હાથ તો આપણે બધા જ ધોઈએ છીએ. સ્કૂલોમાં બાળકોને શીખવવામાં આવે છે કે તે યોગ્ય પદ્ધતિથી હેન્ડવોશ નહીં કરે તો તેમના બીમાર થવાનું જોખમ વધી જશે. હાથ ધોઈ ન શકાય તેમ હોય તો ક્લીન કરવાવાળાં સેનેટાઈઝર પણ આવી ગયાં છે, પરંતુ તમે એ નહીં જાણતા હોવ કે આશરે 177 વર્ષ પહેલાં સુધી લોકો હેન્ડવોશ કરતા નહોતા. જો હાથ સાફ કરતા તો પણ મોટાભાગે કપડાથી લૂછતા અને બહુ વધારે ગંદા હોય તો પાણીથી ધોઈ નાખતા. તો પછી અહીં પ્રશ્ન જરૂર થાય કે આખરે સાબુ કે હેન્ડવોશથી હાથ ધોવાની શરૂઆત કેવી રીતે થઈ?
હેન્ડવોશ કરવાનું આ વૈજ્ઞાનિકે જાણાવ્યું
આ ખરેખર ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક જાણકારી છે. ઈ.સ. 1839માં હંગરીના ડોક્ટર અને વૈજ્ઞાનિક ડો. ઇગ્નાજ સેમેલ્વિસે (Dr. Ignaz Semmelweis) દુનિયાને પહેલીવાર જણાવ્યું કે હાથમાં જીવાણુઓ હોવાને કારણે મનુષ્યો, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓનો મૃત્યુદર ખૂબ જ વધારે છે. જો સાબુ જેવી કોઈ વસ્તુથી હાથ સાફ કરવામાં આવે તો આ મૃત્યુદર ઘટી શકે એમ છે. તેમણે ડોક્ટરોને અપીલ કરી કે લોકોને સાબુથી હાથ ધોવા માટે પ્રેરિત કરે. તેમણે સાબુથી હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ પણ જણાવી, જેના વિશે કોરોનાકાળમાં બધાએ જાણ્યું હતું.
હાથ ધોવાનું જણાવ્યું તો વૈજ્ઞાનિકને જેલમાં પૂરવામાં આવ્યા
કહેવાય છે કે દુનિયાની મોટાભાગની શોધની મજાક ઉડાવવામાં આવી હતી. આ બાબતે પણ કંઈક આવું જ થયું. તત્કાલીન ડોક્ટર્સની કમ્યુનિટીએ ડો. ઈગ્નાજ સેમેલ્વિસને પાગલ જાહેર કર્યો અને તેમને એક રૂમમાં કેદ કરી દેવામાં આવ્યા, કારણ કે ઘણા ડોક્ટર્સનું માનવું હતું કે સાબુ જેવા કેમિકલ્સને હાથમાં લગાવવાથી હાથ વધારે પ્રદૂષિત કે ગંદા થઈ જશે અને મૃત્યુદર છે એનાથી વધારે થઈ જશે.
આખરે હાથ ધોવાની શરૂઆત થઈ
હાથ ધોવાની શરૂઆત યુરોપની વિયના જનરલ હોસ્પિટલના મેટરનિટી વોર્ડથી થઈ. ઈ.સ. 1847માં હંગરીના ડો. ઇગ્નાઝ સેમેલ્વિસે અનુભવ્યું કે માતા બનનારી મહિલાઓ, નવી માતા બની હોય તેવી મહિલાઓ અને નવજાત શિશુઓ કોઈ અજ્ઞાત બીમારીને કારણે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. બહુ વિચાર કર્યા પછી તેમણે મેટરનિટી વોર્ડમાં દરેકનું હાથ ધોવાનું ફરજિયાત કરી દીધું અને આનાં ચમત્કારિક પરિણામો જોવા મળ્યાં. ગર્ભવતી માતાઓનો મૃત્યુદર જે 18 ટકા હતો તે ઘટીને માત્ર 1 ટકા થઈ ગયો. આ સિવાય માતાના હેન્ડવોશ કરવાને કારણે નવજાત શિશુઓના મૃત્યુદરમાં પણ આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો. ત્યારબાદ દુનિયાભરમાં ડો. ઇગ્નાજની હાથ ધોવાની થિયરીને માન્યતા મળી અને તેઓ ફાધર ઓફ હેન્ડવોશ તરીકે ઓળખાવા લાગ્યા. દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે પણ મનાવવામાં આવે છે.
હાથથી ઘણી બીમારીઓ થાય છે
હાથથી ખાતા હાથમાં રહેલા બેક્ટેરિયા સીધા મોંમાં જતા રહે છે. તેનાથી બેક્ટેરિયા અને વાઈરસ સીધા શરીરમાં પ્રવેશી જાય છે. તેનાથી 400થી વધારે પ્રકારનું સંક્રમણ ફેલાઈ શકે છે. ઊધરસ, શરદી, ખીલ, શ્વાસ, આંખો અને પેટ સાથે સંબંધિત ઇન્ફેક્શન પણ થઈ શકે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને તેઓ હાથ પણ ન ધોતા હોય તો હંમેશાં બીમાર રહે છે.
હાથ પર કેમ રહે છે બેક્ટેરિયા?
હાથની ત્વચા રફ હોય છે અને હથેળી પણ ઘણી જગ્યાએથી દબાયેલી હોય છે. આને કારણે બેક્ટેરિયા અને વાઈરસ હાથમાં ચોંટેલા જ રહે છે, જે 20 સેકન્ડ સુધી હાથ ધોયા પછી પણ ઘણી વાર નીકળતા નથી. જોકે, હાથ ધોવાથી બીમારીઓથી બચવાની 80 ટકા શક્યતાઓ હોય છે. જો ગરમ પાણીથી હાથ ધોવામાં આવે તો 10 સેકન્ડ પણ પૂરતી છે.
હાથ ધોવાની રીત
કોરોનાના સમયમાં હાથ ધોવાનું મહત્ત્વ બધાએ સારી રીતે જાણી લીધું અને હાથ કેવી રીતે અને કેટલો સમય ધોવા તે પણ લોકોએ જાણ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સાબુ કે હેન્ડવોશ લિક્વિડ લગાવતા પહેલાં બંને હાથને પાણીથી ભીના કરી દો. લિક્વિડ કે સાબુને સારી રીતે હથેળી પર રગડી લો. જમણા કાંડાથી ડાબો હાથ અને ડાબી કલાઈથી જમણો હાથ એમ સારી રીતે ઘસો. નખ અને આંગળીઓ તથા આંગળીઓ વચ્ચેની જગ્યાને પણ સારી રીતે ઘસો. ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથ ધોવા. ત્યારબાદ પાણીથી સારી રીતે હાથ ધોઈ લો અને ચોખ્ખા ટુવાલ કે ડ્રાયરથી હાથ સૂકવી દો.