બ્રેડ રબડી
સામગ્રી : 4 નંગ બ્રેડ, અડધો લિટર દૂધ, પા કપ ખાંડ, 1 ચમચી કોર્નફ્લોર, કાજુ, બદામ, પિસ્તાંની કતરણ, કેસરના તાંતણા, ઘી
રીત : સૌ પ્રથમ બ્રેડની ચારે બાજુની કિનારી કાપી લો. પછી એક બ્રેડના ચાર એવા ચોરસ કટ કરો. ત્યારબાદ એક તપેલીમાં દૂધને ઉકાળો. તેમાં ખાંડ નાખો. હવે એક વાટકીમાં થોડું દૂધ લેવું. તેમાં કોર્નફ્લોર નાખી હલાવી તેને પણ દૂધમાં નાખો. હલાવતા રહો. એક કડાઈમાં ઘી મૂકી તેમાં બધા બ્રેડના પીસને બંને બાજુથી ગુલાબી સાંતળી લો. પછી એક ઊંડી ટ્રેમાં પહેલાં બ્રેડને ગોઠવો. તેના પર બનાવેલી રબડી નાંખો અને છેલ્લે કાજુ, બદામ, પિસ્તાંની કતરણ નાખી, કેસરનાં તાંતણા નાખી ગાર્નિશ કરો. આ ટ્રેને ફ્રીઝરમા ઠંડી કરી સર્વ કરો.
મેંગો ફ્રૂટ કસ્ટર્ડ
સામગ્રી : 2 નંગ પાકેલી કેરી, 1 લિટર દૂધ, 3 ચમચી કસ્ટર્ડ પાઉડર, અડધી વાટકી ખાંડ, અડધી વાટકી દાડમના દાણા, અડધી વાટકી દ્રાક્ષ, કાપેલા કાજુ, બદામ, પિસ્તાં, 1 ચમચી એલચી પાઉડર
રીત : સૌ પ્રથમ કેરીની છાલ ઉતારી, એક કેરીનો મિક્સરમાં પલ્પ કરી લેવો અને બીજી કેરીના નાના પીસ કરી લેવા. પછી એક તપેલીમાં દૂધને ઉકાળી લેવું. તેમાં ખાંડ નાખી હલાવતા રહેવું. એક વાટકીમાં કસ્ટર્ડ પાઉડર લેવો. તેમાં ઠંડું દૂધ નાખી હલાવી ઉકળતા દૂધમાં નાખી હલાવી લેવું. ત્યારબાદ એલચી પાઉડર પણ નાખો. આને ઠંડું કરવા ફ્રીઝમાં મૂકી દેવું. હવે આ ઠંડું થાય એટલે તેમાં કેરીનો પલ્પ નાખી હલાવી લો. તેમાં કાપેલી કેરીના ટુકડા, દાડમના દાણા અને દ્રાક્ષ નાખી હલાવી લો. છેલ્લે કાજુ, બદામ, પિસ્તાંથી ગાર્નિશ કરીને ફરીથી ઠંડું કરી સર્વ કરો.
પરવળ સેવભાજી
સામગ્રી : 250 ગ્રામ પરવળ, 100 ગ્રામ સેવ, 2 ચમચી લસણ-મરચાંની પેસ્ટ, 1 ટામેટું, તેલ, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું
રીત : સૌ પ્રથમ પરવળને ધોઈ, છાલ ઉતારી, મીડિયમ સાઈઝના કટકા કરી લો. ત્યારબાદ ટામેટાને પણ સમારી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, લસણ-મરચાંની પેસ્ટ નાખી પરવળને વઘારો. પછી તેમાં મીઠું નાખી ધીમા તાપે ચડવા દો. પરવળ ચડી જાય પછી તેમાં ટામેટા નાખો. સાથે હળદર, ધાણાજીરું, મરચું નાખી હલાવો. છેલ્લે થોડું પાણી નાખી હલાવો. હવે સેવ નાખી હલાવી લો. શાકને પરોઠાં સાથે સર્વ કરો.
કાચી કેરીની કઢી
સામગ્રી : 1 નંગ કાચી કેરી, 2 ચમચી ચણાનો લોટ, 1 લિટર છાશ, 2 લાલ મરચાં, 1 લીલું મરચું, વઘાર માટે ઘી, લીમડો, રાઈ, જીરું, મીઠું, હળદર.
રીત : સૌ પ્રથમ કાચી કેરીની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી લો. પછી મિક્સર જારમાં કાચી કેરીના ટુકડા, ચણાનો લોટ નાખી ફેરવી લો. ત્યારબાદ એક તપેલીમાં છાશ લો. તેમાં આ મિશ્રણને નાખો. તેમાં લીલાં મરચાં, કોથમીર, મીઠું નાખી ગેસ પર થોડીવાર ઉકળવા દો. હવે એક પેનમાં ઘી મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, લાલ મરચાં નાખી ઉપરથી વઘાર કરો. તો આજે જ બનાવો કાચી કેરીની કઢી.
