વિદેશથી વિદ્યાર્થી, વર્કર અથવા વિઝિટર તરીકે બ્રિટન આવેલા આશરે 40,000 લોકોએ રાજ્યાશ્રયની માગણી કરતાં હવે તેની સામે ભારે વિરોધ ઊઠ્યો છે. સરકારી વિભાગના મત અનુસાર આશરે 10,000 લોકો કરદાતાનાં નાણાં થકી હોટલ્સ અથવા અન્ય સરકારી રહેઠાણોમાં વસી રહ્યા છે. તેમને બેનિફિટ્સની જરૂર નથી અને તેમની લિવિંગ કોસ્ટને પહોંચી વળવા પૂરતાં નાણાં હોવાની વિઝાની શરત સાથે તેમણે બ્રિટનમાં પ્રવેશ મેળવ્યો હતો. આનો અર્થ એવો થાય છે કે યુકેમાં કાયમી વસવાટ મેળવવાના છૂપા માર્ગ તરીકે વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. હોમ ઓફિસે જણાવ્યું છે કે વિઝાની મુદત પૂર્ણ થયા પછી પણ દેશમાં રોકાઈ જનારા લોકોની સંખ્યા એસાઈલમ માગનારાની 40 ટકા જેટલી થવા જાય છે. વિઝા ઓવરસ્ટેયર્સને દેશપાર કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે. બીજી તરફ અમેરિકાએ ભારતમાં વિઝા એપોઈમેન્ટ માટે બુકિંગમાં ઘાલમેલ કરનાર બોટ્સ એજન્ટો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકાના ભારત ખાતેના દૂતાવાસે સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી કે તેણે આશરે 2000 જેટલી વિઝા એપોઈન્ટમેન્ટ રદ કરી છે, જે બોટ્સ દ્વારા (કમ્પ્યૂટર દ્વારા ઓટોમેટિક) બુક કરાઇ હતી.
મમતા બેનર્જી અને સૌરવ ગાંગુલીએઓક્સફર્ડ યુનિવર્સિટીની મુલાકાત લીધી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીને સાથે રાખી ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને બોડલિયન લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. તેમણે કેલોગ કોલેજમાં 200 લોકોના ઓડિયન્સ સમક્ષ સંબોધન કર્યું હતું, જેમાં નેતૃત્વ, મહિલા અધિકારો અને સામાજિક વિકાસને આગળ વધારવાની તેમની કામગીરીને આવરી લેવાઈ હતી. તેમણે બંગાળમાં શાખાઓ ખોલવા ઓક્સફર્ડ યુનિવર્સિટીને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે SFI-UKના મનાતા કેટલાક વિરોધીઓએ સંબોધનમાં ખલેલ પહોંચાડી હતી જેમને શાંત પાડવા બેનર્જીએ મીઠાશથી પ્રયાસ કર્યો હતો. મમતા બેનર્જીની યુકેની આ ત્રીજી મુલાકાત હતી. તેમણે ગુરુવાર 27 માર્ચે ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કેલોગ કોલેજ ખાતે લેક્ચર આપ્યું હતું. આ પછી કોલેજના પ્રેસિડેન્ટ પ્રોફેસર જોનાથન મિચી અને બીનુ ટ્યુડોર ફેલો લોર્ડ કરણ બિલિમોરિયા સાથે વાર્તાલાપમાં સામેલ થયાં હતાં. તેઓ 24 માર્ચે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમનાં પત્ની સંગીતા દોરાઈસ્વામીના આમંત્રણને માન આપી પોતાના પ્રતિનિધિમંડળ સાથે ઈન્ડિયા હાઉસમાં હાઈ ટી રિસેપ્શનમાં જોડાયાં હતાં. ડેપ્યૂટી ભારતીય હાઈ કમિશનર સુજિત ઘોષ પણ તેમાં સામેલ થયા હતા.
ગુજરાતમાં ડાયનોસોર કરતાં પણ જૂની એશિયાની પ્રથમ જિયોલોજિકલ અજાયબી
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 200 કે 500 વર્ષ નહીં, બલકે કરોડો વર્ષ પહેલાં પાણીમાં આવતા કરંટના કારણે પથ્થરો પર એક વમળ પ્રકારનું માર્કિંગ સર્જાય છે અને તેને જિયોલોજિકલ વિભાગ એડી કરંટ તરીકે ઓળખે છે. કડાણા ડેમ સાઇટ નજીક મળેલી આવી એડી કરંટ સાઇટ ભારતમાં જ નહીં, એશિયામાં પ્રથમ છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમ નજીક આવેલી એડી કરંટ સાઈટ ભારતની 4 જિયોલોજિકલ અજાયબી પૈકીમાંની એક છે. કડાણા ડેમ સાઈટ ઉપર તે હજુ આજે પણ યથાવત્ હોવાનું હાલ સ્પષ્ટ જોવા મળ્યું છે. વડોદરાના જિયોલોજિસ્ટ તીર્થરાજસિંહ સોલંકીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે આ સાઈટ કડાણા ડેમની 600 મીટર ડાઉનસ્ટ્રીમ મહીસાગર નદીના ડાબા કાંઠે આવેલી છે. વિશ્વમાં આવા પ્રકારના પથ્થરો અલભ્ય ગણવામાં આવે છે, એટલે જ તેને વૈશ્વિક અજાયબીમાં સ્થાન મળ્યું છે. જ્યારે આખા વિશ્વનો નકશો અલગ હતો, ભારતનો ભૂભાગ દક્ષિણ ગોળાર્ધ તરફ હતો અને આફ્રિકા સાથે જોડાયેલો હતો ત્યારે આ પથ્થરોનું સર્જન થયું હોવાનું મનાય છે. અહીં 65 કરોડ વર્ષ પહેલાં જળકૃત પથ્થરો એટલે કે રેતીમાંથી જ્યારે પથ્થરનું સર્જન થયું ત્યારે તેના પર રચાયેલા પાણીનાં વમળોની ડિઝાઈન હજુ યથાવત્ જોવા મળે છે.
દક્ષિણ આફ્રિકાએ બાપુના હાથબનાવટનાં વસ્ત્રો, દસ્તાવેજો ભારતને આપ્યાં
દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના નિવાસ દરમિયાનના દસ્તાવેજો અને તેમના હાથબનાવટનાં વસ્ત્રો કાપડ સહિત મહત્ત્વપૂર્ણ વસ્તુઓને દક્ષિણ આફ્રિકાના ટ્રસ્ટ દ્વારા ભારતના નેશનલ ગાંધી મ્યુઝિયમને સોંપવામાં આવી છે. ગાંધીજી 1893માં દક્ષિણ આફ્રિકા આવ્યા હતા અને 1915માં ભારત પરત ફર્યા હતા. આ સમયગાળામાં તેઓ લાંબા સમય સુધી ડર્બનમાં રહ્યા હતા અને 1904માં ફિનિક્સ સેટલમેન્ટની સ્થાપના કરી હતી. આ સોંપણીના સાક્ષી બનેલા વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે બાપુનું જીવન અને સંદેશો આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ-ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટ (PST-GDT) દ્વારા આ વસ્તુઓ અને દસ્તાવેજો સોંપાયાં છે. 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન ગાંધીજીની ઐતિહાસિક ટ્રેનયાત્રાનું પુનરાવર્તન કર્યું હતું તેમજ ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના ઘરની મુલાકાત લીધી હતી.