થોડા સમય પહેલાં એક કોમેડી શોમાં હાજર રહેલા કેટલાક લોકોએ વલ્ગર કહેવાય એવી કમેન્ટ્સ કરી. કોમેડીના નામે માતા-પિતા સાથેના જાતીય સંબંધો સુધી વાત પહોંચી. સ્વાભાવિક રીતે જ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો અને ખુદ કોર્ટે આ મામલે ટિપ્પણી કરવી પડી. બીજી તરફ અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની ગળચટ્ટી વાતોમાં આવી ગયેલ અમુક યુવાવર્ગ પેલા કોમેડી કરનારાઓનો બચાવ કરવા માંડ્યા. એમની દલીલ હતી કે આજકાલ તો આવું બધું `નોર્મલ' છે. બસ, સાયન્ટિફિકલી સમજીએ તો આ `ન્યૂ નોર્મલ'ની જ તકલીફ બહુ મોટી છે.

 અહીં આપણે કોઈ પણ પ્રકારની સામાજિક ચર્ચા કર્યા વિના માત્ર વિજ્ઞાન આધારિત વાત જ કરીશું. વિજ્ઞાન કહે છે કે કોમેડી ફિલ્મો સહિતના સાહિત્યને કારણે તમારો મૂડ સુધરે છે. મગજમાંથી રિલીઝ થતું ડોપામાઈન નામક કેમિકલ મેસેન્જર તમારી મેન્ટલ હેલ્થ સુધારે છે. સાથે જ શારીરિક મૂવમેન્ટમાં પણ એની અસર દેખાય છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે માણસે હસતા રહેવું જોઈએ. બટ એટ ધ સેમ ટાઈમ, વિજ્ઞાન એમ પણ કહે છે કે આ ડોપામાઈન તમને એકની એક પ્રવૃત્તિ વારંવાર કરતા રહેવાની પ્રેરણા આપે છે. જો તમે કોઈ કોમેડી શો જોઈને ખુશ થતા હોવ, તો તમને ડોપામાઈનના પ્રતાપે નિયમિત ધોરણે કોમેડી શો જોયા કરવાની ઈચ્છા થશે. આ જ ચક્કરમાં ઘણા યુવાનો રોજના દોઢ-બે કલાક આવા કોમેડી શો જોવામાં ખર્ચી (વેડફી) કાઢે છે. પોર્નોગ્રાફિક સાહિત્યના રવાડે ચડેલાના પણ આવા જ હાલ થાય છે. એમને રોજિંદા ધોરણે પોર્નોગ્રાફીના સેવનથી મળતા મનોરંજનની આદત પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ટરનેટ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, ત્યારે સંખ્યાબંધ યુવાનો (અને કેટલાક મધ્યવયસ્ક લોકો પણ) દિવસનો ચોક્કસ ટાઈમસ્લોટ પોર્નોગ્રાફી જોવા માટે અનામત રાખે છે. અહીં પ્રશ્ન એ છે કે શું તમારા મન અને શરીરને આટલા બધા મનોરંજનની જરૂર છે ખરી? આ તો બિલકુલ ડ્રગ એડિક્શન જેવી જ પરિસ્થિતિ થઇ કે નહિ?

 યસ, ડોપામાઈન એડિક્શન પેદા કરે છે. જો નિયમિત ધોરણે જિમમાં વર્કઆઉટ કરવાથી ડોપામાઈન રિલીઝ થતું હોય, તો એનાથી મન અને શરીર બંનેને ફાયદો થાય, પણ જો કોમેડી શો કે પોર્નોગ્રાફીનું એડિક્શન થઇ જાય, તો સમજો કે ગયા કામથી! જે દિવસે આ પ્રકારનું મનોરંજન ન મળે ત્યારે મૂડ સ્વિંગ, શારીરિક થાક, કામમાં ફોકસ ન રહેવું જેવી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. વળી, ડોપામાઈનનું આ ચક્ર બેધારી તલવાર જેવું છે. ન મળે તો દુ:ખ અને જો વધુ પ્રમાણમાં મળે, તો ઔર મોટી ઉપાધી!

 સંશોધનો કહે છે કે વધુ પડતું મનોરંજન મળી જવાથી ડોપામાઈનનું લેવલ ઊંચું જાય છે. પરિણામે વ્યક્તિ ઘેલછા (mania), આભાસ (hallucinations) અને ભ્રમણાનો (delusions) શિકાર બને છે. ક્રિકેટ કે ફૂટબોલમાં પોતાની ટીમ વિજેતા નીવડે ત્યારે ઉન્માદી ભીડ અરાજકતા ફેલાવી દે છે. ડ્રગના સેવન પછી જેમ તમે આભાસી દુનિયામાં વિહરવા માંડો, એમ ડોપામાઈનનું ઊંચું સ્તર પણ તમને વાસ્તવિક દુનિયાથી દૂર ઉન્માદી અને આભાસી દુનિયામાં ધકેલી આપે છે. આવા મેન્ટલ સ્ટેજમાં ખાસ કરીને પોર્નોગ્રાફીનું વધુ પડતું સેવન કર્યા બાદ વ્યક્તિ જાતીય અપરાધ આચરવામાંય પાછો નથી પડતો. ચાઈલ્ડ એબ્યૂઝથી માંડીને ગેંગરેપ સુધીના અનેક કિસ્સાઓમાં પકડાયેલ ગુનેગારના મોબાઈલમાંથી પોર્નોગ્રાફી જડી આવ્યાના દાખલા મોજૂદ છે. આ બધું જાણવા સમજવા માટે તમારે મોટા સંશોધક થવાની જરૂર નથી, માત્ર રોજિંદાં છાપાં નિયમિત ધોરણે વાંચતાં રહેવાથી પણ આખો ઘટનાક્રમ સમજાઈ જાય છે.

ઓકે ફાઈન, પણ કોમેડી શોની વાતમાં પોર્નોગ્રાફી ક્યાંથી આવી? સ્ટેન્ડઅપ કોમેડી શોઝને કારણે કોમેડીમાં પણ કોમ્પિટિશન વધી ગઈ છે. સ્ટેન્ડઅપ કોમેડી પીરસનાર દરેક વ્યક્તિ સતત નવું પીરસતા રહેવાના સખત દબાણ હેઠળ જીવે છે. આ માટે વધુ માહિતી માટે ગૂગલ પર `Sad clown paradox' સર્ચ કરી જોવું. યોદ્ધા પાસે વીરતા ખૂટી જાય, એટલે એ કમરની નીચે પ્રહાર કરવા માંડે. એવી જ રીતે આ કલાકારો સખત પ્રેશર હેઠળ કોમેડીના નામે અશ્લીલતા પીરસવા માંડે. લોકોને પણ `કંઈક નવું'ના નામે આ ગમવા માંડે. એ પછી ડોપામાઈનનો ખેલ શરૂ થાય. લોકો મનોરંજનની રોજિંદી ભૂખ ભાંગવા આ બધું જ માણવા માંડે. એક વાર ડ્રગની આદત પડી જાય, પછી તમને વધુ ને વધુ નશાની જરૂર પડે. કંઈક એવી જ હાલત આમાંય થાય. એક તબક્કો એવો આવી જાય જ્યારે તમને નિર્દોષ કોમેડીને બદલે અશ્લીલ કોમેડીથી જ `કિક' લાગે.

 સંશોધકો કહે છે કે આ પ્રકારના કન્ટેન્ટનું નિયમિત સેવન કરનાર વ્યક્તિ સંબંધો, રોમાન્સ અને જાતીયતાને જુદી જ વાસ્તવિકતાથી વેગળી રીતે જોતો થાય છે. પરિણામે લાંબા ગાળે આ ત્રણેય ક્ષેત્રે પોતાની નોર્મલ હેલ્ધી કન્ડિશન ગુમાવે છે. (ન્યૂ નોર્મલ?) સ્વાભાવિક રીતે આનો સૌથી વધુ ભોગ યુવાવર્ગ બનવાનો! લાંબું વિચારશો તો આ વિષયનાં અનેક ઉદાહરણો જડી આવશે. આ આખો વિષય દરિયા જેવડો વિશાળ છે. ડોપામાઈન એડિક્શનની આડઅસરો તમારા મગજ અને શરીરની કેવી વલે કરી શકે, એના ઉપર આખું પુસ્તક લખી શકાય. સ્પોર્ટ્સ સહિતની શારીરિક પ્રવૃત્તિઓ કે પછી ચેસ જેવી રમતો અને સંગીત જેવી ક્રિયાઓ થકી ડોપામાઈન રિલીઝ થતું હોય તો એ ઉત્તમ ગણાય. બાકી સંસ્કૃતનું એક વાક્ય હંમેશાં યાદ રાખવું, `અતિ સર્વત્ર વર્જયેત'.