આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમન્વય કરીને કેવું શાનદાર પરિણામ મેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં સર્જાયું છે. અમદાવાદ સ્થિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર(ઇસરો)ના નિવૃત્ત વિજ્ઞાની ડો. મધુકાંત પટેલે માત્ર 10 સેકન્ડમાં સોઈલ ટેસ્ટ કરી શકતી ડિવાઈસ તૈયાર કરી છે. એઆઈ અને સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીને બનાવાયેલી આ ડિવાઈસ જમીનની ચકાસણી અને પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા સક્ષમ છે. જમીન ચકાસણી અને પરીક્ષણના જે કામમાં 10 દિવસ લાગે છે તે કામ આ ડિવાઇસ માત્ર 10 સેકન્ડમાં કરી આપે છે. નાનામાં નાનો ખેડૂત પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 20 સરકારી અને 2 સહકારી સોઈલ ટેસ્ટિંગ લેબ છે.

 `ઈસરો'ના પૂર્વ વિજ્ઞાનીએ બનાવેલી ડિવાઈસનું ફાઇનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને પ્રાથમિક તારણ મુજબ તે 95 ટકા ચોકસાઈ ધરાવે છે. આ ડિવાઈસથી જમીનમાં કયાં તત્ત્વો ખૂટે છે તેની ચકાસણી થાય છે. પીએચ વેલ્યૂ જેવા માટીના ગુણધર્મો ચકાસે છે. પરંપરાગત સોઈલ ટેસ્ટિંગ સજીવ અને જીવાણુની હાજરી પારખી શકતા નથી, પરંતુ આ સાધનથી તે પણ શક્ય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઈઝીઓને ચાંદી જ ચાંદી : 1300 કરોડની કમાણી

આઇપીએલ-2025માં 10 ફ્રેન્ચાઈઝીઓને માત્ર સ્પોન્સરશિપ થકી જ કુલ મળીને 1,300 કરોડ રૂપિયા જેટલી કમાણી થાય તેવી ધારણા છે.

 વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને તો જંગી કમાણી થઈ જ રહી છે. સાથે સાથે આઈપીએલની તેમજ ફ્રેન્ચાઈઝીઓની બ્રાન્ડ વેલ્યૂમાં પણ પ્રતિવર્ષ વધારો થતો જોવા મળી રહ્યો છે. આઈપીએલની લોકપ્રિયતાને કારણે આઇપીએલના સુપરસ્ટાર ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીઓની સાથે જોડાવા માટે વિવિધ બ્રાન્ડ પ્રયાસો કરી રહી છે અને આજ કારણે આઈપીએલની 18મી સીઝનમાં ફ્રેન્ચાઈઝીઓને સ્પોન્સરશિપથી થનારી કમાણીમાં જંગી ઉછાળો આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આઇપીએલની 18મી સીઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમની સાથે કુલ મળીને 32 જેટલા પ્રાયોજકો અને પાર્ટનર્સ જોડાયેલા છે. જેના કારણે તેમની સ્પોન્સરશિપ થકી થનારી કમાણીમાં 30 ટકા જેટલો વધારો થાય તેવી અપેક્ષા છે તેમ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહેલા લોકો ડિપોર્ટેશનના ભયથી ફફડી રહ્યા છે

યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી ડિપોર્ટ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવ્યા પછી ત્યાં કામ કરતા વિદેશી કર્મચારીઓ કે જેઓ H-1B વિઝા પર ત્યાં કામ કરી રહ્યા છે તેવા લોકો ડિપોર્ટેશનના ભય વચ્ચે જીવી રહ્યા છે. તેમને ડિપોર્ટેશનનો ખોફ સતાવી રહ્યો છે. ખાસ કરીને આઇટી પ્રોફેશનલ્સમાં ખોફ વધ્યો છે. બીજી તરફ ખોફના આ વાતાવરણ વચ્ચે ગૂગલ અને એમેઝોન જેવી કંપનીઓએ H-1B વિઝાધારકોને અમેરિકા નહીં છોડવા ચેતવણી આપી છે. આ કંપનીઓને પણ એવો ડર છે કે એક વખત અમેરિકા છોડ્યા બાદ હજારો H-1B વિઝાધારકોને ફરી અમેરિકા પાછા ફરવા મંજૂરી આપવામાં આવશે નહીં. આવા સંજોગોમાં H-1B વિઝાધારકોની સ્થિતિ અનિશ્ચિતતા વચ્ચે અટવાઈ ગઈ છે. અમેરિકામાં એવી આશંકા ફેલાઈ રહી છે કે આવનારા દિવસોમાં ટ્રમ્પ સરકાર દ્વારા હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ્સના વિઝા અસ્વીકારવાનો દર વધી શકે છે.

કેનેડામાં ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણીમાં ગુજરાતી ઉમેદવારો પણ મેદાનમાં

કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ જે ઓક્ટોબરમાં યોજાવાની હતી તે હવે એપ્રિલના અંતમાં યોજાશે. લિબરલ પાર્ટીના નેતા અને પી.એમ. માર્ક કાર્નીએ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ખોરવાઈ રહેલી વ્યવસ્થાને સંભાળવા માટે આ ફેરફાર કર્યા હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે પહેલીવાર ગુજરાતી ઉમેદવારો પણ ચૂંટણી લડે છે. પ્રશ્ન એ છે કે કેનેડિયન રાજકારણમાં નવા આવનારાઓ માટે કેટલો અવકાશ છે? શું તેમની પાસે પહેલેથી જ મોટી વોટ બેંક છે, જે મહિનાના અંતે તેમને મદદ કરશે? બે ઉમેદવારો એક પક્ષના છે, જ્યારે બે અપક્ષ ઉમેદવારો છે. જયેશ બ્રહ્મભટ્ટ 2001માં ભારતથી કેનેડા આવ્યા હતા. વ્યવસાયે સિવિલ એન્જિનિયર આ માણસ હવે રિઅલ એસ્ટેટનો વ્યવસાયી બની ગયો છે. તેઓ પીપલ્સ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. સંજીવ રાવલ લિબરલ પાર્ટી વતી ચૂંટણી લડશે. તાન્ઝાનિયામાં જન્મેલા સંજીવ 20 વર્ષથી વધુ સમયથી કેનેડામાં છે અને તેમની પાસે અનેક સ્ટોર્સ છે. રાવલ કેનેડામાં રહેતા મધ્યમવર્ગના ભારતીયો સાથે જોડાયેલા છે અને તેમને ઘણાં વચનો આપી રહ્યા છે. અશોક પટેલ અને મિનેશ પટેલ બંને ઉદ્યોગપતિ છે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. તેઓ સામાજિક મુદ્દાઓ સાથે સંકળાયેલા છે, પરંતુ રાજકારણમાં આ બંને માટે પહેલું પગલું છે. કેનેડિયન રાજકારણ પર નજીકથી નજર રાખનારાઓને ચૂંટણી મેદાનમાં તેમનો પ્રવેશ આશ્ચર્ય ચકિત કરતો નથી. ખરેખર, આ દેશમાં એક લાખથી વધુ ગુજરાતીઓ છે, જેમાંથી મોટાભાગના સફળ ઉદ્યોગપતિઓ છે.