દુનિયાનું સૌથી મોંઘું લાકડું કયું? એવો સવાલ કોઈ પૂછે તો જવાબમાં તમે ચંદન કહેશો તો ખોટા પડો. દુનિયાનું સૌથી મોંઘું લાકડું ચંદનનું નહીં, પણ આફ્રિકામાં થતા ડાલબર્ગિયા મેલાનોક્ષાઈલોન નામના વૃક્ષનું લાકડું છે. આ વૃક્ષનું લાકડું 8 લાખ રૂપિયે એક કિલોના ભાવે વેચાય છે.
માનવીની ઉત્ક્રાંતિ સાથે લાકડું પણ જોડાયેલું રહ્યું છે. આગ પેટાવીને માનવીએ આધુનિક માનવ બનવાની દિશામાં પગરણ માંડ્યાં, ત્યારે આગને સળગતી રાખવા માટે લાકડું જ તેને ઉપયોગમાં આવ્યું હતું. જ્યારે વૃક્ષના થડને તેણે પૈડાંના રૂપમાં ઉપયોગમાં લેવા માંડ્યું, ત્યારથી એક નવા યુગની ઉત્ક્રાંતિ થઈ હતી. એ જ રીતે રહેવા માટે ઘર બનાવવામાં પણ લાકડાંનો જ ઉપયોગ થતો રહ્યો છે અને હિન્દુઓમાં તો આખરી મંજિલ માટે પણ લાકડાંથી જ અંતિમ સંસ્કાર થાય છે. ખૈર, લાકડાંના વધુ ઉપયોગને કારણે પૃથ્વી બોડી થવા માંડી અને હવે અનેક કામોમાં લાકડાંને બદલે પ્લાસ્ટિક કે બીજી ચીજોનો ઉપયોગ થવા માંડ્યો છે.
લાકડાના ઉપયોગ પ્રમાણે વિવિધ વૃક્ષોનો ઉપયોગ થાય છે. સાગ અને સીસમનું લાકડું મજબૂત હોય છે, તેથી ઘર બાંધવા કે જહાજ બનાવવામાં તેનો ઉપયોગ થતો હતો. એ રીતે સુગંધનું કામ હોય તો ચંદનનો ઉપયોગ આજે પણ થાય છે. ચંદનનો વધુ ઉપયોગ તો પૂજનવિધિમાં થાય છે. ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ થાય છે, તો સુગંધિત અગરબત્તી કે સાબુ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. જોકે, પૂજામાં તેનો ઉપયોગ થતો હોવાને કારણે જ ચંદનને આપણે કીમતી ગણ્યું છે અને તેનો ભાવ પણ એક કિલોના 18થી 25 હજાર રૂપિયા સુધીનો હોય છે. પરંતુ એ દુનિયાનું સૌથી મોંઘું લાકડું નથી, એ જાણીને તમને આશ્ચર્ય જરૂર થાય. પરંતુ એ સિદ્ધિ તો આફ્રિકામાં થતા ડાલબર્ગિયા મેલાનોક્ષાઈલોનના નામે લખાયેલી છે.
આફ્રિકન બ્લેકવૂડ તરીકે જાણીતું ડાલબર્ગિયા મેલાનોક્ષાઈલોન વૃક્ષ એક દુર્લભ પ્રજાતિનું વૃક્ષ છે. તેની ઊંચાઈ 25થી 40 ફૂટ હોય છે. આ વૃક્ષ મધ્ય અને દક્ષિણ આફ્રિકાના 26 દેશોનાં જંગલોમાં જ થાય છે. એ આપણા જંગલી બાવળની જેમ સૂકા પ્રદેશમાં થાય છે. જોકે, જંગલી બાવળ તો ઊગવા માંડે એ પછી એક જંજાળ જેવા થઈ જતા હોય છે. બ્લેકવૂડ કીમતી હોવા છતાં તેનો વિકાસ બહુ ધીમો હોય છે. એક વૃક્ષને પુખ્ત થવા માટે લગભગ 60 વર્ષ લાગે છે. જોકે, એ વૃક્ષનું લાકડું બહુ મોંઘું વેચાતું હોવાને કારણે તેનું ગેરકાયદે છેદન વધી ગયું છે. એ કારણે એ વૃક્ષ પુખ્ત થાય એ પહેલાં જ તે કપાઈ જતું હોય છે. એ કારણે એ વૃક્ષોની સંખ્યા ઘણી ઘટવા માંડી છે.
આફ્રિકન બ્લેકવૂડનું લાકડું મજબૂત અને ટકાઉ હોય છે. એ કારણે જ તેનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે થાય છે. એ ખરું કે એ ફર્નિચર ખૂબ મોંઘાં હોય છે, તેથી તે શ્રીમંતોના ઘરમાં જ સુશોભિત કરતા જોવા મળે છે. સામાન્ય લોકો તો તે ખરીદી શકતા પણ નથી. જોકે, ફર્નિચર કરતાં તેનો બીજો ઉપયોગ ખૂબ જ થાય છે. સંગીતનાં વિવિધ સાધનો બનાવવામાં આ લાકડું ખૂબ જ જાણીતું છે. શરણાઈ, વાંસળી અને ગિટાર જેવાં સંગીતનાં સાધનો બનાવવામાં તેનો ઉપયોગ વધુ થાય છે. જોકે, એ સાધનો પણ ઊંચા ભાવે જ વેચાતાં હોય છે, તેથી સંગીતની સાધના કરીને પારંગત થયેલા સંગીતજ્ઞો જ આફ્રિકી બ્લેકવૂડમાંથી બનેલાં સંગીતનાં સાધનોનો ઉપયોગ કરતા હોય છે.
એ જ રીતે અગરવૂડ તરીકે જાણીતા એક્વાલેરિયા વૃક્ષનું લાકડું પણ સુગંધિત હોવાને કારણે તેનો ઉપયોગ અત્તર અને ધૂપ બનાવવામાં થાય છે અને તેની કિંમત પણ ઊંચી હોય છે. એ જ રીતે સંગીતનાં સાધનો બનાવવા તેમજ સજાવટની ચીજો બનાવવામાં ઉપયોગમાં લેવાતું એબોની નામના વૃક્ષનું લાકડું પણ ઊંચા દામે વેચાતું હોય છે. આપણે ત્યાં સાગની ખેતી થાય છે, એમ આ વધુ પૈસા કમાવી આપતાં વૃક્ષોની ખેતીનો પ્રયોગ પણ કરી જોવા જેવો છે. એ ખેતી આપણે ત્યાં સફળ થાય તો એક તો લાંબા સમય સુધી હરિયાળી પણ રહેશે અને ખેડૂતને કમાણી પણ સારી થઈ શકે છે.