સરકારે હોકીને રાષ્ટ્રીય રમત જાહેર કરી છે, પણ આપણે તો ક્રિકેટને રાષ્ટ્રીય રમત માની લીધી છે. આપણને ક્રિકેટ રમવા કરતાં એને જોવાની વધારે મજા પડતી હોય છે. આપણે બધા મેચ જોતી વખતે એવા એવા ખેલ કરતા હોઈએ છીએ કે આપણને `મેચ જોતાં જોવાની' પણ જબરી મજા પડતી હોય છે. ભરતમુનીના નાટ્યશાસ્ત્રમાં નવ રસની વાત કરવામાં આવી છે. આ નવ રસમાં શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત રસનો સમાવેશ થાય છે.
આપણે જ્યારે ક્રિકેટ મેચ જોતાં હોઈએ છીએ ત્યારે આ નવેનવ રસનું પ્રદર્શન કરતા હોઈએ છીએ. આપણે મેચના `દેખણહારા' મેચ દેખતી વખતે અજબગજબના સીન કરતા હોઈએ છીએ. ઘરમાં મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોતી વખતે કે સ્ટેડિયમમાં મેચ જોતી વખતે આપણું, દર્શકોનું વર્તન, નર્તન ભરતમુનીના નાટ્યશાસ્ત્રના બધેબધા નવ રસથી છલોછલ હોય છે અને મનોરંજનથી ભરપૂર હોય છે. માનવામાં ન આવતું હોય તો ચાલો ઉદાહરણ આપી સમજાવું.
સૌથી પહેલાં શૃંગાર રસની વાત કરીએ. આપણે મેચ જોતાં પહેલાં ખરેખર શૃંગાર સજીએ છીએ. મોઢા પર દેશના ધ્વજ ચીતરીએ છીએ. ઘણા તો આખું મોઢું એ રંગોમાં રંગે છે. ટીવી પર તમે જોયું હશે અમુક શૂરવીરો તો આખા શરીરે ધ્વજ રંગીને પ્રગટ થતાં હોય છે. મહિલાઓ પણ મેકઅપ `ઠઠાડીને' આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે.
હવે બીજા રસ હાસ્ય રસની વાત કરીએ. મેચ જોતી વખતે ચિત્રવિચિત્ર ચેનચાળા કરતાં હોઈએ છીએ. ભેદી-ગેબી વેશભૂષા ધારણ કરીએ છીએ. સાથે-સાથે એકદમ સોલ્લિડ `સૂત્રોચ્ચાર' કરતા હોઈએ છીએ. ક્રિકેટરોના આડાંઅવળાં નામ પાડી એની ચિચિયારીઓ પાડતા રહીએ છીએ. આ બધું કમાલનું કોમેડી લાગતું હોય છે.
કરુણ રસ તો જ્યારે જ્યારે આપણી ટીમ હારી જાય ત્યારે તરત જ પ્રગટ થઈ જતો હોય છે. ટીમના નામે, ક્રિકેટરોના નામે આપણે રોકકળ કરી મૂકીએ છીએ. આપણે ભયંકર રીતે ભાવુક થઈ પોક મૂકી, છૂટા મોઢે ઠૂઠવો મૂકી આક્રંદ કરતા હોઈએ છીએ. આપણું આ ગગનભેદી રુદન ખૂબ હાસ્યાસ્પદ લાગતું હોય છે.
મેચ જોતી વખતે રૌદ્ર રસ તો થોડી થોડી વારે પ્રગટ થતો હોય. આપણી ગમતી ટીમ થોડું ખરાબ રમે, કોઈ પ્લેયર ભંગાર રીતે આઉટ થાય, કોઈ કેચ બાફે, ફિલ્ડિંગમાં કોઈ ગરનાળા કરે, બોલર બોગસ બોલિંગ કરે એટલે તરત જ આપણો પિત્તો છટકી જતો હોય છે અને પછી આપણે ભયાનક રીતે ગુસ્સે થઈ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોઈએ છીએ અને રાડારાડી કરવા માંડીએ છીએ.
આપણો વીર રસ આપણી ટીમના પ્રદર્શન પર આધારિત હોય છે. ટીમ જુસ્સાથી રમવા માંડે, આપણા ખેલાડીઓ સામેની ટીમના બોલરોને ઝૂડવા માંડે, બોલરો સણસણતી બોલિંગ કરી સામેની ટીમના ખેલાડીઓના ડાંડિયા ડૂલ કરવા માંડે ત્યારે આપણામાંનો શૂરવીર સફાળો જાગી જતો હોય છે અને આપણે પોતે જ જાણે રમતાં હોઈએ એમ વીર રસનું પ્રદર્શન કરીએ છીએ.
આપણી ટીમ ખૂબ કંગાળ, ભંગાર, વાહિયાત પ્રદર્શન કરે અને ભૂંડા હાલે હારવા માંડે ત્યારે રૌદ્ર, ભયાનક અને બીભત્સ આ ત્રણેય રસનું કોમ્બિનેશન પ્રગટ થતું હોય છે. આપણે ખૂબ ગુસ્સામાં આવી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ભયાનક હાવભાવ સાથે `અસંસદીય ભાષા'નો પ્રયોગ કરવા માંડીએ છીએ. ઘરમાં હોઈએ તો મનમાં અને બહાર હોઈએ તો મોટે મોટેથી `મણ મણની' જોખવા માંડીએ છીએ. હાર માટે જવાબદાર ખેલાડીઓને નામ જોગ બીભત્સ ગાળો ભાંડવા માંડીએ છીએ.
આપણી ટીમ માન્યામાં ન આવે એવું અભૂતપૂર્વ-અદ્ભુત પ્રદર્શન કરે ત્યારે આપણે અહોભાવ સાથે અદ્ભુત ભાવ પ્રગટ કરીએ છીએ. કોઈ લેવાદેવા ન હોય એવી ટીમોની મેચ ચાલતી હોય ત્યારે આપણે એકદમ નિર્લેપ ભાવ સાથે નાસ્તો-પાણી કરતાં શાંત રસનું પ્રદર્શન કરતાં મેચ જોઈએ છીએ. ઘણાં તો એ સમયે મેચ બંધ પણ કરી દેતાં હોય છે. જે મેચના રસિયાઓ છે એ જોશે બાકીના માત્ર આપણી ટીમ રમતી હોય ત્યારે જ મેચ જોતાં હોય છે.
ટૂંકમાં, આપણી પ્રિય રમત ક્રિકેટ જોતી વખતે ભરતમુનીને યાદ કર્યા વગર આપણે એમણે જણાવેલા નવ રસ બેધડક પ્રદર્શિત કરીએ છીએ.