરેણાં અને સાયનાઇડનાં નિશાન. ન્યાયાધીશે મૃત્યુદંડની સજા સંભળાવી. વર્ષ 2012માં નાગવેનીની હત્યા માટે પણ તેને મૃત્યુદંડ મળ્યો, પણ પુરાવાઓના અભાવને કારણે તેને આજીવન કેદમાં ફેરવી દેવાયો. કર્ણાટકના ઇતિહાસમાં તે પ્રથમ મહિલા હતી કે જેને મૃત્યુદંડની સજા મળી. આજે તે જેલની ચાર દીવાલોમાં કેદ છે, પણ તેની વાર્તા લોકોના મનમાં જીવંત છે.

કેમ્પમ્માની હત્યાઓ પાછળનું કારણ લોભ હતું એમ પોલીસ કહે છે. તેને નાણાં જોઈતાં હતાં, ઘરેણાં જોઈતાં હતાં, પણ સાત વર્ષનો વિરામ શું હતો? શું તેનું મન બદલાઈ ગયું હતું? અને પછી ફરી ગુનાની દુનિયામાં પાછી ફરી? શું તેની પાસે બીજાં રહસ્યો હતાં, જે તેણે ક્યારેય ન કહ્યાં? આ સવાલોના જવાબ કદાચ ક્યારેય નહીં મળે, પણ એક વાત નક્કી છે, સાયનાઇડ મલ્લિકાની આ વાર્તા ભારતના ગુનાહિત ઇતિહાસમાં એક ભયાનક અધ્યાય તરીકે કાયમ રહેશે.