અત્યાર સુધી આપણને ડાયનોસોરનાં ફોસિલ મળતાં હતાં અને આ ફોસિલથી ઘણી જાણકારીઓ પણ મળતી હતી, પરંતુ હવે મહારાષ્ટ્રમાં વિલુપ્ત થઇ ચૂકેલા સ્ટેગોડોન હાથીનાં ફોસિલ્સ મળવાથી શોધકર્તાઓમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, તેના કરતાં પણ વધુ ખુશીની વાત એ છે કે, આ ફોસિલ્સની સાથે કેટલીક એવી વસ્તુઓ પણ મળવા પામી છે,

જે અંદાજિત 25000 વર્ષ પહેલાંના માણસો સાથે સંબંધ ધરાવે છે! મૂળ આ ફોસિલ્સ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં મળ્યાં હતાં. આ ફોસિલ્સની શોધ ભૂવૈજ્ઞાનિક અને શોધકર્તા પ્રોફેસર સુરેશ ચોપને કરી છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે આ ફોસિલ્સ 12,000થી 25,000 પૂર્વેનાં છે, જે ખાસ કરીને પ્લીસ્ટોસીન યુગ સાથે સંબંધ ધરાવે છે. નોંધનીય છે કે, ડાયનોસોર બાદ પહેલીવાર વિશાળકાય જાનવરનાં ફોસિલ્સ મળવાથી શોધકર્તાઓ આશ્ચર્ય પામી ઊઠ્યા છે. વધુમાં આ ફોસિલ્સ સાથે પાષાણ યુગના કેટલાક પથ્થરોનાં ઓજારો પણ મળવા પામ્યાં છે, જેથી સાબિત થાય છે કે, તે સમયે આ વિશાળકાય હાથી અને માનવો સાથે સંપર્ક થતો હતો! અલબત્ત, બંને તે યુગમાં જીવંત હતા. ઉલ્લેખનીય છે કે, સ્ટોગોડોન હાથી આજના એશિયાઈ હાથીના પૂર્વજ માનવામાં આવે છે! શોધેલ ફોસિલ્સમાં હાથીની જાંઘ અને છાતીનાં હાડકાં, ખોપડી અને લાંબા દાંતના ટુકડાનો સમાવેશ થાય છે.

આ ભમરીને દારૂની અસર નથી થતી!

દારૂ એક એવું પીણું છે જેને કોઇ પણ મનુષ્ય કે જીવ-જંતુને પીવડાવવામાં આવે તો તેનું માનસિક અને શારીરિક સંતુલન ખોરવાઈ જતું હોય છે, પરંતુ આ સૃષ્ટિમાં એક એવું જંતુ પણ છે જેને ગમે તેટલો દારૂ પીવડાવવામાં આવે તેને દારૂની અસર થતી નથી. ભમરીની એક પ્રજાતિ છે જેનું નામ ઓરિએન્ટલ હોર્નેટ (વેસ્પા ઓરિએન્ટલિસ) છે, જેને દારૂનો નશો ચડતો જ નથી, કારણ કે આ ભમરીના દિવસની શરૂઆત જ ફળ-ફૂલોના રસથી ચાલુ થતી હોય છે. એટલે આ જંતુ સ્વાભાવિક રીતે ઇથેનોલ (Ethanol દારૂમાં ઉપલબ્ધ તે તત્ત્વ જે નશો કરાવે છે)નું જ સેવન કરતાં હોય છે. ઈઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટીના રિસર્ચર્સે ભમરી પર ઇથેનોલની અસર ચેક કરવા માટે Vorientalisની પસંદગી કરી હતી. ભમરીઓને 80 ટકા સુધી ઇથેનોલ ધરાવતું સુક્રોઝ દ્રાવણ ખવડાવવા છતાં, સંશોધકોને ભમરીઓના જીવનકાળ કે વર્તન પર કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નહોતી. ટૂંકમાં, આ ભમરીઓ આલ્કોહોલને ખૂબ જ ઝડપથી મેટાબોલાઇઝ કરી જાણે છે, તેથી ભમરીઓ નશો કરવા છતાં નશામુક્ત રહે છે!

પાણીમાં રહીને 56 રિંગ્સ બનાવવાનો રેકોર્ડ

પાણીની અંદર રહીને શ્વાસને રોકી રાખવો ખૂબ જ અઘરું અને કપરું કામ છે. મોટાભાગના લોકો પાણીમાં શ્વાસ કેટલીક સેકન્ડ સુધી જ રોકી શકે છે, પરતું આગળ જતાં તેઓ પણ શ્વાસ છોડી જ દેતા હોય છે. અમેરિકાની અમેલિયા ડે લોસ રિયોસ નામની યુવતીએ પાણીમાં જ રહીને એવો વિક્રમ સર્જ્યો છે જે અકલ્પનીય છે. અમેલિયાએ પાણીની અંદર રહીને કુલ 56 રિંગ્સ બનાવી. એટલે કે પાણીની અંદર રહીને પાણીની રિંગ બનાવી ઉપર સુધી છોડી! અમેલિયા એક ફ્રી ડાઇવર હોવાથી આ કામ તેને સરળ થઇ શક્યું હતું. જોકે, તે માટે તેણે ખૂબ જ પ્રેક્ટિસ તો કરી જ હતી. અમેલિયાના જણાવ્યા અનુસાર પાણીની અંદર રિંગ બનાવવી એટલું પણ મુશ્કેલ નથી, પરંતુ તે માટે પરફેક્ટ લય બનાવવો અઘરો છે. તેથી તમે જેટલા ઓછી ઊંડાઈએ જશો તેટલી જ રિંગ બનાવવામાં સરળતા રહેશે, પરંતુ તેમ કરવા જતાં રિંગ અન્ય રિંગથી ભટકાઈને તૂટી પણ જતી હોય છે. મારી પ્રેક્ટિસે તે કરી દેખાડ્યું અને હું સફળ રહી. અમેલિયાએ આ સાથે અન્ય ગિનીસ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. અમેલિયાએ 6 મિનિટ અને 58 સેકન્ડ સુધી પોતાનો શ્વાસ પાણીમાં રોકી રાખ્યો હતો!