આજે મોટાભાગનાં પેરેન્ટ્સની બાળક માટે ફરિયાદ છે કે બાળક કહ્યું માનતું નથી. સામે બોલે છે, નાનાં-મોટાનું ભાન નથી. મોબાઇલ પર વ્યસ્ત રહે છે. ડર લાગે એવાં તોફાન-મસ્તી કરે છે. ટૂંકમાં, બાળકમાં શિસ્તનાં, મેનર્સનાં એક પણ લક્ષણ નથી અને આવું બનવાનું કારણ છે કે પેરેન્ટ્સના ડિસિપ્લિન અંગે ખોટા ખ્યાલો, ખોટાં નિયંત્રણો અને ખોટી રીતભાત. બાળક જવાબ આપે કે તોફાન કરે એ ગેરશિસ્ત નથી, પરંતુ એ સમય-સંજોગ કે પેરેન્ટ્સનાં માન-અપમાન કે લાગણીને ગણકાર્યા વિના બેફામ વર્તે એ ગેરશિસ્ત છે. આમ જુઓ તો ડિસિપ્લિન એ બાળકની કેર, ગાઇડન્સ અને પ્રેમ દ્વારા શું કરવું અને શું ન કરવું એની એક સમાજ-પરિવાર અપેક્ષિત રૂપરેખા છે જેમાં બાળકને મૂલ્યોની સમજણ બીજાને સમજવાનું અને કાળજી રાખવાનું વલણ સ્વ નિયંત્રણ જવાબદારીની ભાવના ખતરા સામે રક્ષણ એડજસ્ટમેન્ટખુશ રહેવાની રીત પેરેન્ટ્સે શીખવવાની હોય છે. સવાલ એ છે કે બાળકને ડિસિપ્લિનના પાઠ ભણાવવા કઇ રીતે? આ ઉપાય પેરેન્ટ્સ સમજી લે તો બાળકને વિદ્રોહી અને બેજવાબદાર બનતું અટકાવી શકાય.
ક્રિએટિવ ડાયવર્ઝન : બાળક બે-ચાર વર્ષનું હોય અને ધમાલ કરે, તોડફોડ કરે ત્યારે આમ નહીં કર એવા નેગેટિવ વાક્ય દ્વારા એને અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ ના પાડવાને બદલે તમે એની સમક્ષ ડાન્સ માટે મ્યુઝિક સ્ટાર્ટ કરો, એટ્રેક્ટિવ કલર બુક્સ આપો કે રમકડાં મૂકો તો એનું ધ્યાન ડાયવર્ટ થશે અને એ સરળતાથી તોફાનને બદલે ક્રિએટિવ પ્રવૃત્તિમાં જોડાશે.
રિવોર્ડ ગુડ બિહેવિયર : બાળક કોઇ પણ ઉંમરનું હોય, પણ જ્યારે એ કોઇ સારું કામ કરે ત્યારે રિવોર્ડ આપવાથી એ ખોટું કરવાથી બચશે. દાખલા તરીકે કોઇ ગેસ્ટ આવે ત્યારે એમની સામે ઘરમાં જ ક્રિકેટ રમે, દોડાદોડી કરે કે વસ્તુ માટે ડિમાન્ડ કરે એ ગેરશિસ્ત છે, પરંતુ એ સમયે બાળક શાંતિથી પોતાનું કામ કરે, પેરેન્ટ્સને હેલ્પ કરે અને પૂછે એના જવાબ આપે તો એના સારા વર્તન માટે પ્રશંસાના બે શબ્દો કે એક ચોલકેટ આપશો તો પણ બાળક બીજીવાર સારું વર્તન કરવા પ્રેરાશે.
પરફેક્શનની અપેક્ષાથી બચો : જીવનમાં ભૂલ, અનુભવ અને અભ્યાસથી જ કંઇ પણ શીખી શકાય અને દરેક બાળક ઓલ રાઉન્ડર કે પરફેક્ટ હોય એ જરૂરી નથી, તેથી બાળકની પાસે એ બધું જ પરફેક્ટ કરે એવી અપેક્ષા ન રાખો. ભૂલ કરે તો ગાઇડ કરો પનિશમેન્ટ નહીં.
કાર્યનું પરિણામ કુદરતી છે કે લોજિકલ?
બાળક આખા દિવસમાં ભણવા-ખાવાની સાથે બીજી અનેક પ્રવૃત્તિ કરે છે. એના દ્વારા એનું બિહેવિયર ખબર પડે છે. દાખલા તરીકે બાળક હોલમાં, રૂમમાં જાય અને રસ્તામાં ટેબલ પર પડેલી કાચની બોટલને હાથ લાગતાં બોટલ તૂટી જાય તો એમાં બાળકની ભૂલ ન પણ હોઈ શકે. એટલે એ સમયે ગુસ્સો ન કરાય. બાળકને જમતાં-જમતાં છીંક આવે અને ગંદું થાય તો એ કુદરતી બાબત છે એને ઇગ્નોર કરવી પડે, પણ બાળક જાણીજોઇને રમકડું તોડે કે કોઇની બુક સંતાડી દે એની પાછળ બાળકનો બીજાને પરેશાન કરવાનો તર્ક છે. તો આવા સંજોગોમાં બાળકને સજા કરવી પડે.
ફિઝિકલ પનિશમેન્ટ ટાળો
તોફાની બારકસને પેરેન્ટ્સ ગુસ્સામાં મારઝૂડ કરે છે. બાળકના મગજમાં મારઝૂડનો અર્થ પેરેન્ટ્સ એની કેર નથી કરતાં, એને નફરત કરે છે કે એના માટે પ્રેમ નથી એવો થાય છે, તેથી શારીરિક સજા એને જડ અને વિદ્રોહી બનાવે છે. તમે ગુસ્સો કરો એ બાળક ભૂલી જશે, પરંતુ મારશો એ યાદ રાખશે, કારણ કે માર એ એના સ્વમાન પર ઘા સમાન છે.
વિકલ્પ આપો : આપણે જે ઇચ્છીએ તેવું જ બાળક ઇચ્છશે એવું માનવું ભૂલભરેલું છે. બાળક જ્યારે તમારી વાત ટાળે ત્યારે એને બીજો વિકલ્પ પણ આપો. ભલે બીજો વિકલ્પ પેરેન્ટ્સની મરજી પ્રમાણેનો જ હોય. વિકલ્પ આપવાથી બાળકને એવું લાગશે કે પેરેન્ટ્સ મારી ઇચ્છા અંગે વિચારે છે, તેથી તમે આપેલા વિકલ્પમાં એ રસ લેશે.
વિચારવાનો સમય આપો : બાળક જ્યારે કોઇ પણ બાબતે લિમિટ ક્રોસ કરે ત્યારે એને પ્લસ-માઇનસ સમજાવી વિચારવાનો સમય આપો. જુદા જુદા દૃષ્ટિકોણથી વર્તનને તપાસવાનું કહો. કોઇ પણ જાતની સજા કે કકળાટ વિના શાંતિથી ખસી જાવ. બાળક પોતાના વર્તનનું વિશ્લેષણ કરતા શીખશે અને ધીરે ધીરે પોતાની ભૂલ પણ એ સમજશે.
બેનિફિટ આપો : બાળક સારું કામ કરે કે શેરિંગ કરે ત્યારે એને લોંગ ડ્રાઇવ પર લઇ જવું કે આઇસક્રીમ ખવડાવવા જેવો રિવોર્ડ આપો. નાનકડા કામ માટે સ્મિત આપો. ક્યારેક થેંક્સ પણ કહો. પ્રસંગ વિના પણ ગિફ્ટ આપો, તેથી બાળકને લાગશે કે ઘરમાં એનું મહત્ત્વ છે. પેરેન્ટ્સ એને પ્રેમ કરે છે. આ ભાવના ધ્યાન ખેંચવા માટે થતી ઉછળકૂદ કે તોડફોડથી બચાવશે.