સમોસાં ચાટ
સામગ્રી : 2 નંગ બાફેલા બટાકા, 2 નંગ લીલાં મરચાં, ૩ નંગ ઝીણી સમારેલી ડુંગળી, 5 ચમચી બાફેલા વટાણા, કોથમીર, મીઠું, આમચૂર પાઉડર, તળવા માટે તેલ, અજમો, ઘઉંનો લોટ, કોથમીર-મરચાંની ચટણી, તીખી ચટણી, ઝીણી સેવ
રીત : સૌ પ્રથમ બાફેલા બટાકાને મેશ કરી લો. પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં લીલાં મરચાં, જીરું, ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા વટાણા નાખી હલાવો. હવે મેશ કરેલા બટાકા નાખી હલાવો. ત્યારબાદ તેમાં મીઠું, આમચૂર પાઉડર, લાલ મરચું નાખી સ્ટફિંગ તૈયાર કરી લો. એક તાસકમાં ઘઉંનો લોટ, તેમાં તેલ, અજમો નાખી નરમ કણક બાંધો. હવે કણકમાંથી રોટલી વણી, વચ્ચે કાપો પાડી, સ્ટફિંગ ભરી, સમોસાં બનાવો. પછી કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બધાં સમોસાં તળી લો. એક પ્લેટમાં સમોસાંને દબાવીને મૂકો. તેના પર કોથમીર-મરચાની ચટણી, તીખી ચટણી, ઝીણી સેવ, ઝીણી સમારેલી ડુંગળી નાખો.
આલુ પનીર કોફતા
સામગ્રી : 2 નંગ બાફેલા બટાકા, 50 ગ્રામ પનીર, 2 લીલાં મરચાં, કોથમીર, 2 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી ચિલી ફ્લેક્સ, ચીઝ, મીઠું, તળવા માટે તેલ, 2 ચમચી ચાટમસાલો
રીત : સૌ પ્રથમ બાફેલા બટાકાને મેશ કરી બાઉલમાં કાઢી લો. તેમાં પનીરને છીણી લો. લીલાં મરચાંના નાના કટકા કરી નાંખો. ઝીણી સમારેલી કોથમીર નાખી હલાવો. ત્યારબાદ મીઠું, ચાટમસાલો, ચિલી ફ્લેક્સ અને કોર્નફ્લોર નાખી સરખી રીતે મિક્સ કરો. પછી આમાંથી થેપલી જેવું બનાવો. તેમાં વચ્ચે ચીઝ નાંખી ચારે બાજુથી વાળી બોલ બનાવો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. બધા બોલને તેલમાં ગુલાબી તળી લો. એક વાટકીમાં ટોમેટો સોસ અને મેયોનીઝ મિક્સ કરો. આ આલુ પનીર બોલ્સને ચટણી સાથે સર્વ કરો.
ટીંડોરાં મસાલા
સામગ્રી : 250 ગ્રામ ટીંડોરાં, 50 ગ્રામ ગાંઠિયા, 1 ચમચી લીંબુનો રસ, તેલ, મીઠું, જીરું, રાઈ, હળદર, ધાણાજીરું, મરચું, 1 ચમચી લસણની પેસ્ટ
રીત : સૌ પ્રથમ ટીંડોરાંને ધોઈ, કોરાં કરી, લાંબી ચીરી કરી લો. પછી ગાંઠિયાને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો. આ ગાંઠિયાના ભુક્કામાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, નાખી ટીંડોરાં વઘારો. થોડું મીઠું નાખી ધીમા તાપે ચડવા દો. ચડી જાય એટલે બનાવેલો ગાંઠિયાનો મસાલો નાખી મિક્સ કરો. કોથમીર નાખી સર્વ કરો. પરોઠાં સાથે આ શાક સરસ લાગે છે.
કાળા અડદની દાળ
સામગ્રી : 1 વાટકી કાળા અડદ, 2 નંગ ટામેટાં, 1 મરચું, 10 કળી લસણ, 2 ચમચી મલાઈ, મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, કોથમીર
રીત : સૌ પ્રથમ કાળા અડદને ધોઈ અને 7 કલાક પલાળી રાખો. ત્યારબાદ અડદને કૂકરમાં નાખી, તેમાં મીઠું નાખી સાતથી આઠ સીટી કરી લો. હવે ચોપરમાં ટામેટાં, મરચું, લસણની કળી નાખી ચોપ કરો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ નાખી ચોપ કરેલાં ટામેટાં નાખો. હવે તેમાં થોડું મીઠું નાખી ધીમા તાપે ચડવા દો. તેલ છૂટું પડે એટલે બાફેલા અડદને થોડા મેશ કરી કડાઈમાં નાખો. હવે મરચું, હળદર, ધાણાજીરું, મીઠું નાખી હલાવો. છેલ્લે મલાઈ નાખી થોડીવાર રહેવા દો. પ્રોટીનથી ભરપૂર કાળા અડદની દાળને પરોઠાં સાથે સર્વ કરો.










