અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં મિલવૌકી શહેરની શેરીઓમાં 22 જુલાઈ, 1991ના રોજ અચાનક એક યુવાન ચીસ પાડતો પાડતો રસ્તા પર દોડી રહ્યો હતો. તેના ચહેરા અને કપડાં પર લોહીના ડાઘ હતા અને તેના હાથમાં એક હાથકડી લટકતી હતી.

રસ્તા પર દોડી રહેલી આ વ્યક્તિનું નામ ટ્રેસી એડવર્ડ્સ હતું. એડવર્ડ્સ હાંફતો હાંફતો પોલીસ સ્ટેશન પર દોડ્યો અને ત્યાં પહોંચીને તેણે એક અધિકારીને કહ્યું, `તેણે મને મારી નાખવાનો પ્રયાસ કર્યો! તે મને તેના ઘરમાં બાંધીને રાખવા માંગતો હતો!' તેની ધ્રૂજતી આંગળી એક સાધારણ એપાર્ટમેન્ટ તરફ ઈશારો કરી રહી હતી જ્યાં `જેફરી ડામર' નામનો માણસ રહેતો હતો. જેફરી ડામર બહારથી તો એક સામાન્ય વ્યક્તિ હતો અને એવું કંઈ નહોતું કે જે તેને ખતરનાક બનાવે, પરંતુ જ્યારે પોલીસે જેફરી ડામરના એપાર્ટમેન્ટનો દરવાજો ખોલ્યો, ત્યારે તેમની સામે જે દૃશ્ય આવ્યું તે કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપાવી દેનારું હતું.

ઘરની અંદરનું દૃશ્ય કોઈ દુઃસ્વપ્નથી ઓછું નહોતું. ઘરના બેડરૂમમાં એક ટેબલ પર પોલરોઇડ ફોટા પથરાયેલા હતા, જેમાં વિકૃત શરીર, ખોપરી અને ભયાનક દૃશ્યો કેદ કરવામાં આવ્યાં હતાં. જ્યારે પોલીસકર્મીઓએ ઘરના રસોડામાં રહેલું રેફ્રિજરેટર ખોલ્યું ત્યારે તેમનો જીવ અધ્ધર થઈ ગયો. ફ્રીઝમાં એક તાજું કપાયેલું માનવ માથું હતું. ફ્રીઝરમાં થીજી ગયેલાં હૃદય, સ્નાયુઓ અને માનવ શરીરના અન્ય અવયવો સ્પષ્ટપણે દેખાતા હતા. ઓરડાના એક ખૂણામાં સડેલા શબના ટુકડાઓથી ભરેલું વાદળી ડ્રમ હતું અને તેમાંથી આવતી દુર્ગંધ હવામાં ફેલાઈ રહી હતી. આ જેફરી ડામરનું ઘર હતું. એક એવો માણસ કે જેણે 17 યુવાનોના જીવ લીધા હતા અને તેમના મૃત શરીર સાથે જે કર્યું હતું એ સાંભળવામાં પણ અત્યંત ભયાનક છે, પણ આ ખૂની વાર્તા અહીંથી શરૂ થતી નથી. આ વાર્તા ઘણા સમય પહેલાં શરૂ થાય છે. એક માસૂમ બાળકના જીવનથી કે જે ધીમે ધીમે એક ભયાનક નરભક્ષી રાક્ષસમાં ફેરવાઈ ગયો.

જેફરી લિયોનેલ ડામરનો જન્મ 21 મે, 1960ના રોજ મિલવૌકી, વિસ્કોન્સિનમાં થયો હતો. તેના પિતા લિયોનેલ ડામર એક પ્રખ્યાત રસાયણશાસ્ત્રી હતા કે જે હંમેશાં પોતાના કામમાં જ વ્યસ્ત રહેતા હતા અને તેની માતા જોયસ ડામર એક ગૃહિણી હતી કે જે તેનાં બાળકોની સંભાળ રાખતી હતી. જેફરીનો એક નાનો ભાઈ પણ હતો કે જેનું નામ ડેવિડ હતું. શરૂઆતનાં વર્ષોમાં જેફરી એક ખુશખુશાલ અને જિજ્ઞાસુ બાળક હતો, પણ જ્યારે તે છ વર્ષનો થયો, ત્યારે તેના જીવનમાં પહેલો મોટો ફેરફાર આવ્યો. તેને ડબલ હર્નિયા સર્જરી કરાવવી પડી. તે ફક્ત એક નાનું ઓપરેશન જ હતું, પરંતુ તે પછી જેફરીનું વર્તન બદલાઈ ગયું. તે શાંત અને અંતર્મુખી બની ગયો. તેને મિત્રો બનાવવામાં મુશ્કેલી પડી અને તે એકલા રમવામાં વધુ સમય વિતાવવા લાગ્યો.

તે જ સમય દરમિયાન તેનાં માતા-પિતા વચ્ચેના સંબંધોમાં તિરાડો પડવા લાગી. લાયોનેલ અને જોયસ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેફરીનું વિચિત્ર વર્તન તેની કિશોરાવસ્થામાં શરૂ થયું હતું. તેને મૃત પ્રાણીઓમાં રસ પડ્યો. તે રસ્તા પરથી મૃત પ્રાણીઓ જેમ કે ખિસકોલી, ઉંદરો કે નાના પક્ષીઓ ઉપાડીને ઘરે લાવતો. પહેલાં તે તેમના શરીરને જોતો, પછી તેમને કાપી નાખતો અને હાડકાં અલગ કરતો. જેફરી પ્રાણીઓનાં હાડકાં એસિડમાં ઓગાળતો. તેના પિતા કેમેસ્ટ્રીમાં નિષ્ણાત હતા. જેફરી તેના પિતા પાસે રસાયણશાસ્ત્રનાં પુસ્તકો માંગતો અને પછી તેમાંથી શીખીને પ્રયોગો કરતો. આ તેની બીમાર માનસિકતાની પહેલી નિશાની હતી.

હાઇસ્કૂલમાં જેફરીનું વર્તન વધુ ખરાબ થયું. તેણે દારૂ પીવાનું શરૂ કર્યું અને ઘણીવાર શાળાએ નશામાં જ જતો. તેણે વર્ગમાં પોતાનું વ્યક્તિત્વ એક જોકર તરીકેનું બનાવવાનો પ્રયાસ કર્યો. રમૂજી અવાજો કરતો અથવા નાટક કરતો, પણ તેનાથી તેને મિત્રો બનાવવામાં મદદ મળી નહીં. તેણે 1977માં રિવર હાઇ સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી, પરંતુ તેના ગ્રેડ નબળા હતા. તે જ વર્ષે તેનાં માતા-પિતાનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો. 1978માં તેમના છૂટાછેડા થયા. જોયસ તેના નાના દીકરા ડેવિડ સાથે નીકળી ગઈ અને લિયોનેલ પણ થોડા સમય માટે ઘરેથી નીકળી ગયો. જેફરી એકલો પડી ગયો. 18 વર્ષનો છોકરો કે જેનો હવે કોઈ પરિવાર નહોતો, કોઈ મિત્રો નહોતા અને કોઈ ધ્યેય પણ નહોતું.

આ એકલતામાં જ તેણે પહેલું ખૂન કર્યું. જૂન 1978માં સ્ટીવન હિક્સ નામના એક ટૂરિસ્ટ કે જે તેના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેને લિફ્ટની જરૂર હતી. જેફરીએ તેને પોતાના ઘરે આમંત્રણ આપ્યું. બંનેએ થોડા કલાકો સાથે વિતાવ્યા. જ્યારે હિક્સ નીકળવા લાગ્યો, ત્યારે જેફરી ગુસ્સે થયો. તેણે ડમ્બલ ઉપાડ્યું અને હિક્સના માથા પર જોરથી માર્યું. હિક્સનું તાત્કાલિક મૃત્યુ થયું. આ પછી જેફરીએ શરીરના ટુકડા કરી નાખ્યા. તેણે હાડકાં એસિડમાં ઓગાળી દીધા. આ તેની પહેલી હત્યા હતી. આ પછી તે ઘણાં વર્ષો સુધી શાંત રહ્યો, પરંતુ તેના મનમાં કંઈક ભયંકર વિચાર ચાલી રહ્યો હતો.

પહેલી હત્યા પછી જેફરીનું જીવન નિયંત્રણ બહાર થઈ ગયું. તેણે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ દારૂના વ્યસનને કારણે તેને અભ્યાસ છોડી દેવાની ફરજ પડી. ફક્ત બે સેમેસ્ટર પછી તેને કાઢી મૂકવામાં આવ્યો. તેના પિતાએ તેમને શિસ્તબદ્ધ કરવા માટે 1979માં સેનામાં ભરતી કરાવ્યો. જેફરીને તબીબી તાલીમ આપવામાં આવી હતી અને તેને સેનામાંથી જર્મનીમાં મોકલવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ તેણે પોતાની દારૂ પીવાની આદત છોડી ન હતી. સાથી સૈનિકોએ પાછળથી અહેવાલ આપ્યો કે જેફરી ઘણીવાર એકલો રહેતો હતો અને નશામાં હોય ત્યારે વિચિત્ર વાતો કરતો હતો. 1981માં તેને સેનામાંથી હાંકી કાઢવામાં આવ્યો.

આર્મીમાંથી છૂટા થયા પછી જેફરી મિલવૌકી પાછો ફર્યો અને તેની દાદી સાથે રહ્યો. તેનાં દાદી કેથરિન ડામર એક ધાર્મિક અને દયાળુ મહિલા હતાં. તેણીએ જેફરીને સાચા રસ્તે પાછો લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીને ખ્યાલ નહોતો કે તેનો પૌત્ર કેટલો ખતરનાક બની ગયો છે! શરૂઆત જેફરીએ યુ.એસ.માં કેટલીક નાની-મોટી નોકરીઓ કરી હતી. ક્યારેક ફેક્ટરીમાં કામ કરતો હતો, ક્યારેક સેન્ડવિચની દુકાનમાં, પણ તેનું મન બીજે ક્યાંક હતું.

1987માં તેણે ફરીથી હત્યા કરવાનું શરૂ કર્યું. આ વખતે તેની પદ્ધતિ પહેલાં કરતાં વધુ વ્યવસ્થિત અને ભયાનક હતી. તે બાર, બસસ્ટોપ અથવા શેરીઓમાં એકલા યુવાનોને શોધતો. તેમાંના મોટાભાગના પીડિતો ગરીબ અને લઘુમતી સમુદાયોના હતા જેમ કે આફ્રિકન-અમેરિકન અથવા એશિયન. તે તેમને પૈસા, દારૂ કે મિત્રતાની લાલચ આપતો. તે તેમને પોતાના ઘરે લાવતો અને તેમના પીણાંમાં ઊંઘની ગોળીઓ અથવા ડ્રગ્સ ભેળવી દેતો. જ્યારે તેઓ બેભાન થઈ જતા ત્યારે તે તેમનું ગળું દબાવી દેતો.

જેફરીનો ખરો ખેલ હત્યા પછી શરૂ થતો. તે મૃતદેહો પર નેક્રોફિલિયાનો અભ્યાસ કરતો - એટલે કે તે તેમના મૃત શરીર સાથે સેક્સ કરતો અને પછી તે શરીરને કાપી નાખતો. તે કેટલાક ભાગો રાંધીને ખાતો, ખાસ કરીને હૃદય, સ્નાયુઓ અને યકૃત.

તેણે પોલીસને કહ્યું કે તેનું માનવું છે કે આમ કરવાથી મૃત્યુ પામનાર તેના પોતાના શરીરમાં હંમેશા જીવંત રહેશે. તે બાકીના ભાગોને એસિડમાં ઓગાળી નાખતો અથવા સુરક્ષિત રીતે રાખતો. તેણે કેટલીક ખોપરીઓ સાફ કરી અને તેનાથી પોતાનું ઘર સજાવ્યું. તેણે મૃતકોના ફોટા પણ લીધા. તેમના મૃત્યુ પહેલાં, તેમના મૃત્યુ પછી અને તેમના ટુકડા કરતી વખતે.

જેફરી ડામરે કેટલાક પીડિતો પર ભયાનક પ્રયોગો પણ કર્યા. તે તેમના મગજમાં કાણાં પાડતો અને તેમાં એસિડ અથવા ગરમ પાણી રેડતો. જેફરીનું ધ્યેય તેમને જીવંત રાખવાનો હતો, પણ તેના પોતાના નિયંત્રણ હેઠળ જેફરી તેમને એક પ્રકારના `ઝોમ્બી' બનાવવા માગતો હતો. મોટાભાગના કિસ્સાઓમાં પ્રયોગ નિષ્ફળ રહ્યો અને પીડિતો મૃત્યુ પામ્યા. એકવાર તેણે કહ્યું હતું કે પીડિતની ખોપરીમાં એસિડ રેડ્યા પછી તે થોડા સમય માટે જીવતો રહ્યો, પણ પછી તે મરી ગયો.

જેફરીએ હત્યાનો સિલસિલો 1987થી 1991 સુધી ચાલુ રાખ્યો. જેફરી ડામરની વાર્તામાં એવા ઘણા કિસ્સાઓ હતા જ્યારે તે પકડાઈ શક્યો હોત, પરંતુ પોલીસની બેદરકારીએ તેને બચાવી લીધો. સૌથી પ્રખ્યાત કેસ મે 1991નો છે. 14 વર્ષનો કોનેરાક સિન્થાસોમ્ફોન ડામરના એપાર્ટમેન્ટમાંથી ભાગી ગયો. તે નગ્ન અવસ્થામાં હતો, તેના શરીર પર લોહી હતું અને નશામાં ધૂત હતો. રસ્તા પર બે આફ્રિકન-અમેરિકન મહિલાઓ સેન્ડ્રા સ્મિથ અને નિકોલ ચાઇલ્ડ્રેસે તેને જોયો. તેણે તરત જ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે આ છોકરો ખતરામાં છે. પોલીસ આવી અને તે જ ક્ષણે ડામર પણ ત્યાં પહોંચી ગયો. તેણે પોલીસને જણાવ્યું કે કોનેરાક તેનો 19 વર્ષનો બોયફ્રેન્ડ હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે કોનેરાકની ઉંમર અને તેની સાથેના સંબંધ વિશે ખોટું બોલ્યો. પોલીસે તેનું નિવેદન સ્વીકાર્યું. જ્યારે તેઓ જેફરી ડામરના એપાર્ટમેન્ટમાં ગયા, ત્યારે તેમને એક વિચિત્ર ગંધ આવી. પાછળથી ખબર પડી કે ગંધ ડામરના બેડરૂમમાં પડેલા એક મૃતદેહમાંથી આવી રહી હતી, પરંતુ પોલીસે લાંચ લઈને આ વાતને અવગણી અને કોનેરાકને ડામરને સોંપી દીધો. થોડા કલાકો પછી ડામરે કોનેરાકની હત્યા કરી. તેણે તેના શરીરને કાપી નાખ્યું અને ખોપરી પોતાની પાસે રાખી.

આ ઘટના બાદ મિલવૌકી પોલીસને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. લોકોએ કહ્યું કે પોલીસે કોનેરાકને ગંભીરતાથી લીધો ન હતો, કારણ કે મૃતક લઘુમતી સમુદાયનો હતો અને જેફરી ગોરો હતો. આનાથી અમેરિકામાં વંશીય ભેદભાવ અને પોલીસની નિષ્ફળતા અંગે મોટી ચર્ચા શરૂ થઈ. પોલીસે પાછળથી સ્વીકાર્યું કે તેમની તપાસમાં ખામીઓ રહી હતી. જો તે દિવસે યોગ્ય પગલાં લેવામાં આવ્યાં હોત, તો કોનેરાક અને ત્યારબાદના ઘણા પીડિતોને બચાવી શકાયા હોત.

1988માં બીજો એક પ્રસંગ આવ્યો, જ્યારે ડામરની 13 વર્ષના છોકરાને ફસાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. તેણે છોકરાને પોતાના ઘરે બોલાવ્યો અને તેના અશ્લીલ ફોટા પાડ્યા. ડામરને કસ્ટડીમાં લેવામાં આવ્યો, પરંતુ કોર્ટે તેને ફક્ત એક વર્ષની જેલ અને પાંચ વર્ષની પ્રોબેશનની સજા ફટકારી. જેલમાં હોવા છતાં તે બહાર નીકળીને પોતાના ગુનાઓ ચાલુ રાખવાની યોજના બનાવતો રહ્યો.

22 જુલાઈ, 1991ના રોજ ડામરનો અંત આવ્યો. ટ્રેસી એડવર્ડ્સના બયાન બાદ જેફરી ડામરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન તેણે પોતાના બધા ગુના કબૂલ કર્યા. તેણે કહ્યું કે તેણે 1978થી 1991 દરમિયાન 17 હત્યાઓ કરી હતી. તેણે પોતાની પદ્ધતિઓ વિગતવાર સમજાવી. કેવી રીતે તે પીડિતોને શોધતો, તેમને મારી નાખતો અને તેમના મૃતદેહોનો નિકાલ કરતો. તેણે કહ્યું કે તેને નરભક્ષણથી સંતોષ મળે છે. તેના શબ્દો સાંભળીને પોલીસકર્મીઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા.

1992માં ડામર પર 15 હત્યાઓનો કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટમાં તેણે દાવો કર્યો કે તે માનસિક રીતે બીમાર છે અને તેનાં કાર્યો પર કાબૂ રાખી શકતો નથી, પરંતુ મનોવૈજ્ઞાનિકોએ તેને સ્વસ્થ જાહેર કર્યો. ટ્રાયલ દરમિયાન પીડિતોના પરિવારજનો કોર્ટમાં હાજર હતા. જ્યૂરીએ ડામરને દોષિત ઠેરવ્યો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જે કુલ 957 વર્ષની હતી. ન્યાયાધીશે કહ્યું, `આ સજા એવી છે કે તમે ક્યારેય બહાર ન આવી શકો.'

ડામરને કોલંબિયા કરેક્શનલ ઇન્સ્ટિટ્યૂશન, વિસ્કોન્સિન મોકલવામાં આવ્યો. તેને જેલમાં ખાસ સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો હતો, કારણ કે અન્ય કેદીઓને તે નિશાન બનાવી શકે છે. તે મોટાભાગે એકલો જ રહેતો, પરંતુ જેલમાં તેનું જીવન લાંબું ટકી શક્યું નહીં. 28 નવેમ્બર, 1994ના રોજ બીજા કેદી ક્રિસ્ટોફર સ્કાર્વરે તેના પર હુમલો કર્યો. સ્કાર્વર પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તેણે જેલમાં ડામરને લોખંડના સળિયાથી માર્યો, જે બાદ જેફરી ડામરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અને એક ભયાનક ખૂનીના જીવનનો અંત આવ્યો.