પકોડી સબ્જી
સામગ્રી : 1 વાટકી મગની દાળ, 2 નંગ લીલાં મરચાં, 1 નાનો આદુંનો ટુકડો, 5 નંગ લસણની કળી, 2 નંગ ડુંગળી, 1 નંગ ટામેટાં, 10 કાજુ, 2 લવિંગ, 2 લાલ મરચાં, તળવા માટે તેલ
રીત : સૌ પ્રથમ મગની દાળને બે કલાક પલાળી રાખો. પછી એક મિક્સર જારમાં મગની દાળ, લીલાં મરચાં, આદું અને લસણ નાખી અધકચરી પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં ડુંગળી, ટામેટાં, કાજુ, લવિંગ, લાલ મરચાં ને પાણી નાખી દસ મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેને ગાળી અને મિક્સરમાં પેસ્ટ કરી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. ખીરામાંથી નાની પકોડી તળી લો. હવે ફરીથી એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી બનાવેલી પેસ્ટ નાખી સાંતળી લો. થોડું પાણી નાખી, તેમાં બનાવેલી પકોડી નાખી ઉકળવા દો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.
મેક્સિકન ફ્રેન્કી
સામગ્રી : અડધી વાટકી બાફેલા રાજમા, બે બાફેલા બટાકા, લીલાં મરચાં, તેલ, રૂટિન મસાલા, મેંદો અને ઘઉંના લોટની બાંધેલી કણક, બટર, ટોમેટો સોસ, ચિલી સોસ, લીંબુનો રસ
રીત : સૌ પ્રથમ મેંદા અને ઘઉંના લોટમાં તેલ, મીઠું નાખી નરમ કણક બાંધો. પછી કડાઈમાં બટર નાખી તેમાં લીલાં મરચાં નાખી સાંતળો. ત્યારબાદ બાફેલા રાજમા અને બટાકાને તેમાં નાંખી સારી રીતે મિક્સ કરો. છેલ્લે લીંબુનો રસ, કોથમીર, મસાલા નાખી મિક્સ કરો. પછી કણકમાંથી રોટલી બનાવી શેકી લો. આ રોટલી પર બંને સોસને સારી રીતે લગાવી તેના ઉપર પૂરણ પાથરી રોટલીને વાળી તવી પર બટર નાંખીને શેકી લો.
ચીઝ મસાલા સેવ પૂરી
સામગ્રી : 1 વાટકી મેંદો, 4 ચમચી ચોખાનો લોટ, 2 ક્યૂબ ચીઝ, તળવા માટે તેલ, અડધી વાટકી બાફેલા બટાકા, અડધી વાટકી ગળ્યું દહીં, ઝીણી સેવ, ગળી ચટણી, તીખી ચટણી, લીલી ચટણી
રીત : સૌ પ્રથમ એક તાસ મેંદો અને ચોખાનો લોટ લો. તેમાં તેલનું મોણ અને જીરું નાખી પાણીથી નરમ કણક બાંધો. કણકને થોડી વાર રહેવા દો. ત્યારબાદ લોટમાંથી નાની પૂરી વણી કાપા પાડી તેલમાં તળી લો. એક ટ્રેમાં નીચે ગળ્યું દહીં, બાફેલા બટાકા રાખો. ઉપર પૂરી ગોઠવો અને તેની પર લીલી ચટણી, તીખી ચટણી અને ગળી ચટણી નાખો. છેલ્લે ચીઝ ખમણી લો. ઝીણી સેવ નાખી કોથમીરથી સજાવી સર્વ કરો.
કાજુ પનીર કુલ્ફી
સામગ્રી : 100 ગ્રામ કાજુ, 6 નંગ ખજૂર, 5 તાંતણા કેસર, 50 ગ્રામ પનીર, 2 ચમચી મિલ્ક પાઉડર, 2 ગ્લાસ દૂધ
રીત : સૌ પ્રથમ કાજુ અને ખજૂરને બે કલાક દૂધમાં પલાળી રાખો. એક વાટકીમાં થોડું દૂધ લઈ કેસરના તાંતણા પલાળી રાખો. ત્યારબાદ એક મિક્સર જારમાં પલાળેલા કાજુ, ખજૂર અને કેસરવાળું દૂધ, મિલ્ક પાઉડર, પનીરને મસળીને નાખો અને વધારાનું દૂધ નાખી મિક્સરમાં ક્રશ કરી લો. આને કૂલ્ફીના મોલ્ડમાં નાખી ફ્રીઝરમાં આઠથી દસ કલાક માટે રાખો. તો તૈયાર છે ગરમીમાં રાહત આપતી મસ્ત કૂલ્ફી.
