આપણે ત્યાં હિન્દીમાં કહેવત છે કે ચટ મંગની પટ વિવાહ. એટલે કે કોઈ પણ કામ તરત પતાવી દેવું. અહીં કામ પતાવી દેવું એવો જ અર્થ નથી થતો, કોઈ પણ બાબતમાં તરત નિર્ણય કરવો એવો પણ તેનો અર્થ થાય છે. પિતામહ ભીષ્મ તરત લેવાતા નિર્ણય બાબતે લીડર્સ માટે એક સરસ સલાહ આપે છે. તેઓ કહે છે નિર્ણયશક્તિ એ લીડરનું ગુપ્ત ધન છે. પોતાના નિર્ણયો સાચા હશે કે ખોટા એ પછીની વાત છે, પરંતુ નિર્ણયો કરવાની શક્તિ કેવી છે અને નિર્ણયો કરવાની પ્રક્રિયા કેવી છે એનો લીડરના કાર્ય તેમજ તેની પ્રગતિ-અધોગતિ પર અત્યંત પ્રભાવ હોય છે.

એવું કઈ રીતે? તો `શાંતિપર્વ'માં ભીષ્મ સમજાવે છે કે લીડરે જ્યારે નિર્ણય લેવાના હોય છે ત્યારે એ નિર્ણયો ક્યાંક ને ક્યાંક જાહેર હિતને અથવા એક મોટાવર્ગના હિતને સ્પર્શતા હોય છે. એવા સમયે સ્વાભાવિક જ નિર્ણયો એકાંગી ન હોય. નિર્ણયો પણ સાપેક્ષ હોવાના. તેઓ કહે છે કે દરેક કિસ્સામાં કે દરેક સંજોગોમાં નિર્ણયો જુદા જુદા લેવા પડતા હોય છે, કારણ કે દરેક સંજોગનાં પરિણામો જુદાં જુદાં આવતાં હોય છે. આવા સમયે સામા માણસને હંમેશાં અપેક્ષા હોય કે બીજાઓના જે રીતે નિર્ણય લેવાયા હોય એ રીતે તેના નિર્ણય લેવાય અથવા તો તેને એમ હોય કે બીજાઓના નિર્ણયો લેવાયા એવા તેના નિર્ણયો ન લેવાય. આ બંને સ્થિતિમાં તે લીડરને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરતો જ હોય છે. પરંતુ લીડરે તેના પ્રભાવમાં આવ્યા વિના, સામેના માણસની શું ઈચ્છા છે એની પરવા કર્યા વિના, પોતાનો અનુભવ શું કહે છે કે પછી પોતાની સંસ્થા કે પોતાના કાર્યક્ષેત્રનું હિત શું છે એના આધારે નિર્ણય કરવાનો હોય છે. ભીષ્મ અહીંથી પણ આગળ વધે છે. તેઓ કહે છે કે આવા સમયે પોતાના કાર્યક્ષેત્ર કે પોતાની સંસ્થા(રાજ્ય)ના હિતમાં ત્યારે લીડર નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે, જ્યારે તેના મનમાં સંશય જાગે છે અને ગૂંચ ઉદ્ભવે છે. તેઓ કહે છે કે આ સંશય કે ગૂંચ જ લીડર માટે અત્યંત મહત્ત્વનાં છે, કારણ કે આવા સમયે લીડર ક્યાં તો ઝાઝો વિચાર કરે છે અથવા તો કોઈકને પૂછે છે. આ બંને સ્થિતિ માટે તેઓ કહે છે કે જો કોઈની સલાહ લેવાની નોબત આવે તો વધુમાં વધુ એક માણસ સાથે જ પોતાના વિષયની ચર્ચા કરવી. એ માણસ પણ અનુભવી, ભરોસાપાત્ર તેમજ દ્વેષ-ઈર્ષાથી મુક્ત હોય એવો વિશ્વાસુ હોવો જોઈએ.

તેઓ કહે છે કે જો લીડર એકથી વધુ લોકોને પૂછવા ગયો તો સ્વાભાવિક જ એકથી વધુ ઓપિનિયન્સ આવવાના અને જો એકથી વધુ ઓપિનિયન્સ આવે તો લીડર તેના નિર્ણય બાબતે વધુ ગૂંચવાશે. વળી, તેના કામમાં કે નિર્ણયમાં લોકોનો ચંચૂપાત કે રાજકારણ ઘૂસી જશે એ વધારાનો! તો ઝાઝા વિચાર કરવા બાબતે પણ ભીષ્મ ના પાડે છે. તેઓ કહે છે કે કેટલાક કિસ્સામાં નિર્ણયના પરિણામ આકરા આવે એવું લાગતું હોય તો વેઠી લેવું, પરંતુ ઝાઝો વિચાર કરીને નિર્ણય ટાળતા ન રહેવું. જો આવું કરશે તો લીડરને માથે વધુ નુકસાની અને ભોગવવાનું અવશે.

જોકે, જેમ ભીષ્મ નિર્ણય બાબતે ઝાઝો વિચાર કરવાની ના પાડે છે એમ જ તેઓ ત્વરિત નિર્ણય લેવાની પણ ના પાડે છે. તેઓ કહે છે કે તરત જ અથવા મોઢામોઢ નિર્ણય આપી દેવો પુખ્તતાનું લક્ષણ નથી. એ તો બાળક જેવું વર્તન છે કે તમે કોઈ પણ બાબત પર સરખો (ઝાઝો નહીં) વિચાર કર્યા વિના નિર્ણય આપી દો છો. આખરે કોઈ પણ બાબત યોગ્ય વિચાર તો માગી જ લેતી હોય છે. વળી, આ બાબતે તેઓ એમ પણ કહે છે કે ત્વરિત નિર્ણય હંમેશાં આવેશમાં, ભાવુકતામાં અથવા ઉચાટમાં અપાયેલો હોય છે. જ્યારે કોઈ પણ નિર્ણયમાં આવેશ, ભાવુકતા અથવા ઉચાટ ભળે ત્યારે એ નિર્ણયોની સાથે નુકસાની પણ ભળતી હોય છે.

જે નુકસાનીમાંથી ક્યારેક લીડર આજીવન બહાર નથી આવી શકતો અથવા તો તેને જો આ રીતે દરેક વાતે ત્વરિત નિર્ણય આપી દેવાની ટેવ હોય તો તે વારંવાર ખોટા નિર્ણયો લેતો હોય છે, જેને કારણે અંતતઃ એ લીડર અત્યંત સામાન્ય કક્ષાનો બનીને રહી જતો હોય છે. પછી તેની સામે નથી તો મોટી તકો આવતી કે નથી તેની સામે મોટાં સાહસો આવતાં. જ્યારે લીડરના જીવનમાં મોટી તકો કે મોટાં સાહસો નથી આવતાં ત્યારે સ્વાભાવિક તેના ભાગે મોટી જવાબદારીઓ અને મોટી પ્રગતિઓ પણ નથી આવતી. એટલે જ નિર્ણયો ખોટા લેવાય કે સાચા એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે નિર્ણયો યોગ્ય રીતે લેવાય, જેથી આપોઆપ જ ખોટા નિર્ણયોની ગુંજાઈશ ઘટી જતી હોય છે.