બોઆપણામાંના મોટાભાગના લોકો આ શબ્દ કુરાલથી અજાણ હોવાના. તમિલ ભાષામાં આજથી અંદાજે અઢીએક હજાર વર્ષ પૂર્વે સંત થિરુવલ્લુવરે શ્લોક જેવી નાની નાની 1330 પંક્તિઓ લખેલી એ કુરાલ તરીકે અથવા થિરુકુરાલ (થિરુવલ્લુવરે રચેલા કુરાલ) તરીકે ઓળખાય છે. આ કુરાલ પદાવલિ તમિલો માટે અતિ પવિત્ર અને મહાન છે, પરંતુ તમિલનાડુ સિવાયના, ખાસ તો ઉત્તર ભારતના લોકો કુરાલપદો વિશે ઝાઝું ન જાણતા હોય એ સ્વાભાવિક છે.

જોવા જેવું એ છે કે કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય છેક રશિયામાં બેઠાં બેઠાં પણ તમિલ કુરાલ-પદોનો અનુવાદ વાંચી ચૂક્યા હતા અને એ વિશે એમણે તારકનાથ દાસ નામના એક ભારતીય સાથેના પત્રવ્યવહારમાં ચર્ચા કરેલી. ટોલ્સ્ટોયનું વાંચન ઘણું વિશાળ. ભારતીય દર્શનનો પણ એમણે ઠીકઠીક અભ્યાસ કરેલો. વિવેકાનંદ અને ગૌતમ બુદ્ધના વિચારોથી પણ એ સારી પેઠે વાકેફ હતા. ગાંધીજી સાથે પણ એમનો પરિચય કેળવાયેલો.

ખૈર, અડધી જિંદગીએ ટોલ્સ્ટોય જીવતરની નિરર્થકતા બાબતે બહુ ગૂંચવાયા-પીડાયા ત્યારે એમણે જગતભરની ફિલોસોફીમાંથી જીવતરની સાર્થકતા અને દુઃખના ઇલાજ વિશે શોધ ચલાવેલી. જોકે, એ બધું વાંચીને ટોલ્સ્ટોયને એવું જ લાગ્યું કે વિશ્વભરના દાર્શનિકો પણ હરીફરીને એ જ કહે છે કે જીવતર આમ તો નિરર્થક-મિથ્યા જ છે.

ફિલોસોફીના પોતાના અભ્યાસના નિચોડરૂપે ટોલ્સ્ટોયે ચાર દાર્શનિકો - સોક્રેટિસ, શોપનહોઅર, સોલોમન, શાક્યમુનિ(બુદ્ધ)ની વાતો પોતાની આત્મકથામાં ટાંકી છે.

સૌથી પહેલાં ટોલ્સ્ટોયે વાત કરી છે સોક્રેટિસની. એમણે વીણી વીણીને સોક્રેટિસનાં એવાં અવતરણો ટાંક્યાં છે, જેમાં જીવનની ટીકા અને મૃત્યુની મહાનતા સૂચવાઈ હોય. જેમ કે, `આપણામાંથી જેને ખરેખર સત્યની ખેવના હોય એ જીવનમાં શું ઝંખે? આ જ ઝંખેઃ શરીરથી અને શારીરિક જીવન સાથે સંકળાયેલી તમામ અશુભ બાબતોથી મુક્તિ, એટલે કે મોત (નિર્વાણ), શારીરિક જીવન અશુભ અને અસત્ય છે અને આવા જીવનથી છુટકારો આશીર્વાદરૂપ હોવાથી આપણે એની (છુટકારાની, મોતની) ઝંખના કરવી જોઈએ.'

સોક્રેટિસ પછી ટોલ્સ્ટોય વાત કરે છે જર્મન ફિલોસોફર શોપનહોઅરની.

શોપનહોઅર વિશે એક આડવાત. એ માણસ ભારતીય દર્શનનો ચાહક હતો. એણે પોતાની, પ્લેટોની અને ભારતીય વેદોની ફિલોસોફી વચ્ચે મૂળભૂત સમાનતા હોવા વિશે વિગતે લખ્યું છે. શોપનહોઅર `બ્રહ્મ સત્ય, જગત મિથ્યા'વાળા ભારતીય દર્શન સાથે અમુક અંશે સહમત હોવાનું કહી શકાય.

આવા શોપનહોઅરનું એક મોટું અવતરણ ટોલ્સ્ટોયે આત્મકથામાં ટાંક્યું છે. એ સમજવું થોડું અઘરું છે, પણ સાદા શબ્દોમાં એનો સાર આવો છેઃ સજીવ-નિર્જીવની સમગ્ર સૃષ્ટિના પાયામાં છે ટકી રહેવાની ખેવના. વ્યક્તિ અને જગત, વિચાર અને પદાર્થ તેમજ સ્થળ અને કાળ વગેરે બધેબધું ટકી રહેવાની ઇચ્છાશક્તિ પર ટકેલું છે. જો અસ્તિત્વની ઇચ્છા (અંગ્રેજીઃ વિલ ટુ એક્ઝિસ્ટ, જર્મનઃ વિલ ઝમ લબેં) ન બચે તો બચે શૂન્યતા અને શૂન્યતાનો આપણને ડર લાગે છે એટલે આપણે જીવતા રહેવા માટે ઝઝૂમીએ છીએ. માણસ જિજીવિષા છોડી શકતો નથી, કારણ કે હરીફરીને માણસ પાસે જિજીવિષા સિવાય બીજું કશું છે જ નહીં. હા, કોઈ માણસ જો સભાનપણે જિજીવિષાથી ઉપર ઊઠી શકે તો એ આ ભર્યાભાદર્યા ભૌતિક જગતને સ્વસ્થભાવે શૂન્ય-મિથ્યા તરીકે જોઈ શકે.

શોપનહોઅર પછી ટોલ્સ્ટોય ટાંકે છે સોલોમનને.

સોલોમન ઇઝરાયેલનો બહુ જ મોટો રાજા. યહૂદી, ખ્રિસ્તી તથા ઇસ્લામ એ ત્રણેય ધર્મો સોલોમનને ભારે આદર આપે. સોલોમન ભરપૂર જીવ્યો. એના જેટલી ક્રિયાશીલ, ભરપૂર, સમૃદ્ધ જિંદગી આ પૃથ્વી પર બહુ ઓછા લોકો જીવ્યા હશે. એણે ખૂબ વૈભવ ભોગવ્યો. એણે ખૂબ બાંધકામો કરાવ્યાં. એ ઘણાં યુદ્ધો

લડ્યો. કહેવાય છે કે એને 700 પત્નીઓ અને 300 ઉપપત્નીઓ હતી.

જીવંતતાના જબરદસ્ત ફુવારા જેવા આ સોલોમને જીવનના અંતિમ તબક્કામાં જે લખેલું એમાંથી ટોલ્સ્ટોયે કેટલુંક પોતાની આત્મકથામાં ટાંક્યું. માત્ર 75 પાનાંની આ આત્મકથામાં ટોલ્સ્ટોયે પૂરાં સવા બે પાનાં સોલોમોનનાં અવતરણોને ફાળવ્યાં છે, જેનો સાર કંઈક આવો છે. ઓવર ટુ સોલોમન...

`જુઓ, સરવાળે છે તો બધું મિથ્યા. માણસ જિંદગીભર ગમે તેટલું મથે, છેવટે એ કશો કાંદો કાઢી લેતો નથી. એક પઢી જાય છે. બીજી પેઢી આવે છે. પૃથ્વી ટકી રહે છે. વસ્તુઓ જેવી અગાઉ હતી એવી પછી હોવાની. કાર્યો જેવાં અગાઉ થતાં હતાં એવાં પછી પણ થશે. જગતમાં નવું કંઈ છે નહીં. તમને કોઈ ચીજ-બાબત નવાં લાગે તો સમજી લેજો કે એ બધું તો અગાઉ પણ હતું. એટલું જ કે આજે તમને એ યાદ નથી, તમને એની જાણ નથી.

હું, એક ઉપદેશક (સોલોમન), ઇઝરાયેલનો રાજા રહી ચૂક્યો છું. આ દુનિયામાં જે કંઈ પણ બધું થઈ રહ્યું છે એ બધું જાણવા-સમજવા મેં બહુ જ મહેનત કરી છે અને હું તમને શું કહું? એ જ કે બધું મિથ્યા છે, સંતાપજનક છે.

`શાણપણ તેમજ મૂર્ખામીને સમજવા માટે ભરપૂર મથ્યા બાદ મને સમજાયું કે આ મથામણ પણ મિથ્યા છે. તમારું શાણપણ જેટલું વધારે એટલા તમે વધુ દુઃખી થાવ છો. જ્ઞાન જેમ જેમ વધે તેમ તેમ પીડા વધે છે.'

***

છે તો બધું મિથ્યા જ, છતાં સક્રિય રહો, મોજ કરો.

આ છે સોલોમનનો સંદેશ. એ સંદેશ ટુકડાઓમાં જાણવા કરતાં એકસાથે જાણવો વધુ સારો. એટલે ટોલ્સ્ટોયની આત્મકથામાં સોલોમનવાળું જે લખાણ છે એની વિગતે અને સળંગ વાત આવતા અંકે કરીશું. એ દરમિયાન આ લેખમાં ટાંકવામાં આવેલા ત્રણેય મહારથીઓ - સોક્રેટિસ, શોપનહોઅર અને સોલોમન - સરવાળે ભલે એવું કહેતા હોય કે જીવન દુઃખમય અને મિથ્યા છે તો પણ, એમના આ અભિપ્રાય છતાં, તમે તમારી રીતે વિચારો આ જ દુઃખમય-મિથ્યા જીવનને સુખી અને સાર્થક બનાવવા શું શું કરી શકાય?

સૌથી મહત્ત્વનું આ છેઃ જાતમહેનત, આત્મમંથન. અહીં ટોલ્સ્ટોયની તેમજ અન્ય વિચારકોની વાતો આલેખવામાં આવે છે એની પાછળનો પણ છેવટનો હેતુ તો એ જ છે કે વાંચનાર જાતે વિચારે.

તો સોચોઃ લાઈફ કો બ્યૂટીફુલ ઔર મીનિંગફુલ કૈસે બનાઈ જાય?

આ સવાલમાં તમે ક્યાંક અટકશો તો પછી આગળ ઉપર ટોલ્સ્ટોયનું માર્ગદર્શન તમને મળવાનું જ છે, પણ એ પહેલાં થોડું જાતે મથવું.