કેસર શિખંડ

સામગ્રી : 1 લિટર ફુલ ફેટ દૂધ, દળેલી ખાંડ, કાજુ, બદામ, પિસ્તાં, કેસર, 2 ચમચી મિલ્ક પાઉડર

રીત : સૌ પ્રથમ દૂધમાં મિલ્ક પાઉડર નાખી ગરમ કરો. હૂંફાળા દૂધમાં થોડી છાશનું મેળવણ નાખી મેળવો. સવાર થતાં દહીં તૈયાર હશે. આ દહીંને એક પતલા કપડામાં બાંધો. બધું જ પાણી નીતરી જાય પછી તેમાં દળેલી ખાંડ, કેસરવાળું દૂધ ઉમેરી બ્લેન્ડર ફેરવો. ત્યારબાદ કાજુ, બદામ, પિસ્તાં નાખી એક પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢી બે કલાક ફ્રીઝમા રાખો. ગરમીમાં ઠંડક આપે તેવો કેસર શિખંડ તૈયાર છે.

ઠંડાઈ મસાલો

સામગ્રી : 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 1 ચમચી મરી પાઉડર, 1 ચમચી એલચી પાઉડર, 50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ મગજતરીનાં બી, 1 ચમચી ખસખસ, 1 ચમચી પિસ્તાં, સૂકા ગુલાબની પાંદડી

રીત : આ બધી સામગ્રીને ભેગી કરી મિક્સરમાં ક્રશ કરો. તૈયાર થઈ જશે ઠંડાઈ પાઉડર. આ પાઉડર તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ ઉનાળામાં ઠંડાઈ પીવાની ઈચ્છા થાય તો દૂધમાં બે ચમચી ઠંડાઈ પાઉડર નાખી, બરફ નાખી, બ્લેન્ડર ફેરવી લો.

પ્રોટીન ઓટ્સ ચિલ્લા

સામગ્રી : 1 વાટકી મગની મોગર દાળ, અડધી વાટકી વટાણા, પાલક, અડધી વાટકી ઓટ્સ, 1 વાટકી ગાજર, કેપ્સિકમ ઝીણાં સમારેલાં, 50 ગ્રામ પનીર

રીત : સૌ પ્રથમ મગની મોગર દાળને બે કલાક પલાળી રાખો. પછી એક મિક્સર જારમાં પલાળેલી મગની દાળ, પાલક, વટાણાને ક્રશ કરી ખીરું બનાવો. આ ખીરામાં મીઠું, ઝીણાં સમારેલાં કેપ્સિકમ, ગાજર અને ઓટ્સ નાખી દો. એક નોનસ્ટિક તવી પર ખીરામાંથી નાના ચિલ્લા બનાવો. તેના પર પનીરને ખમણી ચિલ્લાને બંને બાજુએ શેકી મસાલા દહીં સાથે સર્વ કરો.

મલ્ટિગ્રેન મસાલા રોટલો

સામગ્રી : અડધી વાટકી બાજરીનો લોટ, અડધી વાટકી જુવાર, મકાઈ અને રાગીનો લોટ, અડધી વાટકી મેથીની ભાજી, 3 ચમચી લીલું લસણ, 2 ચમચી તલ, જરૂર પૂરતું દહીં, મરચું, હળદર, ધાણાજીરું, મીઠું

રીત : સૌ પ્રથમ એક તાસમાં બધા લોટને મિક્સ કરો. હવે તેમાં મેથીની ભાજી, લીલું લસણ, તલ, દહીં, મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, નાખી મિક્સ કરો. જરૂર પૂરતું પાણી નાખી લોટને મસળી રોટલો બનાવો. હવે ગેસ પર તાવડીમાં રોટલાને બંને બાજુથી શેકી લો. રોટલો થાય એટલે તેના પર ગાયનું ઘી લગાવી રોટલાને દહીં સાથે સર્વ કરો.


  • Follow us on: