કુલચા સેન્ડવીચ

સામગ્રી : બે નંગ કુલચા, ચાર કેપ્સિકમ સ્લાઈસ, ચાર ડુંગળી સ્લાઈસ, ચાર ટમેટાની સ્લાઈસ, 4 ચમચી બાફેલી મકાઈ, 4 કયુબ ચીઝ, 4 ચમચી બટર, પીઝાસોસ, 1 ચમચી મરી પાવડર, 2 ચમચી સેન્ડવીચ મસાલો, 2 ચમચી ચીલી ફ્લેક્સ, મેયોનીઝ ટોમેટો સોસરીત

રીત : એક નોનસ્ટિક કડાઈમાં બટર મૂકી તેમાં બાફેલી મકાઈ કેપ્સિકમ સ્લાઈસ ટોમેટો સ્લાઈસ ડુંગળી સ્લાઈસને સાંતળી લો. તેમાં મીઠું ચીલી ફ્લેક્સ મરી પાવડર અને સેન્ડવીચ મસાલો નાખી હલાવો. પછી એક બાઉલમાં ટોમેટો સોસ અને મેયોનીઝ મિકસ કરો. હવે એક કુલચા નર આ મિશ્રણને સરસ રીતે પાથરી દો અને બનાવેલું ફિલિંગ મૂકો. તેનાં પર ચીઝને છીણીને નાખો.બીજા કુલચા પર પણ બનાવેલું મિશ્રણને પાથરી એ ઉંધો મૂકી દો. પછી ગ્રિલ મશીનમાં બટર મૂકી આને થોડી વાર રાખો. તેને બહાર કાઢી કટ કરી સોસ સાથે સર્વ કરો.

ટિંડોરા મસાલા

સામગ્રી : 250 ગ્રામ ટિંડોરા, 50 ગ્રામ ગાંઠિયા, 1 ચમચી લીંબુનો રસ, તેલ મીઠું જીરુ, રાઈ હળદર ધાણાજીરું મરચું, 1 ચમચી લસણની પેસ્ટ

રીત : સૌ પ્રથમ ટિંડોરાને ધોઈ કોરાં કરી લાંબી ચીરી કરી લો. પછી ગાંઠિયાને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો. આ ગાંઠીયાના ભુક્કામાં મીઠું, મરચું, હળદર ધાણાજીરું અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ નાખી

ટિંડોરા વઘારો. થોડું મીઠું નાખી ધીમા તાપે ચડવા દો. ચડી જાય એટલે બનાવેલો ગાંઠિયાનો મસાલો નાખી મિક્સ કરો. કોથમીર નાખી સર્વ કરો. પરાઠા સાથે આ શાક સરસ લાગે છે.

સેઝવાન પરાઠા

સામગ્રી :

100 ગ્રામ કોબી, 1 નંગ ગાજર, 1 નંગ કેપ્સીકમ, 3 મોટી ચમચી સેઝવાન સોસ, 2 કયુબ ચીઝ, 2 વાટકી મેંદો, મોણ માટે તેલ, ઝીણી સમારેલી કોથમીર, મીઠું, ચીલી ફ્લેક્સ, બટર

રીત : સૌ પ્રથમ કોબીજ, ગાજર અને કેપ્સીકમને ચોપરમા ચોપ કરી લો. પછી તેને દબાવીને બધુ પાણી કાઢી લો. એક તાસકમાં મેંદો લો તેમાં ઝીણી સમારેલી કોથમીર, મીઠું તેલ નાખી પાણીથી નરમ કણક તૈયાર કરી લો. હવે એક બાઉલમાં કોબીજ ગાજર અને કેપ્સીકમને લો તેમાં ચીલી ફ્લેક્સ, સેઝવાન સોસ કોથમીર નાખી મિક્સ કરો. તેમાં ચીઝને ખમણીને નાખો. ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી લો. બનાવેલી કણકમાથી એક લુવો લો તેને વણી લો. પછી વચ્ચે બનાવેલું ફિલિંગ મૂકી ત્રણે બાજુથી વાળી ત્રિકોણ કાર કરી હળવાં હાથે ફરીથી વેલણ મારો. તવી પર બટર મૂકી પરાઠાને શેકી લો. મસાલા દહીં સાથે સેઝવાન પરાઠા ને સર્વ કરો.

મલ્ટી ગ્રેન પુડલા

સામગ્રી : 2 ચમચી ચણાદાળ, મગદાળ, તુવેરદાળ, ચોળાદાળ, મસુરદાળ, 5 ચમચી ચોખા, 3 લીલાં મરચાં, કોથમીર, મીઠું, રોજીંદા મસાલા, 2 કયુબ ચીઝ, તેલ, કોથમીર મરચાની ચટણી

રીત : સૌ પ્રથમ બધી દાળ અને ચોખાને બે ત્રણ વખત ધોઈ અને સાતથી આઠ કલાક પલાળી રાખો. બીજા દિવસે તેને મિક્સરમાં નાખી તેમાં લીલાં મરચાં કોથમીર નાખી ક્રશ કરી લો. પછી પાણી નાખી બેટર તૈયાર કરી લો. બેટરને બે કલાક રાખી મૂકો. ત્યારબાદ તવી ગરમ કરી બેટરમાથી પુડલા ઉતારો. થોડું તેલ નાખી. પુડલા પર કોથમીર મરચાની ચટણી પાથરો, તેનાં પર ચીઝ છીણો. પછી પુડલાનો રોલ તૈયાર કરી તેને કટ કરી ચીઝથી સજાવો.