20મી જાન્યુઆરી, 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે જેવું અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ બીજી વાર ધારણ કર્યું કે તરત જ તેમણે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર બહાર પાડીને અમેરિકાના બંધારણના 14મા એમેન્ડમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ બર્થ સિટીઝનશિપ ઉપર પાબંદી મૂકી.

જેઓ અમેરિકાની ધરતી ઉપર જન્મ લે, એમની માતા અમેરિકન સિટીઝન હોય, ગ્રીનકાર્ડધારક હોય, ટૂરીસ્ટ વિઝા ઉપર ત્યાં આવી હોય કે પછી ગેરકાયદેસર રહેતી હોય, અમેરિકાની ધરતી ઉપર જન્મ લેવાના કારણે એના બાળકને અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થાય છે. આ સવલત જે બંધારણ દ્વારા આપવામાં આવી છે એ ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કરી. એમના આ એક્ઝિક્યૂટિવ ઓર્ડરને તરત જ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને હાલમાં તો કોર્ટે મનાઈ હુકમ ફરમાવીને એ એક્ઝિક્યૂટિવ ઓર્ડરને સ્થગતિ કર્યો છે.

ત્યારબાદ ટ્રમ્પે વિમાનો ભરી ભરીને ઈલિગલ ઈમિગ્રન્ટોને એમના દેશોમાં પાછા મોકલવા માંડ્યા. ભારતીયોને પણ ત્રણ-ત્રણ મિલિટરી વિમાનોમાં હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવીને અમૃતસરના એરપોર્ટ ઉપર ઉતારી દીધા.

હવે બુધવાર, 20મી જાન્યુઆરી, 2025ના અમેરિકાના બીજી વાર ચૂંટાઈ આવેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો એક્ઝિક્યૂટિવ ઓર્ડર બહાર પાડીને ધડાકો કર્યો કે, લાગતાવળગતા બધા જ `બાપ રે બાપ!' પોકારી ઊઠ્યા.

વર્ષ 1990માં અમેરિકાએ એમના એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીની ચાર કેટેગરીમાં એક પાંચમી કેટેગરીનો ઉમેરો કર્યો. એમ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ `બેઝિક' કેટેગરી હેઠળ જે કોઈ પણ પરદેશી અમેરિકાના નવા બિઝનેસમાં રોકાણ કરે અને એ બિઝનેસમાં દસ અમેરિકનોને નોકરીમાં રાખે એમને ગ્રીનકાર્ડ આપવામાં આવે એવું ઠરાવવામાં આવ્યું. ત્રણ વર્ષ પછી એક બીજી કેટેગરીનો ઉમેરો ધ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ `પાઈલટ' પ્રોગ્રામ દાખલ કરવામાં આવ્યો, જેની હેઠળ અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં રોકાણ કરતાં રોકાણકારને ગ્રીનકાર્ડ મળી શકે એવો પ્રબંધ કરવામાં આવ્યો. આજે સેંકડો ભારતીયોએ આ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવ્યાં છે અને એનાથી ચાર ગણાં ભારતીયો રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવાની ઈચ્છા ધરાવે છે. બુધવાર, 26મી ફેબ્રુઆરી, 2025ના ટ્રમ્પે અચાનક જ એક બીજો એક્ઝિક્યૂટિવ ઓર્ડર બહાર પાડીને ઈબી-5 પ્રોગ્રામને બંધ કરીને એના બદલે `ગોલ્ડ કાર્ડ' પ્રોગ્રામ દાખલ કર્યો.

આ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ હેઠળ જે કોઈ પરદેશી અમેરિકાની સરકારને પચાસ લાખ ડોલર એટલે કે આજના એક્સચેન્જ રેટ મુજબ 4૩.54 કરોડ રૂપિયા આપે એ વ્યક્તિને અમેરિકાની સિટીઝનશિપ આપવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું.

ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતથી રિજનલ સેન્ટરોના માલિકો ચોંકી ગયા છે. જો આ એક્ઝિક્યૂટિવ ઓર્ડર અમલમાં આવે તો એમણે જે પરદેશથી ગ્રીનકાર્ડ મેળવવા ઈચ્છનાર લોકો એમના પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટમેન્ટ કરતા હોય એ ઈન્વેસ્ટમેન્ટ મળવાનું બંધ થઈ જાય અને એમના પ્રોજેક્ટો અધૂરા રહી જાય. ઈન્વેસ્ટરો પણ આ જાહેરાતથી મૂંઝાઈ ગયા છે. 4૩.54 કરોડ રૂપિયા કંઈ બધા જ ઈન્વેસ્ટરો પાસે ન હોય અને ઈબી-5 પ્રોગ્રામ હેઠળ તો ઈન્વેસ્ટ કરેલ રકમ પાછી મળી શકે છે, જ્યારે ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ હેઠળ તો જે પૈસા આપવાના રહે છે એ આપી દેવાના હોય છે પાછા મળે એવા નથી હોતા.

અનેકોનું એવું માનવું છે કે ઈબી-5 પ્રોગ્રામ તો કાયદા હેઠળ ઘડવામાં આવ્યો છે. કાયદા દ્વારા ઘડવામાં આવેલા પ્રોગ્રામને પ્રેસિડન્ટ એક્ઝિક્યૂટિવ ઓર્ડરો દ્વારા રદ કરી ન શકે. પ્રેસિડન્ટ ટ્રમ્પે આજે એક્ઝિક્યૂટિવ ઓર્ડર બહાર પાડ્યો છે એ નક્કી રિજનલ સેન્ટરો તેમજ અન્યો કોર્ટમાં પડકારશે, પણ એનો નિર્ણય આવે ત્યાં સુધી જે લોકોએ ઈબી-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કર્યું છે અને જે લોકો રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે એમના શ્વાસ તો અધ્ધર થઈ ગયા છે. બાપ રે! અમેરિકાની સિટીઝનશિપ મેળવવા માટે રૂપિયા 4૩ કરોડ 54 લાખ આપવાના!

આટલું ઓછું હોય તેમ ટ્રમ્પે હમણાં એવો વિચાર વહેતો મૂક્યો છે કે અમેરિકાની મોટી મોટી કંપનીઓએ હોશિયાર ભારતીય વિદ્યાર્થીઓ માટે આ પચાસ લાખ ડોલર આપીને એમના માટે અમેરિકન સિટીઝનશિપ ખરીદવી જોઈએ, જેથી તેઓ એ કંપનીમાં જ કામ કરે અને એ કંપનીને તેમજ અમેરિકાને ફાયદો થાય.

શું અમેરિકાની કંપનીઓ કોઈ એક પરદેશી વિદ્યાર્થી માટે પચાસ લાખ ડોલર ખર્ચવા તૈયાર થશે અને જો ખર્ચે તો તેઓ એ વ્યક્તિ પાસેથી એ પૈસા પાછા મેળવવાની જરૂરથી ઈચ્છા રાખશે. એ કારણે એ વ્યક્તિ જોડે કરારો કરીને એ વ્યક્તિ એમને ત્યાં જ કામ કરે તેમજ અન્ય શરતો તેઓ મૂકશે. એટલે એ વ્યક્તિ આડકતરી રીતે એ અમેરિકન કંપનીનો ગુલામ જ બની જશે. શું ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષો પહેલાં અમેરિકાએ એના બંધારણમાં સુધારાઓ લાવીને ગુલામીપ્રથા નાબૂદ કરી હતી, એને ફરી પાછી આવી આડકતરી રીતે દાખલ કરવા ઈચ્છે છે?

અનેકોના મતે ડોનાલ્ડ ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડનો પ્રોગ્રામ સફળ નહીં થાય. પચાસ લાખ ડોલર આપીને અમેરિકાની સિટીઝનશિપ મેળવવા ભાગ્યે જ કોઈ રાજી થશે, પણ આ વાતનો જ્યાં સુધી નિવેડો નહીં આવે ત્યાં સુધી ઈબી-5 પ્રોગ્રામ તો અટકી જશે અને રોકાણ કરીને અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાની ઈચ્છા ધરાવનારાઓનાં અમેરિકન સપનાં પણ થંભી જશે.