`થોડાક સમય' પહેલાંની વાત છે. ભૌગોલિક જ્ઞાન ખાતે શૂન્ય સમાજ ધરાવતો એક માણસ સ્પેનના રાજાની મદદ માંગીને કોઈ ચોક્કસ દેશની શોધ કરવા નીકળી પડ્યો. ભૂમિતિ કે ભૂગોળ કે દરિયા વિશે ખાસ અનુભવ ન ધરાવતા એ ક્રિસ્ટોફર કોલંબસ નામના માણસે અમેરિકાની ધરતી ઉપર પગ મૂક્યો.

જે દેશ શોધવા માટે આટલું મોટું સરઘસ મહિનાઓ પહેલાં કાઢીને તે ભાઈ નીકળ્યા હતા તે દેશ વિશે સંભળાતી વાતોમાં સહેજ પણ ધ્યાન આપ્યું હોત તો તે સમજી જાત કે આ ભારત નહિ, પણ બીજો જ કોઈ પ્રદેશ છે. ત્યાંના આદિવાસીઓને રેડ ઇન્ડિયન નામ આપી દીધું. ત્યારબાદ ધીમે ધીમે યુરોપિયનોનો એ લીલુડી ધરતી ઉપર પગપેસારો થયો. થોડાક જ વર્ષોની અંદર તો વીસથી સિત્તેર લાખ જેટલી વસ્તી ધરાવતા આદિવાસીઓને ઓલમોસ્ટ મારી નાખ્યા. તે લોકોને રોગનો ચેપ લગાડી દીધો અગર તો ગુલામ બનાવવામાં આવ્યા. રતૂમડી ચામડી ધરાવતા તે આદિવાસીઓ જ્યાં હજારો વર્ષોથી શ્વસી રહ્યા હતા, ત્યાં શ્વેત ચામડી ધરાવતા ગોરા લોકોએ પોતાનો દેશ સ્થાપી દીધો. દેશના નામનો પહેલો શબ્દ જ `યુનાઈટેડ' છે, જેને બ્લેક કોમેડી કહી શકાય.

1971ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલા ન્યૂ ગીનીના વિશાળ ટાપુ ઉપર રહેતી ઘણી બધી આદિવાસી જાતિઓમાંથી બિયામી જાતિ ઉપર `ગાંધી' ફિલ્મ બનાવનાર ડિરેક્ટરના ભાઈ ડેવિડ એટેનબોરો સાથે બીબીસીએ ડોક્યુમેન્ટરી બનાવી હતી. ન્યૂ ગીનીના આદિવાસીઓનો વિશ્વાસ જીતવામાં તકલીફ પડી હતી, પણ થોડી ધીરજ રાખતા તેઓ સાથે સંપર્કમાં આવી શકાયું હતું માટે એક કરતાં વધુ લોકોએ ન્યૂ ગીનીની જુદી જુદી ટ્રાઈબ ઉપર વીડિયો બનાવ્યા છે, પણ ત્યાં જઈને જંગલમાં રહેનારા લોકોને મળવાનો હેતુ તો બહુ નુકસાનકર્તા ન હતો, જ્યારે થોડા દિવસ પહેલાં આંદામાન નિકોબાર ટાપુના નોર્થ સેન્ટિનેલ ટાપુનું સેન્ટિનેલીઝ આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવા માટે એક અમેરિકન ટૂરિસ્ટ નિયમો તોડે તે મૂર્ખામી કહેવાય. તેનું કમોત થયું તે દુ:ખદ ઘટના છે, પણ આંદામાન ટાપુ ઉપર રહેતા જારવા, ઓન્જી અને આંદામાનીઝ આદિવાસીઓમાં ફક્ત સેન્ટિનેલીઝ આદિવાસીઓ જ આખા જગતમાં એવા છે કે જેને દુનિયાના કોઈ સંપર્કમાં આવવું જ નથી.

આફ્રિકાના કોંગોમાં પણ આ પ્રકારના સમૂહો રહે છે અને મેક્સિકોમાં પણ છે, પરંતુ જંગલમાં જ રહેતી અને દુનિયાથી અલિપ્ત હોય એવી જાતિઓમાંથી 97 ટકા જાતિઓ ફક્ત દક્ષિણ અમેરિકામાં છે. બ્રાઝિલનાં જંગલોમાં સૌથી વધુ આ પ્રકારના આદિવાસીઓ મળી આવે. એક જાતિમાં તો ફક્ત એક પુરુષ બચ્યો હતો. જેને ગમે તે લાલચ આપતાં પણ મુખ્ય પ્રવાહોમાં ભળવું ન હતું. તે મરી ગયો તેની સાથે જે તે જાતિની ભાષા, રીતરિવાજ, સંસ્કૃતિ બધું મરી ગયું. લાકડાનું સ્મગ્લિંગ કરનારા દાણચોરો આવા લોકોને સતત રંજાડતા રહેતા હોય છે. એટલે જ આ લોકો ઘણી વખત ધોળી ચામડી ધરાવતા માણસો ઉપર હુમલો કરી બેસે છે. તે લોકોના જંગલ ઉપરથી ઓછી ઊંચાઈએ હેલિકોપ્ટર પણ નીકળે ને તો તેઓ સામે તીર-કામઠાં ચલાવે છે. આવું કેમ?

ભારતમાં પણ એવા આદિવાસીઓ વસે છે. બેએક વર્ષ પહેલાં આપણું ધ્યાન લક્ષદ્વીપ તરફ ગયું, પણ આંદામાન નિકોબારના અમુક ટાપુઓના રહેવાસીઓ આપણા માટે અજાણ્યા નથી. અખબારોમાં વખતોવખત તેમના વિશે આવી ગયું છે. ખાસ કરીને સેન્ટિનેલીઝ ટાપુના રહેવાસીઓ વિશે રહસ્યોનાં બહુ જાળાં ગૂંથાયાં છે. આંદામાનના સેન્ટિનેલીઝ માણસોને ભેટસોગાદો આપવાની કોશિશ પણ કેટલી બધી વખત થઇ છે છતાં પણ તેઓ કોઈના સંપર્કમાં આવવા માંગતા નથી. સરકારનો હુકમ હોવા છતાં ભૂલેચૂકે કે જાણીજોઈને પણ જો કોઈ તે ટાપુના કિનારા નજીક ફરકે તો તેઓ સામે તીર ચલાવે છે. ભારતના નૃવંશશાસ્ત્રી અને ટ્રાઈબ સ્ટડી એક્સપર્ટ એવા ટી.એન. પંડિતને નાનકડી સફળતા મળી હતી જ્યારે આદિવાસીઓએ તેમના હાથમાંથી નારિયેળ અને કેળાં લીધાં હતાં. `ટ્રાઈબસ ઓફ કાર નિકોબાર'નાં લેખિકા અને દિલ્હી સરકારના એક સમયના કર્મચારી એવાં મધુમાલા ચટ્ટોપાધ્યાયને પણ આંદામાનના જારવા અને સેન્ટિનેલીઝમાં વસતા લોકો સાથે સંપર્કમાં આવવાનો મોકો મળ્યો હતો, પણ તેઓ બહારી દુનિયાની કોઈ ભેટ સ્વીકારવા માંગતા નથી કે મુખ્ય પ્રવાહમાં ભળવા માંગતા નથી. કેમ?

આ કેમનો જવાબ આપણે પ્રથમ ફકરામાં જ આપી દીધો છે. આદિવાસીઓ આપણી ઉપર ભરોસો મૂકે પછી સહકાર અને વિકાસના નામે આપણે તેઓની સાથે શું કરીએ તેનું એક ઉદાહરણ આખો અમેરિકા દેશ છે. હા, આદિવાસીઓ ખુદ આવાં ઉદાહરણો કે દુરોગામી પરિણામો વિશે વિદિત ન હોય એવું બને, પરંતુ તેઓના મગજમાં ઊંડે ખૂણે તો તેઓને એ કોઠાસૂઝ છે જ કે પોતાને સભ્ય અને સુસંસ્કૃત માનતી બહારની દુનિયા સાથે સંપર્ક સાધવામાં કોઈ ભલીવાર નથી. તેઓની આંતરદૃષ્ટિ તો પરોક્ષ રીતે એવું કહેતી જ હશે કે આપણેય હજારો વર્ષોથી કોઈ ટેક્નોલોજી વિના જીવીએ છીએ અને એ લોકો પણ જીવે છે, તો બહારની સોસાયટી સાથે ભળવાની શું જરૂર?

આમ પણ જંગલમાં જન્મેલા અને ઉછરેલા લોકો જ્યારે બાકીની દુનિયા સાથે ભળે ત્યારે તેમને શારીરિક પ્રોબ્લેમ બહુ થાય. તેઓની રોગપ્રતિકારક શક્તિ આજના મોડર્ન વર્લ્ડમાં થતા રોગ મુજબ વિકસી જ ન હોય, પણ શારીરિક કરતાંય માનસિક અને સામાજિક કે સાંસ્કૃતિક પ્રોબ્લેમને વધુ મોટા કહેવા જોઈએ.

કહેવાતો સમાજ બનાવીને, અદ્યતન ટેક્નોલોજી વાપરીને, ગગનચુંબી સફળતાઓ હાંસલ કરીને આપણે એવું તો શું મેળવી લીધું? જંગલમાં રહીને, કપડાં ન પહેરીને, સાદું ભોજન લઈને, `દુનિયાદારીની' કોઈ જ સમજ કે ભણતરના પાઠો ન ભણીને તેઓએ શું ગુમાવ્યું? આપણે જેને પ્રગતિ કહીએ તે જ બધાના દૃષ્ટિકોણથી પ્રગતિ હોય? આપણે જેને સફળતા માનીએ એ જ રસ્તા ઉપર બધાએ સફળ થવાનું હોય? આપણે જેને જિંદગી કહીએ તે જ બધા માટે જીવન હોય? જીવન જીવવાની કળાના લેવાતા વર્કશોપો અને (અતિનાટ્યત્મક) શિબિરોમાં કુદરતની સાથે રહેવાનું શીખવવામાં આવતું હોય છે. આવા લોકો ખુદ કુદરતના ખોળે રહીને કુદરતનો એક ભાગ બની ગયા છે. મદદ કરવાના બહાને શું કામ છંછેડવા જોઈએ? એક વાત યાદ રાખજો, તે લોકો આપણને હાજર બાબતો શીખવાડી શકશે, આપણી પાસેથી તેઓએ કંઈ જ શીખવાની જરૂર નથી. આફ્રિકાના બાકા લોકો, વેનેઝુએલાના યાનોમામી સમુદાય, મલેશિયાની વિચરતી એવી પેનાન જાતિ, ટાન્ઝાનિયાનો હાડઝા સમુદાય, પેરુનાં જંગલોમાં રહેતા મેટ્સ જાતિનાં જૂથો, ઇન્ડોનેશિયાના અસમત લોકો, કોંગોમાં વસતા મ્બુતી પિગ્મી પ્રજા, આ બધા લોકો કરતાં આપણે વધુ સભ્ય અને હોશિયાર છીએ એમ?