મેંગો માલપૂઆ
સામગ્રી : 1 કપ કેરીનો પલ્પ, 2 કપ મેંદો, અડધી વાટકી કાજુ-બદામ-પિસ્તાંની કતરણ, જરૂર મુજબ ખાંડ, તળવા માટે તેલ, 3 તાંતણા કેસર, 5 ચમચી મિલ્ક પાઉડર, જરૂર મુજબ દૂધ
રીત : સૌ પ્રથમ એક કેરીની છાલ ઉતારી તેનો પલ્પ તૈયાર કરો. પછી એક બાઉલમાં મેંદો, મિલ્ક પાઉડર અને કેરીનો પલ્પ ઉમેરી એકરસ કરો. જરૂર લાગે તો થોડું દૂધ નાખી પૂડલા જેવું બેટર તૈયાર કરી લો. તેને થોડી વાર રહેવા દો. ત્યારબાદ એક તપેલીમાં ખાંડ અને તે ડૂબે તેટલું પાણી નાખી તેમાં કેસરના તાંતણા નાખી ગેસ પર ચાસણી તૈયાર કરી લો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. બેટરમાંથી ગોળ ચમચાથી માલપૂઆ ઉતારો. તેને બંને બાજુથી સોનેરી કરો. હવે માલપૂઆને ખાંડની ચાસણીમાં નાખી દો. થોડી વારમાં તેમાંથી કાઢી એક પ્લેટમાં રાખો. તેના પર કાજુ-બદામ-પિસ્તાંની કતરણ નાખી ગાર્નિશ કરીને સર્વ કરો.
કટોરી ચાટ
સામગ્રી : 1 બાઉલ ઘઉંનો લોટ, અડધી વાટકી ફણગાવેલા મગ, અડધી વાટકી ફણગાવેલા ચણા, અડધી વાટકી બાફેલા બટાકા, 100 ગ્રામ નાયલોન સેવ, કોથમીર-મરચાંની ચટણી, લસણની ચટણી, ખજૂર-આમલીની ચટણી, દાડમના દાણા, ચાટમસાલો, તળવા માટે તેલ
રીત : સૌ પ્રથમ ઘઉંના લોટમાં મીઠું, તેલ, નાખી નરમ કણક બાંધો. ત્યારબાદ આ કણકમાંથી નાની પૂરી વણી તેના પર ચાકુથી કટ મારો. એક નાની વાટકીમાં પાછળના ભાગ પર ગોળ ચોંટાડી દો. કડાઈમાં તેલ ગરમ કરો અને બધી વાટકી નાખી તળી લો. કટોરી તૈયાર થઈ. હવે એક બાઉલમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા, બાફેલા બટાકા નાયલોન સેવ નાખો તેના પર કોથમીર-મરચાંની ચટણી, લસણની ચટણી ખજૂર-આમલીની ચટણી નાખી ચાટમસાલો છાંટો. છેલ્લે દાડમના દાણાથી ગાર્નિશ કરો. તો ચટપટી કટોરી ચાટ આજે જ બનાવો.
સાબુદાણાના પાપડ
સામગ્રી : 2 વાટકી સાબુદાણા, 2 નંગ મોટા બટાકા, 2 ચમચી જીરા પાઉડર, 2 ચમચી ચિલી ફ્લેક્સ, મીઠું
રીત : સૌ પ્રથમ સાબુદાણાને રાત્રે એક વખત સારી રીતે ધોઈ સાતથી આઠ કલાક પલાળી રાખો. સવારે સાબુદાણામાંથી પાણી નિતારી લો. બટાકાની છાલ છોલી છીણીથી છીણી લો. ત્યારબાદ એક મોટી તપેલીમાં સાબુદાણાથી ડબલ પાણી લઈ તેમાં મીઠું, જીરું પાઉડર, ચિલી ફ્લેક્સ નાખી પાણીને ઉકળવા દો. પછી તેમાં સાબુદાણા અને બટાકાનું છીણ નાખી હલાવતા રહો. મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી હલાવો. પછી એક પ્લાસ્ટિક પર ગોળ ચમચા વડે પાપડ પાડો. સુકાઈ જાય પછી ઊલટા કરી બીજા દિવસે પણ તડકો આપો. ફરાળમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના પાપડ તૈયાર છે. તેને ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો.
ગવાર ઢોકળીનું શાક
સામગ્રી : 250 ગ્રામ ગવાર, 1 વાટકી ઘઉંનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, તેલ, મીઠું, રોજિંદા મસાલા, અજમો, 1 ચમચી લસણની પેસ્ટ
રીત : સૌ પ્રથમ એક તાસમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લો. તેમાં તેલ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખી પાણીથી લોટ બાંધવો. હવે તેને થોડીવાર રહેવા દો. પછી કૂકરમા તેલ મૂકો. તેમાં રાઈ, અજમો, લસણની પેસ્ટ નાખી ગવારનો વઘાર કરો. ત્યારબાદ લોટમાંથી નાનો લૂઓ લો. તેમાંથી પાતળી રોટલી વણો. હવે તેના નાના નાના પીસ કરી ગવારના શાકમાં નાખો. પછી મરચું, હળદર, ધાણાજીરું, મીઠું નાખી હલાવો. કૂકરની ત્રણ સીટી વગાડો. આ ગુવાર ઢોકળીનું શાકને રોટલી સાથે સર્વ કરો.










