ડોલ્ફિન હંમેશાં માનવજાત માટે જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. નદીમાં પણ એ જોવા મળતી હોવાને કારણે ઘણા લોકો તેને માછલી માને છે, પરંતુ તે માછલી નથી, તે એક સસ્તન જળચર પ્રાણી છે. ધરતી પર તેનો વસવાટ માનવજાત કરતાં પણ જૂનો હોય એમ માનવામાં આવે છે. 20 લાખ વર્ષથી તે ધરતી પર હોવાનું માનવામાં આવે છે. ડોલ્ફિન નામ પ્રમાણે તો આપણને એ વિદેશી જીવ ભલે લાગતો હોય, પણ આપણી ગંગા નદીમાં પણ તે જોવા મળે છે. અત્યારે એ ચર્ચામાં એટલા માટે છે કે પહેલી વખત આપણા દેશમાં ડોલ્ફિનનું સર્વેક્ષણ હાથ ધરાયું છે.

એવું પણ માનવામાં આવે છે કે બે મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર ડોલ્ફિનનો જન્મ થયો હતો. લાખો વર્ષો પહેલાં ડોલ્ફિન પાણીમાંથી જમીન પર સ્થળાંતર કરવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ તેને પૃથ્વીનું વાતાવરણ અનુકૂળ આવ્યું નહીં અને પછી તે પાણીમાં જ રહેતી થઈ ગઈ છે, પરંતુ તે દસ-પંદર મિનિટ સુધી પાણીમાં રહીને શ્વાસ લેવા માટે પાણીની બહાર ઉછાળા મારતી જોવા મળતી હોય છે. નદીમાં જોવા મળતી ડોલ્ફિન એક ખૂબ જ અનોખી પ્રજાતિ છે, જે મુખ્યત્વે એશિયા અને દક્ષિણ અમેરિકાની નદીઓમાં જોવા મળે છે. ડોલ્ફિન સામાન્ય રીતે 10-12ના જૂથમાં રહે છે. ગંગા ડોલ્ફિનને આંખો છે, પણ તે લગભગ આંધળી છે, તેથી તેઓ અલ્ટ્રાસોનિક તરંગો દ્વારા કોઈકની હાજરી શોધી કાઢે છે. આ તરંગ દ્વારા તેઓ જાણી શકે છે કે શિકાર કેટલો મોટો અને કેટલો નજીક છે. તે કલાકે 60 કિલોમીટરની ઝડપે તરી શકે છે. ડોલ્ફિન એકમાત્ર જળચર પ્રાણી છે જે સીટી વગાડી શકે છે. તે 600 અવાજો કરી શકે છે. ડોલ્ફિન બિલાડીની જેમ મ્યાંઉં કરવાથી લઈને કૂકડાની કૂકડે કૂક પણ બોલી શકે છે. કદાચ એથી જ માણસને ડોલ્ફિનનું વધુ કુતૂહલ રહ્યું છે.

ભારતમાં પણ ગંગા નદીમાં તે વિશેષ જોવા મળે છે. તે ક્યાં અને કેટલી છે, એ જાણવા માટે દેશમાં પહેલી વખત ડોલ્ફિન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ડોલ્ફિનના સર્વેક્ષણ માટે આઠ રાજ્યોની 28 નદીઓના 8,500 કિલોમીટરથી વધુ વિસ્તારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ કરવામાં 3,150 દિવસ લાગ્યા હતા. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, આસામ, ઝારખંડ, રાજસ્થાનના વન વિભાગો અને વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ, ટર્ટલ સર્વાઇવલ એલાયન્સ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જેવા એનજીઓની મદદથી હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જણાયું છે કે દેશની નદીઓમાં કુલ 6,327 ડોલ્ફિન છે. પંજાબમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીના તટપ્રદેશમાં 6,324 અને બિયાસ નદીના તટપ્રદેશમાં ત્રણ ડોલ્ફિન છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 2,397 ડોલ્ફિન છે. ત્યારબાદ બિહારમાં 2,220 ડોલ્ફિન, પશ્ચિમ બંગાળમાં 815 અને આસામમાં 635 ડોલ્ફિન છે. દેશની નદીઓમાં જોવા મળતી ડોલ્ફિનની વસ્તીના 40 ટકા ઉત્તર પ્રદેશમાં છે.

નદીના ઇકોસિસ્ટમમાં તેઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે તેના સ્વાસ્થ્યને દર્શાવે છે. આ તરફ ધ્યાન દોરવા માટે ભારત સરકારે 2009માં તેને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું હતું. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ કારણોસર ગંગા ડોલ્ફિનની વસ્તીમાં ઘટાડો થયો છે. ગંગા ડોલ્ફિન માટે સૌથી મોટો ખતરો માછીમારીની જાળમાં ફસાઈ જવાથી થતા આકસ્મિક મૃત્યુ, ડોલ્ફિનના તેલ માટે શિકાર, ડેમ અને પાળા બાંધવા જેવા વિકાસ પ્રોજેક્ટ્સ અને પ્રદૂષણ છે.

ગંગા ડોલ્ફિનના સંરક્ષણ માટે દર વર્ષે 5 ઓક્ટોબરને રાષ્ટ્રીય ગંગા નદી ડોલ્ફિન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. 15 ઓગસ્ટ, 2020ના રોજ શરૂ કરાયેલ પ્રોજેક્ટ ડોલ્ફિન દ્વારા ભારત સરકાર તેમની વસ્તી વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ગંગા નદીના ડોલ્ફિનના સંરક્ષણ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ડિસેમ્બર, 2024થી આસામમાં પ્રથમ વખત ટેગિંગ ઝુંબેશ શરૂ કરી છે. જો આપણે ગંગા ડોલ્ફિનના સૌથી મોટા કુદરતી નિવાસસ્થાન ગંગા વિશે વાત કરીએ, તો તે ફક્ત શ્રદ્ધા અને જળ સંસાધનનો વિષય નથી. દેશને એકતામાં બાંધવામાં ગંગાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ગંગા દેશની 40 ટકાથી વધુ વસ્તીનો આધાર છે. સરકાર ગંગાની સફાઈ અને વિકાસ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે, જેથી ગંગા ડોલ્ફિન સહિત તમામ જળચર પ્રાણીઓ સુરક્ષિત રહે.