આપણે કાફે, રેસ્ટોરાં, ક્લબ જેવી જગ્યાઓ પર જઈએ ત્યારે સામાન્ય રીતે ત્યાં ચા કે કોફી મોળી હોય છે અને બાઉલમાં સુગરના કેટલાંક પેકેટ્સ હોય છે, જેમાં બ્રાઉન સુગર, વ્હાઈટ સુગર, સુગર ફ્રી વગેરેનાં પાઉચ તમે જોયાં હશે. સુગર ફ્રી તો ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ છે જ, પરંતુ વ્હાઈટ અને બ્રાઉન સુગર વચ્ચે શું ફેર હોય છે તે બહુ ઓછા લોકોને ખબર હોય છે. તમે બંને સુગર ચાખી હોય તો લગભગ કલર સિવાય બંને તમને સરખા જેવી જ લાગી હશે. જાણીએ બ્રાઉન અને વ્હાઈટ સુગર વચ્ચે શું ફેર હોય છે.
જે લોકો પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશાં તંદુરસ્ત રહેવા ઇચ્છે છે તેવા લોકો હંમેશાં વિચારે છે કે પોતાના સ્વાસ્થ્ય માટે કઈ સુગરની પસંદગી યોગ્ય રહેશે, બ્રાઉન કે વ્હાઈટ સુગર? જોકે, બંને સુગરનો મૂળભૂત ઉપયોગ તો ફૂડ આઈટમ્સમાં મીઠાશ લાવવા માટે કરવામાં આવે છે. છતાં વ્હાઈટ અને બ્રાઉન સુગરમાં ઘણો ફરક છે. વ્હાઈટ સુગર પ્રાકૃતિક ઘટક છે, જે આપણી રસોઈનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ છે. ગુણોમાં ભલે બંને વચ્ચે ફરક હોય, પરંતુ બંનેનું ઉત્પાદન એક જ પાક એટલે કે શેરડીમાંથી થાય છે. બંને વચ્ચે મુખ્ય શું ફેર છે અને તેના ગુણ શું છે તે જાણી લેવું જોઈએ.
આ રીતે બને છે વ્હાઈટ અને બ્રાઉન શુગર
શેરડી અને બીટના છોડ ઉષ્ણ કટિબંધીય વાતાવરણમાં સારી રીતે ઉછરે છે. શેરડી અને બીટમાંથી જ વ્હાઈટ અને બ્રાઉન શુગરનું ઉત્પાદન કરવામાં આવે છે. જોકે, બંનેના બનાવવાની પ્રક્રિયા બિલકુલ અલગ છે. સૌથી પહેલાં શેરડીનો રસ કાઢવામાં આવે છે અને પછી આ રસને શુદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ આ રસમાંથી ગોળ બનાવવા માટે તેને ગરમ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં બધી જ ગંદકી નીકળી જાય છે, ખાસ કરીને ઉકળતી વખતે જે ફીણ થાય છે તેને કાઢી નાખવામાં આવે છે. ગોળ બન્યા પછી એક મશીન દ્વારા શુગરને ક્રિસ્ટલાઈઝ્ડ ફોર્મમાં ફેરવવામાં આવે છે અને પછી શુગર ક્રિસ્ટલને ગોળથી અલગ કરી દેવામાં આવે છે. વ્હાઈટ શુગરને પછી બ્રાઉન શુગરમાં ફેરવવામાં આવે છે. વ્હાઈટ શુગર બનાવવા માટે ગોળને અલગ કરવામાં આવે છે જ્યારે બ્રાઉન શુગરમાં ગોળ મેળવવામાં આવે છે. ગોળ ભળતાંની સાથે વ્હાઈટ શુગરનો રંગ બ્રાઉન થઈ જાય છે. વ્હાઈટ અને બ્રાઉન શુગર વચ્ચે થોડે ઘણે અંશે સ્વાદ અને રંગનો ફરક છે. વ્હાઈટ શુગરને બદલે બ્રાઉન શુગરનો ઉપયોગ કરવાથી રંગ અને મીઠાશનું સ્તર બદલાઈ શકે છે. બ્રાઉન શુગરની ફ્લેવર તમને કેરેમલ કે ટોફી જેવી લાગે છે, જ્યારે વ્હાઈટ શુગર વધારે મીઠી હોય છે, જેનો પ્રયોગ કેક અને પેસ્ટ્રી માટે ખાસ કરવામાં આવે છે.
બ્રાઉન સુગરના ફાયદા
બ્રાઉન સુગર તમારા શરીર અને મગજ બંને માટે એક ત્વરિત ઊર્જાનો મુખ્ય સ્રોત છે. તેમાં ગ્લુકોઝ રહેલું હોય છે, જે લોહીના ભ્રમણમાં પ્રવેશ કર્યા પછી ઊર્જામાં પરિવર્તિત થાય છે. સ્પોર્ટ્સ પર્સન અને એથ્લીટ ઇન્સ્ટન્ટ એનર્જી માટે બ્રાઉન સુગરના ક્યૂબ્સ હંમેશાં સાથે જ રાખતા હોય છે. બાળકો સહિત બધા જ માટે બ્રાઉન સુગર ફાયદાકારક હોય છે. બ્રાઉન સુગરમાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરની સાથે સાથે મગજને પણ ગ્લુકોઝ પહોંચાડે છે.
બ્રાઉન સુગરના સેવનથી તમારી સ્કિનનો ગ્લો જળવાઈ રહે છે. તે ખીલ, એક્ઝિમા અને સોજા જેવી ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સ્કિન માટે તે એક એક્સફોલિએન્ટ તરીકે કામ કરે છે.
બ્રાઉન સુગરમાં રહેલો ગોળ તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. મેટાબોલિઝમ રેટ વધવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે પોતાને ફિટ રાખવા ઇચ્છતા હો તો વ્હાઈટને બદલે બ્રાઉન સુગરને ડાયટમાં સામેલ કરો, કારણ કે બ્રાઉન સુગર વજન ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ તેનું વધારે પડતું સેવન ટાળવું જોઈએ.
વ્હાઈટ સુગરના ફાયદા
સામાન્ય રીતે વ્હાઈટ સુગરનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ચા, હલવો, ખીર, બેકરી પ્રોડક્ટ કે અન્ય પ્રકારની મીઠાઈઓ બનાવવા માટે વ્હાઈટ સુગરનો જ ઉપયોગ કરાય છે. વ્હાઈટ સુગર સ્વાદમાં તો સારી હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે, પરંતુ તેનો સીમિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો. વ્હાઈટ સુગરનો સ્વાદ સારો હોય છે. સ્વાસ્થ્ય માટે તમામ પોષકતત્ત્વોના સંતુલનને જાળવી રાખવા માટે વ્હાઈટ સુગર જરૂરી છે.
બ્રાઉન સુગરની જેમ જ વ્હાઈટ સુગર પણ લાભકારી છે. તે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, જે બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ લાભકારક હોય છે.
વ્હાઈટ સુગરનો પ્રયોગ તે વખતે કરવો જોઈએ જ્યારે તમે દુઃખી કે ઉદાસ હોવ. ઘણા અભ્યાસો અનુસાર વ્હાઈટ સુગર મગજને ઠંડું કરવામાં મદદ કરે છે. જ્યારે તમે કોઈ તણાવના શિકાર હો ત્યારે એક ચમચી સુગર કે પછી ચોકલેટ ખાઈને મૂડને ઠીક કરી શકો છો.
વ્હાઈટ સુગરની સાઈડ ઈફેક્ટ
સુગરના ગુણ સારા છે, પરંતુ તેનો પોતાની જરૂરિયાત કે તાસીર પ્રમાણે સીમિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો, કારણ કે દુનિયાના કોઈ પણ ખાદ્યપદાર્થનું વધારે પ્રમાણમાં સેવન કરવું હાનિકારક હોય છે અને તે અનેક સમસ્યાઓને જન્મ આપી શકે છે. હૃદય, મગજ અને ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરનું સેવન હાનિકારક હોઈ શકે છે, કારણ કે સુગરના સેવનથી બ્લડમાં સુગરનું પ્રમાણ વધી જાય છે અને તેનાથી મેદસ્વિતાનું જોખમ પણ રહે છે. વ્હાઈટ સુગરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેમાંથી બનેલા ખાદ્યપદાર્થ જેમ કે, ચોકલેટ, કેક, કોલ્ડ્રિંક્સનો પણ શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. રસોઈમાં એક મીઠાશવાળો સ્વાદ ઉમેરવા માટે સુગર જરૂરી હોય છે, પરંતુ તેની માત્રા તો સીમિત જ હોવી જોઈએ. છતાં વ્હાઈટ સુગર કરતાં બ્રાઉન સુગરની સાઈડ ઇફેક્ટ્સ ઘણી ઓછી છે.