ખરાબ શબ્દો બોલવા એના કરતાં ન બોલવું સારું. ગુસ્સામાં ભાન ભૂલીને મનમાં જે આવે એ બોલવું એના કરતાં મૌન રહેવું સારું. ન બોલવામાં નવ ગુણ કે `મૌનમ્ પરમ ભૂષણમ્' જેવી સલાહ સહુને મળતી રહે છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા કે સુધારવા માટે ચુપકીદી સેવવી. જેને રિલેશન થેરાપિસ્ટે નવું નામ આપ્યું છે, સાયલન્ટ ટ્રીટમેન્ટ. જેનાં સારાં ખરાબ બંને પાસાં જોવા મળે છે.

સંબંધોમાં ક્યારેક એવી સ્થિતિ આવી જાય છે કે શબ્દો દ્વારા કહેવાયેલી વાતો ગૂંચવણ ઘટાડવાને બદલે વધારે, વ્યક્તિ કહેવા કંઇ માંગતી હોય અને સામી વ્યક્તિ એને સાવ અલગ દૃષ્ટિકોણથી સમજે. એક વ્યક્તિ દ્વારા કહેવાયેલી વાતને સમજ્યા-વિચાર્યા વિના સામી વ્યક્તિ સાંભળે અને ઉગ્ર પ્રતિસાદ આપે ત્યારે નાનકડી દલીલ ઝઘડારૂપી દાવાનળનું સ્વરૂપ ધારણ કરે. આવું વારંવાર બને એટલે સમજદાર અને સંવેદનશીલ વ્યક્તિ બોલવાનું, પોતાનો અભિપ્રાય આપવાનું અને સામી દલીલ કરવાનું બંધ કરી દે. ઝઘડો ટાળવાના આશયથી સેવાતી ચુપકીદી એટલે સાયલન્ટ ટ્રીટમેન્ટ. સ્ફોટક સ્થિતિમાં ચૂપ રહેવાથી વાત બગડતી અટકે અને સામી વ્યક્તિ પણ શાંત થઇ શકે, પરંતુ જ્યારે આ સાયલન્ટ ટ્રીટમેન્ટ વારંવાર અપનાવાય ત્યારે મનની લાગણીઓ દબાય. વ્યક્તિ એક અંતર બનાવી ઇગ્નોર કરે અને ઘણીવાર અપેક્ષા રાખવાનું પણ બંધ કરી દે. પરિણામે ઝઘડા તો બંધ થાય, પરંતુ સંબંધોની મીઠાશ અને જીવતંતતા બંને ગાયબ થઇ જાય.

સાયલન્ટ ટ્રીટમેન્ટનો ઉદ્દેશ કોઇને નજરઅંદાજ કરવાનો કે ચોટ પહોંચાડવાનો ન હોવો જોઈએ, કારણ કે હંમેશાં ગુસ્સે થતી વ્યક્તિ પણ સામી વ્યક્તિ ન બોલે તો અંદરથી હર્ટ થાય છે, તેથી એનો હેતુ તણાવપૂર્ણ સ્થિતિને શાંત કરવાનો અને વાતચીત માટે એક યોગ્ય સમય શોધવાનો હોવો જોઈએ. જ્યારે ભાવનાઓ અતિ તીવ્ર હોય ત્યારે મૌન અસરકારક સાબિત થઇ શકે, પણ આ મૌન લાંબો સમય ન ચાલવું જોઈએ. સાયલન્ટ ટ્રીટમેન્ટ દરમિયાન બંને પક્ષને એ સમજવાનો સમય મળી જાય છે કે ભૂલ ક્યાં થઈ? સમસ્યાનું મૂળ શું છે? અને સમાધાન કેવી રીતે કાઢી શકાય?

જોકે, દરેક વખતે સાયલન્ટ ટ્રીટમેન્ટનું કારણ શાંતિની ઈચ્છા પણ નથી હોતી. ઘણીવાર એક પાર્ટનર બીજા પાર્ટનરને ભ્રમિત કરવા પણ ચૂપ રહે છે. વળી, કેટલાક લોકો બોલવાને બદલે કરી બતાવે છે તો કેટલાક એક વખત ચૂપ રહીને પછી હિસાબ બરાબર કરી લે. આમ જુઓ તો સંબંધોમાં કમ્યુનિકેશન પર બ્રેક મારવી એટલે લાગણીની અભિવ્યક્તિ પર બ્રેક મારવી. મૌન કરતાં અનેકવાર અભિવ્યક્તિ વધારે મહત્ત્વની બને, ભલે એ નકારાત્મક હોય કે હકારાત્મક. બોલવાથી લાગણી, અપેક્ષા અને ફરિયાદને વાચા મળે, તેથી સામી વ્યક્તિને એટલિસ્ટ ખબર તો પડે જ કે આખરે એ ઇચ્છે છે શું? ઘણી વખત કોઈ બોલ બોલ કરે કે દરેક બાબતે આર્ગ્યુમેન્ટ કરે ત્યારે એને મહત્ત્વ આપવાનું છોડી દે, એની વાતની મજાક ઉડાવે કે સાંભળ્યું ન સાંભળ્યું કરે એવા સંજોગોમાં સામી વ્યક્તિ પોતાનું મહત્ત્વ ઊભું કરવા કે ધ્યાન ખેંચવા માટે સાયલન્ટ ટ્રીટમેન્ટનો સહારો લે છે. કોઇવાર સજા આપવા તો કોઈવાર પોતાની સાચી લાગણીને છુપાવવા માટે આવા અખતરા થાય છે.

સાયલન્ટ ટ્રીટમેન્ટ અપનાવનાર એવું માને છે કે તેઓ સ્ફોટક સ્થિતિને ટાળીને સંબંધોમાં કડવાશ આવતી રોકે છે, પરંતુ એમ કરવાથી લાગણીઓ દબાય છે, કચડાય છે, પણ નાશ નથી પામતી. એ સમયાંતરે ભારેલા અગ્નિની જેમ એનું પોત પ્રકાશવા તત્પર જ હોય છે અને જ્યારે એ અગ્નિ ભભૂકે ત્યારે કશું બચતું નથી. સાયલન્ટ ટ્રીટમેન્ટથી સાથીને એવું લાગે કે તમે એના પર વિશ્વાસ નથી કરતા, કારણ કે જ્યાં ભરોસો હોય ત્યાં અભિવ્યક્તિ પારદર્શક રહેવાની, લડાઈ થાય તો પણ તૂટવાનો ડર નથી હોતો. બંનેને ભરોસો હોય છે કે સામી વ્યક્તિ એને સંભાળી લેશે, સાચવી લેશે કે મનાવી લેશે. મૌન આ શક્યતાનો દરવાજો બંધ કરી દે છે. સામી વ્યક્તિને પ્રોબ્લેમની ખબર ન હોવાથી એ કોઇ ઉકેલ પણ નથી શોધી શકતી. એ ઇમોશનલી હર્ટ થાય છે. કોઈ એક ઘટનાને કારણે સર્જાયેલું મન રૂટિન જીવનના સહજ આનંદની ઘટનાઓ પર પણ પડદો પાડી દે છે. સહજ મૌન વજનદાર અબોલા બની સંબંધોને ખતમ કરી શકે. કદાચ સંબંધો નહીં તૂટે તો ભાવનાત્મક નુકસાન તો પહોંચાડશે જ, જે અસલામતીનું કારણ બનશે. મતલબ કે મૌનનું ચક્ર બીજા અનેક વિષચક્રને જન્મ આપી શકે.

અને આમેય કમ્યુનિકેશન કોઈ પણ સંબંધની જીવાદોરી છે, કારણ કે એનાથી જ ગેરસમજ અને સમસ્યાનું સમાધાન મળે છે, તેથી સાયલન્ટ ટ્રીટમેન્ટ અમુક સમય પૂરતી જ સીમિત હોવી જોઈએ. અગર સમય ન આપવા માટે ઝઘડો થયો છે, બે-ત્રણ દિવસ મૌન રહ્યા પછી સમય ન આપવાને કારણે તમે શું ફીલ કરો છો? એકલતાને કારણે કેવા વિચાર આવે છે એ જણાવો. સાયલન્ટ ટ્રીટમેન્ટ બંને પક્ષનો ગુસ્સો ઓગળે, પોતાની ભૂલ સમજાય અને સમસ્યા અંગે બંને સંમત થાય ત્યાં સુધીની જ હોવી જોઈએ. નહીંતર લડાઈ ટાળવા માટે અપનાવેલી ટ્રિક સ્ટ્રેસ, અલગાવ, ગૂંચવણ અને ગેરસમજનું કારણ બની શકે.