ઠાકોરસાહેબ બેઘડી વિચારમાં પડી ગયા હતા. જ્યારે કવિવર ન્હાનાલાલ રાજકુમાર કોલેજમાંથી નિવૃત્ત થયા પછી રાજકોટના ઠાકોરસાહેબ લાખાજીરાજે તેઓને ન્યાયાધીશ પદ માટેની ઈચ્છા જણાવી હતી. સામે કવિવરે નમ્રપણે જણાવ્યું હતું: `આ પદ માટે ખુદને સદ્નસીબ સમજું છું, પણ હું કાયદાશાસ્ત્રનો સ્નાતક નથી, તેથી આવું મહત્ત્વનું પદ સંભાળી ન શકું.'

 પણ ઠાકોરસાહેબે ફરી જણાવ્યું હતું કે, ન્યાયમાં પણ કુદરતના સિદ્ધાંત મુજબ વિવેકબુદ્ધિની જરૂર પડતી હોય છે અને કાયદાએ ન્યાયાધીશના મદદગાર રહેવાનું હોય છે એ કેમ ભૂલી જાવ છો કવિવર!

 `ભલે, આપ નામદાર સાહેબ જણાવો છો તો હું આપની ઈચ્છા સાથે સહમત થાઉં છું.'

 રાજના પ્રતિષ્ઠાભર્યા પદ માટે કવિવરે પ્રથમ અસંમતિ દર્શાવી, તેથી તેઓ પ્રત્યેના માનમાં ઉમેરો થયો હતો અને કવિવરે રાજકોટ રાજના સર ન્યાયાધીશ તરીકેના પદને ગ્રહણ કરી લીધું હતું.

 પદભાર સંભાળ્યા પછી થોડા વખત બાદ ઠાકોરસાહેબ તરફથી કવિવરને એક સાંજનું ભોજન સાથે લેવા નિમંત્રણ મળ્યું હતું. તેમાં રાજના દીવાનને પણ ખાસ સામેલ કરવામાં આવ્યા હતા.

 `કવિવર! હમણાં હમણાં આપના એક ચુકાદા અંગે કંઈ સાંભળવા મળે છે તે શું હકીકત છે?'

 ત્યાં કવિવર કંઈ સમજે તે પહેલાં જ દીવાને સૂર પુરાવતાં કહ્યું: `નગરશેઠની મિલકતનો ચુકાદો.'

 `શું છે એ હકીકત તે આટલી ચર્ચા થાય છે?' ઠાકોરસાહેબનો સ્વર સહેજ ઊંચો થઇ ગયો.

 દીવાને વાત સાંધતાં ત્વરિત કહ્યું હતું: `નામદાર, ઠાકોરસાહેબને એ કેસથી વાકેફ કરોને.'

 આમ ભોજન સાથે દીવાનનું હોવું ને ટાપસી પુરાવવી, ચતુર સુજાણને સઘળો તાળો મળી ગયો હતો. ઘટનાની અવાંતરે રમાતી રમત ચક્ષુ સામે ઊઘડી આવી હતી. `નગરશેઠની મિલકત અંગેનો કેસ નીચલી કોર્ટમાં ચાલતો હતો.' કવિવરે કહ્યું હતું: `નગરશેઠને બે પત્ની હતાં. તેમાં નવાં શેઠાણીના પુત્રોએ જૂના શેઠાણી સામે દાવો માંડ્યો હતો.'

 ત્યાં દીવાને વચ્ચે જ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું: `જૂનાં પત્ની સામે નવાં પત્નીના પુત્રોએ મિલકતમાં ભાગ અંગેનો કેસ રાજની નીચલી કોર્ટમાં કર્યો હતો બરાબરને?'

 `હા. કવિવરે ગળું ખંખેર્યું હતું: `કેસ ચાલ્યો. તેમાં ચુકાદો નવાં પત્નીના તરફેણમાં આવ્યો હતો.'

 `આવે.' વચ્ચે દીવાન એકદમ બોલી ઊઠ્યા હતા: `કાયદો કાયદાનું કામ કરે, બીજું શું?' ઠાકોરસાહેબને આગળનું જાણવામાં રસ હતો: `પછી?'

 `મિલકત બધી નવાં પત્નીના પુત્રોને મળી, જેથી જૂનાં પત્નીની સ્થિતિ સાવ નિરાધાર જેવી થઇ ગઈ હતી. એક વખતના નગરશેઠાણી કાયદાના એક જ ઝાટકે રસ્તે રઝળતાં થઇ ગયાં હતાં.'

 ઠાકોરસાહેબ શાંતિથી સાંભળતા હતા. `આ કેસ અપીલમાં મારી પાસે આવ્યો.' કવિવરે જણાવ્યું હતું: `મેં સમાધાનપૂર્ણ નિવેડો લાવી દીધો હતો.' ત્રણેયે એકબીજાનાં મોં સામે જોયું તેમાં દીવાન નજર મેળવી કે જીરવી શક્યા નહીં.

 `મેં બંને પક્ષોને બોલાવ્યા અને પૂછ્યું હતું: `નગરશેઠાણી શેઠની વિધવા ગણાય કે નહીં?'

 `એમાં તો વળી કોણ ના પાડી શકે?' કટાણું મોં કરી દીવાને મત્તું માર્યું હતું, પણ કવિવરે કહી દીધું હતું : `બંને પક્ષે સંતોષ થયો.'

 `એ તો બરાબર છે પણ...' દીવાને દિલમાં દબાયેલી કટુતા બહાર નીકળી ન જાય તેની ખેવના સાથે પૂછ્યું હતું : `કાયદો તો મૂળ પત્નીના પુત્રોની તરફેણમાં હતો ને?'

 દીવાનની વાતે કવિવરની ડોક ટટ્ટાર થઇ ગઈ અને પછીનું વિચારવા લાગ્યા હતા.

 અબોલ રહેલા ઠાકોરસાહેબ હોઠ ભીંસીને બોલ્યા હતા: `આ વાતે જ નગરમાં ઊહાપોહ થવા લાગ્યો છે, કવિવર!' આવું કહેવામાં જે ઠપકાનો સૂર પ્રગટતો હતો તે કવિવરથી અજાણ ન રહ્યો. છાતીમાં સોયના જેમ વાગ્યો છતાંય સહેજેય સ્વસ્થતા ગુમાવ્યા વગર ખુમારીથી કહ્યું હતું : `ઠાકોરસાહેબ! આપના રાજની એક વૃદ્ધા કે જે એકવારનાં નગરશેઠાણી હતાં, તે ભૂખે મરે તે આપને વાજબી લાગે ખરું?' વાતાવરણમાં એક જાતની ખામોશી છવાઈ ગઈ હતી. પણ ખામોશીને તોડી કવિવર બોલ્યા હતા: `ઠાકોરસાહેબ, આપના શબ્દોની યાદ અપાવું તો હું અહીં વિવેકબુદ્ધિથી વર્ત્યો છું અને કુદરતી ન્યાયને અન્યાય નથી કર્યો. જેમ આપ વર્ત્યા છો એમ.' ઠાકોરસાહેબ કવિવરના મોં સામે સંદિગ્ધ નજરે તાકી રહ્યા હતા. દીવાનને અજુગતું લાગ્યું હતું. `મારા ચુકાદા બાબતે આપ મને ઠપકો આપી શક્યા હોત, પરંતુ માનપૂર્વક આમ ભોજનમાં બોલાવી શાંતિથી કહ્યું આ આપની વિવેક અને ન્યાયબુદ્ધિ છે અને હું પણ આમ જ.' કવિવરનો જવાબ સાંભળી ઠાકોરસાહેબ સઘળું સમજી ગયા હતા. આ બાજુ દીવાન તો સાવ નરમ ઘેંશ થઇ ગયા હતા. હવે કંઇ બોલ્યા જેવું રહ્યું નહોતું.

ભોજન આરોગ્યા બાદ ઠાકોરસાહેબે હળવાશથી ટકોર કરી હતી: `દીવાન! આપણે હવે ન્યાયની બાબતમાં દખલ નહીં કરીએ, બરાબર!' પછી એકબીજા સામે મોઘમ હસીને છૂટા પડ્યા હતા.