1945માં અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં ક્રિસમસની રાત્રે એક એવી ઘટના બની કે જેનો ઉલ્લેખ આજે પણ ક્યાંય જોવા મળે તો વાંચનારને શરીરમાં કંપારી છૂટી જાય છે. જ્યોર્જ સોડર નામનો એક માણસ તેની પત્ની જેની સોડર અને 10 બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી રહ્યાં હતાં. દરેકના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી, પણ કોણ જાણતું હતું કે આ રાત એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ જશે. એક એવું દુઃસ્વપ્ન કે જે આજે પણ એક વણઉકેલાયેલ રહસ્ય રહ્યું છે.

બન્યું એવું કે ક્રિસમસની રાત્રે લગભગ 1 વાગ્યાનો સમય હતો જ્યારે અચાનક ઘરમાં આગ લાગી. જ્યોર્જ અને જેની તેમનાં ચાર બાળકો સાથે બહાર દોડી ગયાં, પરંતુ ઉપરના માળે રૂમમાં સૂતાં પાંચ બાળકો કાયમ માટે ગાયબ થઈ ગયાં. ન તો તેમનાં હાડકાં ક્યારેય મળ્યાં કે ન તો કોઈ અન્ય પત્તો લાગ્યો. શું તે ખરેખર આગમાં બળી ગયાં હતાં કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું? શું આ આગ ખરેખર અકસ્માત હતો કે પછી ખાસ આયોજનથી લગાવવામાં આવી હતી? આ ફક્ત એક વાર્તા નથી, પણ એક રહસ્ય છે જે હજુ પણ દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. ચાલો આ વણઉકેલાયેલા રહસ્યના દરેક પાસાને સમજવાનો પ્રયાસ કરીએ.

જ્યોર્જ સોડર એક મહેનતું ઇટાલિયન ઇમિગ્રન્ટ હતો કે જે ઇટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલિનીનો સખત વિરોધ કરી રહ્યો હતો. આ જ કારણ હતું કે તેમને ઇટાલી છોડીને અમેરિકા રહેવાની ફરજ પડી હતી. ઇટાલિયન સરમુખત્યાર વિરુદ્ધ ખુલ્લેઆમ બોલવાથી તેમના માટે મુશ્કેલી ઊભી થઈ શકતી હતી, પરંતુ તે ડર્યા વગર વિરોધ પ્રદર્શનની આગેવાની કરતો. અમેરિકામાં તે ટ્રકિંગનો વ્યવસાય કરતો હતો અને સદ્ભાગ્યે તેનું પોતાનું ઘર પણ હતું. તેની પત્ની જેની સોડર એક ગૃહિણી હતી કે જેણે પોતાનાં બાળકોને પ્રેમ અને શિસ્તથી ઉછેર્યાં હતાં. 24 ડિસેમ્બર, 1945ના રોજ ક્રિસમસની આગલી સાંજે સોડરનાં બાળકો તેમનાં નવાં રમકડાં સાથે રમી રહ્યાં હતાં. રાત પડે છે અને પાંચેય બાળકો ઉપરના માળના રૂમમાં જાય છે અને પોતાના પલંગ પર સૂઈ જાય છે. લગભગ રાત્રે 1 વાગ્યાની આસપાસ જેનીને ઘરમાં ધુમાડાની ગંધ આવે છે. જ્યારે તે જોવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે કોઈ કારણોસર રસોડામાં આગ લાગી ગઈ છે. જ્યોર્જ અને જેની તેમનાં ચાર બાળકો સાથે ઘરની બહાર ભાગી જાય છે, પરંતુ ઉપરના માળે સૂતાં પાંચ બાળકો અંદર જ રહે છે.

ઉપરના માળે સૂતેલાં પાંચ બાળકોને બચાવવા માટે જ્યોર્જે દરેક શક્ય પ્રયાસ કર્યો. જ્યારે જ્યોર્જ સોડર બીજા માળની બારી તરફ દોડી ગયો, ત્યારે તેણે જોયું કે ઘરની બહાર લગાવવામાં આવેલી સીડી તેની જગ્યાએથી ગાયબ હતી. પછી તેણે વિચાર્યું કે તે બારી સુધી પહોંચવા માટે તેણે તેના કોલસા ભરેલી ટ્રકનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જ્યારે તેણે ઇગ્નિશન ચાલુ કર્યું, ત્યારે ટ્રક ચાલુ ન થઈ અને બીજી ટ્રક પણ કામ ન આવી. ત્યાં હાજર લોકોએ ફાયર વિભાગને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં જ્યારે કોઈક રીતે ફાયર ચીફનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે પણ ફાયર બ્રિગેડ અકસ્માતના કલાકો પછી ઘટનાસ્થળે પહોંચી હતી. બધાએ વિચાર્યું કે કોઈ કારણસર ઘરમાં આગ લાગી ગઈ, જેમાં પાંચ બાળકો બળીને મૃત્યુ પામ્યાં અને આ દુનિયા છોડી ગયાં, પણ આ કેસ જોવા અને સાંભળવામાં જેટલો સામાન્ય લાગતો હતો, તેટલો જ જટિલ પણ હતો.

બીજા દિવસે સવારે જ્યારે તપાસ શરૂ થઈ, ત્યારે અધિકારીઓએ પણ આવું જ નિવેદન આપીને કેસ બંધ કરી દીધો. તેમણે કહ્યું કે આગને કારણે બાળકો બળીને મરી ગયાં, પરંતુ આ વાત બધાની સમજની બહાર હતી, કારણ કે માનવ શરીરનાં હાડકાં 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ રાખમાં ફેરવાઈ શકતાં નથી. ખાસ કરીને હાડકાના તે ભાગો કે જેમાં કેલ્શિયમ હોય છે, જેમાં માનવ દાંતનો પણ સમાવેશ થાય છે, તે ભઠ્ઠીની અંદર પણ રાખમાં ફેરવાતા નથી. તો એવું કેવી રીતે બન્યું કે સોડરના ઘરમાં લાગેલી આગમાં એક નહીં, બે નહીં, પણ પાંચ બાળકોનાં હાડકાં કે દાંતના અવશેષો ન મળી આવ્યા? પાછળથી ફોરેન્સિક તપાસમાં પણ પુષ્ટિ મળી કે આગનો સમયગાળો એટલો લાંબો ન હતો કે તે હાડકાંને રાખમાં ફેરવી શકે. આ ખૂબ જ આઘાતજનક હતું, તેથી જ સોડર પરિવારે તપાસ રિપોર્ટને તાત્કાલિક નકારી કાઢ્યો. તપાસ ટીમે જણાવ્યું હતું કે આગનું કારણ રસોડામાં શોર્ટ સર્કિટ હતું, પરંતુ જ્યોર્જ સોડરે કહ્યું કે તેમણે તાજેતરમાં જ બધાં વાયરિંગ નવાં કરાવ્યાં છે અને તેમાં કોઈ ખામી હોવાનો પ્રશ્ન જ નથી.

જ્યારે જ્યોર્જ સોડરે અકસ્માતની ક્ષણોને યાદ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને કેટલીક વસ્તુઓ યાદ આવી જે કંઈક ખોટું થયું હોવા તરફ ઈશારો કરતી હતી. આગ લાગી ત્યારે, જ્યારે તે ફાયર બ્રિગેડને ફોન કરવા માટે ફોન પાસે ગયો, ત્યારે વાયર કપાયેલો હતો અને તપાસમાં એ પણ સાબિત થયું કે સોડરના ઘરની ફોનલાઇન ખરેખર બહારથી કોઈએ કાપી હતી, કારણ કે ફોનલાઇન જ્યારે અકસ્માતે તૂટે છે ત્યારે તેની ધાર સીધી હોતી નથી, પરંતુ જ્યારે કોઈ ધારદાર વસ્તુથી તારને કાપવામાં આવે છે ત્યારે ધાર એકદમ સીધી દેખાય છે. જેની સોડરને પાછળથી યાદ આવ્યું કે બરાબર 12:30 વાગ્યે ઘરનો ફોન વાગ્યો અને બીજી બાજુ એક મહિલા હતી જે જોરથી હસતી હતી,

જેના પર જેનીએ કહ્યું કે તે રોંગ નંબર છે અને કોલ કાપી નાખ્યો. જો ફોનલાઇન 1 વાગ્યે કપાઈ ગઈ હોય અને તેના પર અડધો કલાક પહેલાં જ કોઈ વિચિત્ર ફોન આવ્યો હોય, તો તેનો અર્થ એ થયો કે આગ ફાટી નીકળવાના અડધા કલાક પહેલાં ફોનલાઇન કપાઈ ગઈ હતી.

આ રાત વિચિત્ર ઘટનાઓથી ભરેલી હતી. પહેલાં ફોન કોલ અને આગ લાગવાની થોડી મિનિટો પહેલા, જેનીએ છત પર કંઈક પડવાનો અવાજ સાંભળ્યો. જ્યારે તેને આગળ કંઈ સંભળાયું નહીં ત્યારે જેની ફરીથી સૂઈ ગઈ અને થોડીવાર પછી તેણીને ધુમાડાની ગંધ આવી. આ ઉપરાંત જ્યોર્જ જે સીડી રાખતો હતો તે અકસ્માત સમયે ત્યાંથી ગાયબ હતી અને તે ઘરથી દૂર એક ખેતરમાંથી મળી આવી હતી. આગલા દિવસ સુધી સંપૂર્ણ રીતે કામ કરી રહેલી જ્યોર્જની બંને ટ્રક આગ દરમિયાન કેવી રીતે ખરાબ થઈ ગઈ અને ચાલુ જ ન થઈ? આ બધાંના કારણે જ્યોર્જ સોડરની શંકા માન્યતામાં ફેરવાઈ ગઈ કે તેનાં બાળકો મૃત્યુ પામ્યાં નથી, પણ તેમનું અપહરણ કરવામાં આવ્યું છે, પરંતુ આટલા ઘોંઘાટ વચ્ચે કોઈ તેમને લઈને કેવી રીતે ભાગી શક્યું?

જ્યારે તપાસના જવાબો મળતા રહ્યા, ત્યારે વાર્તા સર્જાઇ કે અકસ્માતના થોડા મહિના પહેલાં એક વીમા એજન્ટ જ્યોર્જ સોડર પાસે આવ્યો હતો અને તેને ઘર વીમો ખરીદવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે સોડરે વીમો ખરીદવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, ત્યારે તેણે સોડરને ધમકી આપતાં કહ્યું, `જ્યારે તમારા ઘરમાં આગ લાગશે ત્યારે તમને આ વાતનો ખ્યાલ આવશે.' શું તે સમયે કોઈએ આગનો ઉપયોગ લોકોનું ધ્યાન ભટકાવવા અને બાળકોનું અપહરણ કરવા માટે કર્યો હતો? બીજો સિદ્ધાંત એ છે કે ઇટાલિયન સરમુખત્યાર મુસોલિનીની જ્યોર્જ સાઉડરની સ્પષ્ટ ટીકાને ઇટાલિયન માફિયાઓએ સારી રીતે સ્વીકારી ન હતી. આ કારણોસર ઇટાલિયન માફિયાઓએ તેને પોતાનું નિશાન બનાવ્યું અને તેનાં બાળકોને પોતાના નિયંત્રણમાં લઈ લીધાં.

કેટલાક લોકોએ આગ પછી વિવિધ સ્થળે સોડર બાળકોને જોયાં હોવાનો દાવો પણ કર્યો હતો. એક મહિલાએ કહ્યું કે તેણે એક હોટલમાં એક અજાણ્યાં યુગલ સાથે બાળકોને જોયાં, જ્યારે અન્ય અહેવાલો કહે છે કે તેમને કારમાં લઈ જતાં જોવા મળ્યાં હતાં. આટલા બધા લોકો, આટલાં બધાં મંતવ્યો એ વાતની પુષ્ટિ થઈ ગઈ હતી કે સોડરનાં બાળકો આગને કારણે મૃત્યુ પામ્યાં નથી, તો પછી તેઓ ક્યાં ગયાં? અકસ્માતના એક વર્ષ પછી કેટલાક નવા પુરાવા પ્રકાશમાં આવે છે. તપાસ ટીમ, જેણે અગાઉ કહ્યું હતું કે શોર્ટ સર્કિટ આગનું કારણ હતું, તે ખોટું સાબિત થયું.

નવી તપાસમાં જાણવા મળ્યું છે કે આગ જાણીજોઈને લગાવવામાં આવી હતી. તે સમયે એક બસ ડ્રાઈવર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જેણે કહ્યું કે તેણે કેટલાક લોકોને આગના ગોળા જેવું કંઈક ફેંકતા જોયા. થોડા મહિના પછી જ્યારે બરફ પીગળી ગયો ત્યારે ઘરની નજીક એક ગોળ રબર જેવી વસ્તુ મળી આવી જેને પાઈન બોમ્બ કહેવાય છે. આગ શરૂ થાય તેની થોડી મિનિટો પહેલાં જેનીને છત પર કંઈક પડવાનો અવાજ યાદ આવ્યો. કદાચ તે આ પાઇન બોમ્બ હતો. જ્યોર્જ અને જેની આ રહસ્યના જવાબો શોધવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે, કોઈ કસર છોડતાં નથી અને શક્ય તેટલાં બધાં પગલાં લે છે. તેણે ગુમ થયેલાં બાળકોનાં ચિત્રો અને ઈનામનું વચન ધરાવતું એક મોટું બિલબોર્ડ બનાવ્યું. લગભગ 20 વર્ષ પછી 1960માં જેનીને એક પત્ર મળે છે. આ પત્રમાં એક માણસનો ફોટોગ્રાફ હતો, જે તેના પુત્ર લુઇસ જેવો જ દેખાતો હતો. તેમાં લખ્યું હતું કે, `લુઇસ સોડર, હું ભાઈ ફ્રેન્કીને પ્રેમ કરું છું.' શું આ પત્ર ખરેખર પાંચ ગુમ થયેલાં બાળકોમાંથી કોઈ એકે લખ્યો હતો કે પછી મજાક હતી?

જ્યોર્જ અને જેનીએ પત્રની તપાસ કરવા માટે એક ખાનગી ડિટેક્ટિવ રાખ્યો, પરંતુ લુઇસ સોડરનો કોઈ પત્તો લાગ્યો નહીં. એક પછી એક વર્ષો વીતી ગયાં, પણ આ રહસ્ય ઉકેલાઈ શક્યું નહીં. જ્યોર્જ સોડરનું 1969માં અવસાન થયું. જેની અને તેનાં બચી ગયેલાં બાળકોએ તેમના ગુમ થયેલાં ભાઈ-બહેનો વિશે જવાબો શોધવાનું ચાલુ રાખ્યું. જ્યોર્જના મૃત્યુ પછી જેનીએ પરિવારનું ઘર છોડ્યું નહીં. તેણે ઘરની આસપાસ વાડ લગાવી અને નવા રૂમ બનાવ્યા. તેણીના બાકીના જીવન દરમિયાન તેણી હંમેશાં શોકમાં કાળાં કપડાં પહેરતી હતી. 1989માં જેનીના મૃત્યુ પછી પરિવારે આખરે ગુમ થયેલાં બાળકો માટે લગાવવામાં આવેલ જૂનું અને જર્જરિત બિલબોર્ડ ઉતારી નાખ્યું. શું આ બાળકો કોઈ દુર્ઘટનાનો ભોગ બન્યાં હતાં કે કોઈ મોટા ષડ્યંત્રનો ભાગ હતાં? આ એક એવું રહસ્ય છે જે કદાચ ક્યારેય ઉકેલાશે નહીં.