વ્યસ્ત રહેવું એટલે એક જ કામમાં વધુ સમય બગાડવો કે વધારે કામ
વ્યસ્તતાની આપણે ત્યાં સાવ ખોટી વ્યાખ્યાઓ કરાઈ છે. અથવા વ્યાખ્યાઓમાં ન પડીએ તો આપણે ત્યાં વ્યસ્તતાને અત્યંત મોટા દંભ સાથે જોડી દેવાઈ છે. આપણે ક્યાંય પણ જવું ન હોય અથવા કોઈને ઈગ્નોર કરવા હોય તો આપણે એમ નથી કહેતા કે મારાથી ચૂકી જવાયું અથવા તો મને તમારી સાથે વાત કરવામાં રસ નથી, પરંતુ આપણે અત્યંત ગંભીરતાથી કહી દઈએ છીએ કે ભાઈ મારી પાસે સમય જ નથી રહેતો, હું વ્યસ્ત જ રહું છું.
બીજી તરફ સંશોધનો એમ કહે છે કે એક મજૂરવર્ગને બાદ કરતાં ભલભલા મોટાં કામ કરનારા માણસો આખા દિવસમાં ગણીને ત્રણ કલાક કામ કરતો હોય છે. કદાચ એથી ઓછો સમય કામ કરતો હોય એમ બની શકે, પરંતુ જૂજ કિસ્સામાં એવું બનતું હોય છે કે માણસ લગાતાર ચાર-પાંચ કે એથી વધુ સમય સતત કામ કરતો હોય. બાકી બધું જે હોય છે એ આપણા ડાયરા હોય છે, જે ડાયરામાં મોબાઈલ મચડવાથી લઈને ફોલ કોલ્સ કે ઓફિસમાં જ ગપ્પાં મારવાથી લઈને એક જ કામ વારંવાર ઓછી એકાગ્રતાથી કરવાની વૃત્તિનું હોય છે.
એટલે પછી કામની ચોકસાઈ અને તેનો સમય વધતો જ રહે અને પછી આપણે ગામમાં મોટાઈ મારતા ફરીએ કે હું ઓ બિઝી જ બહુ રહું. અલા ભાઈ, બિઝી રહ્યા એમાં તમને કે દેશને કે સમાજને કંઈ લાભ થયો કે રામરામ? ખૈર, આપણે એ વાતોમાં ઝાઝા નથી ઊતરવું. આપણે વાત કરવી છે ભીષ્મે વ્યસ્તતા બાબતે કહેલી એક સલાહ વિશે. તેઓ યુધિષ્ઠિરને સલાહ આપે કે તેણે એક સમયે એક જ કામ કરવું અને જે કામ જ્યારે પૂર્ણ કરવાનું હોય ત્યારે એને કોઈ પણ ભોગે પૂરું કરવું. ખાસ તો એવાં કામો કે એવા નિર્ણયો યોગ્ય સમયે લઈ લેવા જેનાથી કોઈની ખફગી વહોરવાની થાય કે પછી એ નિર્ણયોથી કોઈ પ્રભાવિત થવાનું હોય.
ભીષ્મ કહે છે કે આવા લટકતા રાખેલાં કામો જો યોગ્ય સમયે પૂર્ણ ન કરવામાં આવે તો એ કામો લીડરનો ભરડો લઈ શકે છે, કારણ કે આવાં કામો લટકતા રાખીને લીડર સમસ્યાને માત્ર ટાળતો હોય છે. એના સોલ્યુશન તો આવતાં જ નથી હોતાં, જેના કારણે સામેના માણસનો ગુસ્સો અથવા તેની આક્રમકતા કે તેની શક્તિ દિવસે ને દિવસે મોટી થતી જતી હોય છે. જેના કારણે ન ગમતા, ટાળેલાં કામોનાં પરિણામોની તીવ્રતા પણ અત્યંત વધુ હોય છે, જેના કારણે લીડરના ભાગે ભોગવવાનું પણ વધુ આવે. એના કરતાં ભીષ્મ કહે છે એમ એકવાર બીજાના અણખામણા બની જવું, પરંતુ કોઈ પણ કામ લટકતાં ન રાખવાં. તેને યોગ્ય સમયે પૂર્ણ કરી દેવાં.
એવી જ એક બીજી સલાહ તેઓ આપે છે કે કોઈ પણ કામમાં ઝાઝો વિમર્શ કે ઝાઝા વિચારો કે કારણ વિનાના પ્રયત્નો ન કરવા. આવું કરવાથી પણ કામમાં વિલંબ થાય છે. અને કામના વિલંબના તો જુદાં પરિણામો આવશે, પરંતુ વિલંબની એ પ્રક્રિયા દરમિયાન વધુ પડતા વિચારો કે વિમર્શ કરવાથી મગજનું જે દહીં થશે એનાથી લીડરને ઘણું નુકસાન થશે. જેમાં તેનો આત્મવિશ્વાસ અને તેની નિર્ણયશક્તિ કે તેની સાહસવૃત્તિ પર ઘણી ઘેરી અસરો પડશે. કદાચ એટલે જ, નર્મદે કહ્યું હશે કે યા હોમ કરીને પડો!
ભીષ્મ એમ પણ કહે છે કે આ રીતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી કે કામ કરવાથી લીડરને સૌથી મોટો લાભ એ થશે કે એની પાસે નવરાશ રહેશે. જે નવરાશનો ઉપયોગ તે અન્ય રચનાત્મક કામોમાં કરી શકે. રચનાત્મક કામો એટલે કેવાં? તો કે ભીષ્મ કહે છે કે વિદ્વાનો સાથે સત્સંગ, વિદ્યાભ્યાસ, આરામ તેમજ વ્યાયામ. તેઓ કહે છે આ બધી બાબતો એક લીડર માટે અત્યંત મહત્ત્વની છે. એટલે તેણે વિદ્યાભ્યાસ, આરામ કે પછી વ્યાયામ જેવી બાબતોને પણ પોતાનાં કામનો કે પોતાની દિનચર્યા-વ્યસ્તતાનો ભાગ ગણવો. એટલે જો દિવસના સમયમાં તમે આ બધી બાબતો પણ કરી શકો છો તો તમે વ્યસ્ત કહેવાઓ, નહીંતર તમે સમય એવી બાબતોમાં ખર્ચ કર્યો, જે બાબતોની તમને જરૂર નહોતી.
ઈનશોર્ટ લીડરે ક્લિયર રહેવાનું છે કે તેના માટે વ્યસ્તતા એટલે શું અને સમયનો વેડફાટ એટલે શું? તે ભલે મનોરંજન પાછળ સમય નથી બગાડતો અને માત્ર કામ જ કરે છે, પરંતુ કામમાં પણ તે એકનું એક કામ સો વાર કરે છે, એકાગ્રતાથી કામ નથી કરતો કે પછી કામમાં વધુ પડતો વિચાર અને વિમર્શ કરે છે તો એ સમયનો બગાડ જ કહેવાય. લીડરે સમયના એ વેડફાટથી બચવું. તો જ તે ઈફેક્ટિવ લીડરશિપ કરી શકશે, નહીંતર તે સામાન્ય બનીને રહી જશે.
