ટોલ્સ્ટોયે પોતાની આત્મકથાના એક (છઠ્ઠા) પ્રકરણમાં વિશ્વના ટોચના વિચારકોની વાતો ટાંકી છે. સોક્રેટિસ અને શોપનહોઅર બાદ સોક્રેટિસ સોલોમનનું આ લખાણ ટાંકે છેઃ
`હું એક ઉપદેશક (સોલોમન), ઇઝરાયેલનો રાજા રહી ચૂક્યો છું. આ દુનિયામાં જે કંઈ પણ બધું થઈ રહ્યું છે એ બધું જાણવા-સમજવા મેં બહુ જ મહેનત કરી છે અને હું તમને શું કહું? એ જ કે બધું મિથ્યા છે, સંતાપજનક છે.'
શાણપણ તેમજ મૂર્ખામીને સમજવા માટે ભરપૂર મથ્યા બાદ મને સમજાયું કે આ મથામણ પણ મિથ્યા છે. તમારું શાણપણ જેટલું વધારે એટલા તમે વધુ દુઃખી થાવ છો. જ્ઞાન જેમ જેમ વધે તેમ તેમ પીડા વધે છે.'
મેં વિચારેલું કે ચાલ, હસીને જીવનનો આનંદ માણી જોઉં, પણ જોયું તો એ પણ મિથ્યા જ હતું. હાસ્ય શું છે? એ મૂર્ખામી છે.
અને આનંદપ્રમોદ? એમાંથી શું મળે? એ જાણવા મેં મારી જાતને (અક્કલ ટકાવી રાખીને) શરાબમાં ડુબાડી.
માણસે જિંદગીભર સુખી થવું હોય તો શું કરવું જોઈએ એ સમજવા મેં ખૂબ બધાં કામો કર્યાં. મેં મોટી મોટી ઇમારતો બંધાવી. મેં બાગબગીચા વિકસાવ્યા, જેમાંથી ફળો મળે એવાં અસંખ્ય પ્રકારનાં વૃક્ષો ઉગાડ્યાં. પાણીનાં મોટાં મોટાં તળાવ બંધાવ્યાં. સિંચાઈની સગવડ કરીને એ તળાવનાં પાણી વૃક્ષોનાં જંગલોને પાયાં. મેં અસંખ્ય દાસ-દાસીઓ રાખ્યાં. ઘણાં દાસ-દાસી તો મારા ઘરમાં જ જન્મ્યાં. મેં એટલું બધું પશુધન મેળવ્યું, જેટલું જેરુસલેમમાં અગાઉ કોઈની પણ પાસે નહોતું. હું ખૂબ બધા સોના-ચાંદીનો માલિક બન્યો. મૂલ્યવાન વસ્તુઓથી મેં મારો ખજાનો છલકાવી દીધો. મારા દરબારમાં અનેક ગાયક-ગાયિકા અને વાદ્યકારોને મેં સ્થાન આપ્યું. એ સમયનો હું સૌથી મહાન મનુષ્ય બની રહ્યો અને જેરુસલેમ અગાઉ ક્યારેય નહોતું એટલું સમૃદ્ધ બની રહ્યું.
મારા હૃદયમાં જે કોઈ પણ ઇચ્છા જાગી એને મેં રોકી નહીં અને તમામ પ્રકારની મોજમજા મેં ભોગવી. પછી મેં પાછળ ફરીને મારી આ બધી જ જફા-જહેમતોને જોઈ તો મને સમજાયું કે લે, આ બધું જ મિથ્યા હતું, સંતાપપ્રેરક હતું. એમાં કશો જ લાભ નહોતો.
માણસ અત્યંત બુદ્ધિશાળી હોય કે મૂરખ, બંનેનો અંત એકસરખો જ છે. તો વધુ બુદ્ધિશાળી થઇને મને મળ્યું શું? બુદ્ધિ પણ વ્યર્થ જ હતી. શાણાને પણ કોઈ યાદ નથી રાખતું અને મૂરખાને પણ કોઈ યાદ નથી રાખતું. બંને મરે છે અને બંને ભુલાઈ જાય છે.
તેથી મને જીવન પ્રત્યે નફરત થઈ, કારણ કે તમે જે કંઈ પણ કરો એ બધું વ્યર્થ અને સંતાપપ્રેરક હતું. મેં કરેલાં મોટાં મોટાં કામો મને નકામાં લાગ્યાં, કારણ કે એ બધું તો મારા પછી જીવનારા લોકો માટે મારે છોડીને જવાનું હતું.
મનુષ્યને શું મળે છે એની મહેનતમાંથી અને હૃદયની ઊથલપાથલમાંથી? એના બધા દિવસો દુ:ખમાં જાય છે, એના પરિશ્રમમાં પીડા હોય છે, રાત્રે પણ એને ચેન નથી પડતું. તો માણસ માટે શ્રેષ્ઠ શું છે? એ જ કે માણસ ખાય, પીએ અને નિષ્ઠાપૂર્વક મહેનત કરીને એમાંથી આનંદ મેળવવાની કોશિશ કરે, પરંતુ મેં જોયું કે એ પણ છેવટે તો ઉપરવાળાના હાથમાં છે.
તમે કંઈ પણ કરો, અંત સૌનો સમાન છે. તમે ભલા હો કે બૂરા, તમે શુદ્ધ હો કે ગંદા, તમે બલિદાન આપો કે ન આપો, તમે પુણ્યશાળી હો કે પાપી, તમે ગમે તેવા હો, તમે કંઈ પણ કરો, એમાં મૂળ મોંકાણ એકસમાન છે. અને તે એ છે કે બધાનો અંત એકસરખો હોય છે.
માણસના હૃદયમાં પાપ અને પાગલપણું હોય છે. જીવીએ ત્યાં સુધી આ બધું હોય. પછી આપણે મરી જઈએ.
પ્રત્યેક જીવ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આશા જીવે છે. એટલે જ જીવતા કૂતરો મરેલા સિંહ કરતાં સારો ગણાય. જીવનારાને (કમ સે કમ) એટલી તો ખબર હોય કે એ મરી જવાનો છે. મરેલાને તે કશી જ ખબર નથી હોતી. મરેલાંને કશું જ મળવાનું નથી, કારણ કે મરેલાં ભુલાઈ જાય છે. મરનાર માણસનાં પ્રેમ, ધિક્કાર ગમા-અગણમા, એની ઇર્ષ્યાઓ બધું જ નાશ પામે છે. આ ધમધમતા જગતમાં પછી જે બધું ચાલે એમાં મરનારનું કોઈ કાયમી સ્થાન રહેતું નથી.'
આવું કહ્યું સોલોમને.
આ શબ્દો સાથે ટોલ્સ્ટોય સોલોમનનું અવતરણ પૂરું કરે છે. સોલોમનવાળું લખાણ એકદમ નકારાત્મક છે. એમાં તો આશા જેવી હકારાત્મક બાબતને પણ અત્યંત અણીદાર રીતે નોંધવામાં આવી છે. આશા વિશે સોલોમને જે કહ્યું છે એમાં સૂર એવો છે કે જીવનારને તો મરવાનીય આશા હોય, મરનારને તો એ પણ ન હોય. ગજ્જબ.
ખૈર, રાજા સોલોમનના લખાણના જે મુદ્દાઓ છે તે એકદમ સ્પષ્ટ છેઃ બધું પરિવર્તનશીલ છે. જીવન-મરણનું ચક્ર ચાલ્યા કરે છે, શાણપણ તમને મોતથી બચાવી ન શકે, મોજશોખ અને સમૃદ્ધિમાંથી સંતોષ નથી મળતો, સૌ કોઈ મૃત્યુ પામે છે. સોલોમનનું આ આખું લખાણ અતિ નકારાત્મક છે, પરંતુ એ અધૂરું છે. સોલોમનના સમગ્ર લખાણનો સાર હકારાત્મક છે. સોલોમને સરવાળે જે કહ્યું છે તે એ છે કે ઉપરવાળાથી ડરવું, ઉપરવાળામાં શ્રદ્ધા રાખવી, ઉપરવાળાના આદેશનું અનુસરણ કરવું. આ જ માણસની ફરજ છે.
સોલોમનના ટોલ્સ્ટોયે ટાંકેલા અવતરણને લીધે કોઈના મનમાં સોલોમન વિશે એવી ગેરસમજ થઈ શકે કે એમનો ઉપદેશ નેગેટિવ હતો. એ ગેરસમજ ન થાય એટલે એ જાણી લેવું જરૂરી છે કે સોલોમનના ઉપદેશનો સાર આ છેઃ જીવન દુઃખમય છે અને તેની સામે મુકાલબો કરવાનું શસ્ત્ર છે, શ્રદ્ધા.
અને સ્વયં ટોલ્સ્ટોયની આ નકારાત્મક આત્મકથા પણ છેવટે તો હકારાત્મક શ્રદ્ધા તરફ જ આગળ વધી રહી છે. સોલોમન પછી તરત ટોલ્સ્ટોય વાત કરે છે ગૌતમ બુદ્ધની તેમજ સમગ્ર ભારતીય જ્ઞાનવારસાની. ટોલ્સ્ટોયે નોંધેલી બુદ્ધકથાની વાત આવતા અંકે.
