જીવન અને સમસ્યાઓ એ એક સિક્કાની બે બાજુ છે. આ જગતનું કોઇ પણ પ્રાણી સમસ્યાથી મુક્ત નથી. છતાં સમસ્યાને આપણે હંમેશાં ગ્લોરિફાય કરીને જ જોઈએ છીએ. જ્યારે ચાર મિત્રો કે સ્વજનો મળે છે ત્યારે જીવનમાં જે સારું થઇ રહ્યું છે એની વાત કરવાને બદલે સમસ્યાઓની ચર્ચા જ વધારે કરે છે. બીજું, જેટલા જોરશોરથી આપણે સમસ્યાઓનાં રોદણાં રડીએ છીએ એટલા જોરશોરથી સમસ્યાના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા. આપણા મનની ગાડી સતત ટ્રેક બદલતી હોવાથી સમસ્યાના ઉકેલની મંજિલ સુધી પહોંચવું મુશ્કેલ બને છે અને જીવન તનાવગ્રસ્ત બની સહજ આનંદ છીનવી લે છે.

ઘણી વખત તો સમસ્યાનો ઉકેલ સામે જ હોય છે છતાં રાઈનો પહાડ કરનારી દૃષ્ટિ એને જોઇ શકતી નથી. હમણાં સમસ્યા સંબંધિત એક બોધકથા વાંચી. એક ફિલોસોફર પહાડ પરથી પડતા બરફને જોતો હતો. બરફ પડવાની સ્પીડ અને બરફની ક્વોન્ટિટી બંને વધારે હતી. ચોતરફ ફેલાયેલા બરફનાં સફેદ ફીણમાં કોઇ વ્યક્તિ પ્રવેશે તો બહાર નીકળવું મુશ્કેલ હતું. છતાં એક વૃદ્ધ વ્યક્તિ એમાં જઇ રહ્યો હતો. પેલા ફિલોસોફરે એના શિષ્યને વૃદ્ધ વ્યક્તિને બચાવવાનું કહ્યું, પરંતુ એમના આશ્ચર્ય વચ્ચે થોડી જ ક્ષણોમાં વૃદ્ધ ગીત ગાતો ગાતો બહાર આવ્યો.

ફિલોસોફરે એની પાસે જઇને પૂછ્યું, આ રીતે મોતના મુખમાં જઇને પાછા આવવાની તમારી પાસે કોઇ ટેક્નિક છે? વૃદ્ધે જવાબ આપ્યો કે નહીં, હું વમળની ગતિ સાથે પાણીમાં ડૂબું છું અને એ જ ગતિ સાથે બહાર આવું છું. હું ખુદને પાણીને અનુકૂળ બનાવું છું, નહીં કે પાણીને મારા અનુકૂળ. આથી હું બરફની વર્ષા અને પાણીના ઝાગના વમળને ભીડી શકું છું.

આ નાનકડી કથાનો સાર એ જ છે કે કોઇ પણ સમસ્યાનો હલ કરવા માટે બહાર દૃષ્ટિ દોડાવવાને બદલે સમસ્યામાં જ કૂદી પડો, કારણ કે સમસ્યાનો હલ સમસ્યાની બહાર નહીં સમસ્યાની અંદર જ હોય છે. મોટા ભાગના લોકો સમસ્યા સામે આવતા જ એનાથી ભાગી જાય છે. કોઇ એક્સપર્ટ પાસે જાય છે, પરંતુ પોતાની સમસ્યાનો ઉકેલ વ્યક્તિ જાતે જ શોધી શકે. આમ જુઓ તો દુનિયામાં દરેક સમસ્યાનું મૂળ માનવ છે અને એનો હલ પણ માનવ પાસે જ છે. આધુનિક માનવ સામાજિક-આર્થિક કોઇ પણ સમસ્યા આવે ત્યારે હતાશ-તનાવગ્રસ્ત કે પલાયનવાદી બને છે, પરંતુ સમસ્યાને હલ કરવાના કેટલાક નિયમો છે. પહેલી વાત એ કે સમસ્યાને સમસ્યા ન કહો. એક ઘટના કહો, કારણ કે કોઇ પણ ઘટનાને સમસ્યાનું લેબલ લાગતાં જ આપણે એને જોવાનું બંધ કરીએ છીએ. તરત જ ઉતાવળા બનીને સમાધાન શોધવા માંડીએ છીએ, પરંતુ આ રીતે અધૈર્યથી સમાધાન નથી મળતું.

સાચી વાત તો એ છે કે અગર તમે સમસ્યાને બરાબર સમજી લો તો એ તરત હલ થઇ જાય, કારણ કે દરેક સમસ્યા ભીતર ઉકેલ લઇને આવે છે. સમસ્યા બીજ જેવી અને સમાધાન ફૂલ જેવું છે. અગર બીજને બરાબર સમજીને એમાં ખાતર-પાણી નાખશો તો સમાધાન પહેલેથી જ મોજૂદ છે. સમસ્યાને હલ કરવાનું પહેલું સ્ટેપ એને સમજવાનું છે. સમાધાન સમસ્યાની અંદર જ હોવાથી સમાધાનને બદલે સમસ્યાને ગહેરાઈથી જુઓ. એનાં મૂળને શોધો. વાસ્તવમાં મૂળને સમજવાથી એને કાપવાની જરૂર જ નહીં પડે. સમાધાન આપણી અંદરથી જ આવશે અને એ ખુદનો અનુભવ હશે.

આજકાલ પારિવારિક દૃષ્ટિએ નાના મોટાનું સન્માન નથી કરતા, એમનું માનતા નથી, એમનાં કહ્યામાં નથી એ મોટી સમસ્યા છે. લોકો એની ચર્ચા કરે છે. જૂના સમયની તુલના કરે છે અને નવી પેઢીને દોષ આપે છે. શું એનાથી સમસ્યાનો હલ મળશે? ના એ માટે પહેલાં વિચારવું પડશે કે આ એક સમસ્યા કે ઘટના છે? કે આધુનિક જીવનશૈલીની ઊપજ છે? અગર બાળકો મોટાનો આદર નથી કરતાં એની પાછળ બાળકોનો જ વાંક છે કે મોટાઓનો? વડીલો સમજે છે કે એમની અને બાળકોની દુનિયા અલગ છે? એમનો સંઘર્ષ અલગ છે? અગર આટલી વાત સમજે તો તેઓ ફરિયાદ કરવાનું બંધ કરશે અને ફરિયાદ બંધ થશે એટલે બાળકો થોડા વધુ પોઝિટિવ અને સંવેદનશીલ બનશે. આમ જુઓ તો આર્થિક સમસ્યાઓને બાદ કરતાં મોટાભાગની સમસ્યાઓ મનની ઉલઝનની, અપેક્ષાઓના અતિરેકની અને અહંની સમસ્યાઓ છે. આ મનને સમજશું તો સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે, કારણ કે પરિવારના મોટાભાગની સમસ્યા વ્યક્તિ ખુદ જ ઊભી કરે છે. કોઇ વખત પતિનો મૂડ ન હોય તો પત્નીને સરખો જવાબ ન આપે અને પત્ની સમજી બેસે કે પતિ મારી અવગણના કરે છે. આપણે પરિણામને જોઇએ છીએ, પરંતુ એના કારણમાં નથી જતા. અગર કારણમાં જઇએ તો એ સમસ્યાને જાતે જ ઉકેલી શકીએ.

આજે ઘરની અને બહારની બંને દુનિયામાં અનેક પ્રશ્નો છે. આ પ્રશ્નોનો રઘવાટ અનેક બાળકોને અવિચારી, ક્રોધી અને કર્કશ બનાવી દે છે. એમાં સામો પક્ષ પણ એવા જ પ્રત્યાઘાત આપે. એટલે શાંતિ હણાય અને સમસ્યા બેવડાય. સમસ્યાના ઉકેલ માટે બધી સમસ્યાને સમસ્યા તરીકે જોવાનું છોડવું જોઇએ અને દરેક સમસ્યાના ઉકેલ માટે બીજા તરફ મીટ માંડવાના બદલે કારણ-પરિણામનો સંબંધ શોધી ખુદ ઉકેલ શોધવો જોઇએ.