ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા છે, ત્યારથી ઈમિગ્રેશનની બાબતમાં એમણે અનેક એવા ઉચ્ચારો ઉચ્ચાર્યા છે, એક્ઝિક્યૂટિવ ઓર્ડરો બહાર પાડ્યા છે અને એવાં એવાં કાર્યો કર્યાં છે જેના કારણે અમેરિકામાં જ નહીં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.

જેઓ અમેરિકન સ્વપ્નું સેવી રહ્યા છે એમની તો ઊંઘ જ ઊડી ગઈ છે. અમેરિકામાં જે પરદેશીઓ ગેરકાયદેસર રહે છે એમના મનમાં ભીતિ પેસી ગઈ છે. વારે ઘડીએ એમને એવા ભણકારા વાગે છે કે, ઈમિગ્રેશન ઓફિસરો હમણાં જ આવીને એમને પકડશે અને હાથમાં હથકડી અને પગમાં બેડીઓ પહેરાવી અમેરિકા બહાર એમના પોતાના દેશમાં મોકલી આપશે. જેઓ કાયદેસર ઈમિગ્રન્ટ યા નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા છે એમનામાં પણ એક પ્રકારનો ગભરાટ ફેલાઈ ગયો છે.

સૌપ્રથમ ડોનાલ્ડ ટ્રમ્પે `બર્થ સિટીઝનશિપ' બેન કરી. જોકે, એમના એ એક્ઝિક્યૂટિવ ઓર્ડરને અમેરિકાની કોર્ટોએ સ્થગિત કરી દીધો છે. ત્યારબાદ એમણે ત્રણસો જેટલા ભારતીયોને એક પછી એક ત્રણ વિમાનોમાં હાથમાં બેડીઓ પહેરાવીને અને પગમાં સાંકળો બાંધીને ભારત પાછા મોકલી આપ્યા.

વર્ષ 1990માં જે રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવાનો `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફર્થ પ્રેફરન્સ કેટેગરી' જેને આપણે સૌ `ઈબી-5 પ્રોગ્રામ' તરીકે ઓળખીએ છીએ એ પ્રોગ્રામને બંધ કરવાની અને એની જગ્યાએ 45 કરોડ રૂપિયા આપીને અમેરિકામાં કાયમ રહેવાની પરવાનગી મેળવવા માટેનું `ગોલ્ડ કાર્ડ' દાખલ કરવાની જાહેરાત કરી.

આટલું ઓછું હોય તેમ હવે એમણે જે કોઈ પરદેશી વિદ્યાર્થી અમેરિકામાં ભણવા આવ્યા હોય તેઓ જો `હમાસ'ને જે એક મુસ્લિમ ભાઈચારો ધરાવતું અને ઈઝરાયેલને પેલેસ્ટાઈન ઈસ્લામિક સ્ટેટને સોંપવાની માગણી કરતું જૂથ છે એને ટેકો આપતી કાર્યવાહી કરે, અમેરિકાને વખોડતા અને હમાસને સપોર્ટ કરતાં ભાષણો આપે, સ્લોગનો બોલે તો એ બધા વિદ્યાર્થીઓને એમના દેશમાં પાછા મોકલી દેવાની ધમકી આપી છે. હવે તો એક ડગલું આગળ ચાલીને ટ્રમ્પે એવું કહ્યું છે કે, જે પરદેશી વિદ્યાર્થીઓ હમાસને ટેકો આપતા હોય એની ફેવરમાં એણે કોઈ પણ વક્તવ્ય આપ્યું હોય, લેટરો લખ્યા, ઈ-મેલ પાઠવ્યા હોય એમણે જાતે જ સમજીને અમેરિકાનો ત્યાગ કરવો જોઈએ અને સ્વદેશમાં ચાલ્યા જવું જોઈએ, નહીં તો અમેરિકાની સરકાર એમના એફ-1 સંજ્ઞા ધરાવતા વિઝા રદ કરશે. એમને અમેરિકા બહાર મોકલી આપશે અને ફરી પાછા કોઈ પણ પ્રકારના વિઝા ઉપર એમને અમેરિકામાં પ્રવેશ આપવો નહીં એવી પાબંદી એમના ઉપર લાદશે.

એક સમયે જે દેશ વાણી સ્વાતંત્ર માટે, `ફ્રીડમ ઓફ સ્પીચ' માટે વિશ્વભરમાં પંકાયેલો હતો એ દેશના પ્રેસિડેન્ટે આ મુજબ વાણી સ્વાતંત્ર્ય ઉપર કાપ મૂક્યો છે. અનેકોના મતે ટ્રમ્પના આવા ઉદ્ગારો આવા એક્ઝિક્યૂટિવ ઓર્ડરો `ફ્રીડમ ઓફ એક્સપ્રેશન' જે અમેરિકાના બંધારણમાં સૌને આપવામાં આવ્યું છે એની વિરુદ્ધ છે.

આજે અમેરિકામાં 11 લાખ જેટલા પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એમાંના ત્રણથી સાડા ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ ભારતીય છે. શક્ય છે કે આમાંના અમુક અમેરિકાના રાજકારણમાં ઊંડો રસ લેતા હોય. એ પણ શક્ય છે કે અનેક ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની અમુક નીતિઓની વિરુદ્ધ વિચારતા હોય. અનેક ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને મુસ્લિમ વિદ્યાર્થીઓ હમાસને સપોર્ટ કરતા હશે. અમેરિકાના હમાસ પ્રત્યેના વલણને વખોડતા હશે. આથી શક્ય છે કે આવા ભારતીય વિદ્યાર્થીઓને ડોનાલ્ડ ટ્રમ્પ એમના વિઝા રદ કરીને ભારત પાછા મોકલી આપશે. જો આવું થશે તો એ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધૂરું રહી જશે. એમણે ખર્ચેલા લાખ્ખો રૂપિયા પાણીમાં જશે. આટલું જ નહીં પણ ભવિષ્યમાં એમને કોઈ પણ પ્રકારના વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. અમેરિકાએ એમને તગેડી મૂક્યા હોવાના કારણે વિશ્વના અન્ય દેશો પણ એમને પોતાને ત્યાં આવવા નહીં દે.

એ વાતની ના પડાય એમ જ નથી કે વાણી સ્વાતંત્ર્યની સૌને છૂટ હોવી જ જોઈએ. ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન બધા જ લોકોને એકસરખું મળવું જોઈએ. અમેરિકાનું બંધારણ આવી છૂટ આપે છે, પણ જે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા કાજે જાય છે એમણે અમેરિકાના રાજકારણમાં માથું મારવાની શું જરૂર છે? અમેરિકા જવાનો એમનો ઉદ્દેશ ફક્ત અને ફ્ક્ત ત્યાં ભણવાનો હતો તો શા માટે એમણે ત્યાં રાજકારણમાં દખલગીરી કરવી જોઈએ? શા માટે ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાનું વલણ અન્ય દેશો પ્રત્યે કેવું છે? કેવું હોવું જોઈએ? કેવું ન હોવું જોઈએ? એની માથાકૂટમાં પડવું જોઈએ. તમે વિદ્યાર્થીઓ છો, તો ભણો, અમેરિકા એ માટે જ ગયા છો, રાજકારણમાં શું કામ પડો છો. ડોનાલ્ડ ટ્રમ્પ સાચા છે કે ખોટા, એમની ફ્રીડમ ઓફ એક્સ્પ્રેશન પ્રત્યેની નીતિ અમેરિકાના બંધારણને અનુરૂપ છે કે નહીં, અમેરિકા વિશ્વના અમુક દેશોને એમના દુશ્મન ગણે છે એ અમેરિકાનો અંતર્ગત મામલો છે. ભારતીય વિદ્યાર્થીઓએ એમાં પડવાની શું જરૂર છે?

અમેરિકાની યુનિવર્સિટીઓમાં જે વર્લ્ડ બેસ્ટ એજ્યુકેશન મળે છે એ પ્રાપ્ત કરો, અમેરિકાના રાજકારણમાં મહેરબાની કરીને પડો નહીં. એક વિદ્યાર્થી તરીકે અમેરિકામાં ગયા છો, તો એક વિદ્યાર્થી તરીકે ત્યાં ભણો, જ્ઞાન પ્રાપ્ત કરો અને તમારું જીવન ઊજળું બનાવો.