વિષય એવો છે કે વાત તો પોતાની એટલે કે આપણા બધાની કરવી જોઈએ, પણ આ વિષય વિષયક લોકો પોતાને નિર્દોષ ગણતા હોય અને બીજાની પંચાત કરવામાં વધારે રસ પડે. ચાલો ત્યારે, વાત કરીએ બીજાની. પુમ્લા મકાઝીવેનો જન્મ થયો.
એ નેલ્સન મંડેલાનાં બીજાં સુપુત્રી. બીજા બાળકનો જન્મ થયો તેના પછી મંડેલા સાહેબની પત્ની એવલીનને પતિ પરમેશ્વર ઉપર શંકાઓ પડી. નેલ્સન મંડેલા ઉપર ધર્મપત્ની દ્વારા વ્યભિચારનો આરોપ મુકાયો. સાઉથ આફિકન ફેડરેશનની સ્થાપક અને આફ્રિકન નેશનલ કોંગ્રેસની એક્ઝિક્યૂટિવ કમિટીની પ્રથમ ચૂંટાયેલી મહિલા નામે લિલિયન નગોઈ સાથે મંડેલા સાહેબને લફરું હતું એવો પત્ની એવલીનને ડાઉટ હતો. આફ્રિકાના ગાંધી ગણાતા અને સમસ્ત વિશ્વ દ્વારા આદરપાત્ર એવા મંડેલા સાહેબને એક્સ્ટ્રા મેરિટલ અફેર? હા, લિલિયન નગોઈ એકમાત્ર લાભાર્થી ન હતા. શંકાની સોય તેમની સેક્રેટરી રૂથ મોમ્પતી ઉપર પણ મંડાઈ હતી. પરિણામ શું આવ્યું? છૂટાછેડા. મંડેલા સાહેબે એ જ વર્ષે બીજાં લગ્ન કર્યાં. તેમની સાથે ચાલીસેક વર્ષ જેટલું લગ્નજીવન ભોગવ્યા બાદ એંસીમા જન્મદિવસ ઉપર ત્રીજાં લગ્ન કર્યાં અને તેના બીજા દિવસે વિશ્વભરના મહત્ત્વના લોકોને શાનદાર પાર્ટી આપી.
સ્ટીવન હોકિંગ. જેમનું મૃત્યુ નજીકના ભૂતકાળમાં થયું. વ્હીલચેરમાં બેઠેલા એ મેઘાવી વિજ્ઞાની જે હોઠ પણ ફફડાવી શકતા ન હતા, વ્યવસ્થિત જમી પણ શકતા ન હતા. પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માટે મહામહેનતે આંગળીના ટેરવા હલાવતા અને ખૂબ ધીમી ઝડપે વાતચીતના શબ્દો કમ્પ્યૂટર દ્વારા કોમ્યુનિકેટ કરી શકતા. શારીરિક રીતે આટલી લાચાર પરિસ્થિતિમાં રહેલો માણસ અને એ પણ જગપ્રસિદ્ધિ પામી ચૂક્યો હોય તેમ છતાં છિનાળાથી દૂર રહી શક્યો ન હતો. તેની દેખભાળ કરતી નર્સ સાથે સંબંધ બંધાયો. એ નર્સ કોણ? જેના પહેલા પતિએ સ્ટીવન હોકિંગના સિન્થેસાઈઝર વોઈસ કોમ્યુનિકેશનનો પ્રોગ્રામ બનાવેલો અને હોકિંગની લાઈફ સરળ કરેલી. હોકિંગે પોતાની પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા અને પોતાને બોલવા માટે મદદ કરતું સાધન બનાવનાર એન્જિનિયરની જ પત્નીને પોતાની પત્ની બનાવીને પેલાને રિટર્ન ગિફ્ટ આપી.
સ્ટીવન હોકિંગની સરખામણી જે મહાન વિજ્ઞાની સાથે થતી તે સુપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઇન પણ કાયદાકીય ભાષા મુજબ વ્યભિચારમાં પડ્યા હતા. તેમનાં પણ બે વખત લગ્ન થયાં હતાં. પોતાની પત્નીને પોતાના રૂમમાં આવવા માટે અમુક કલાકો દરમિયાન મનાઈ ફરમાવી હતી અને તેને વિજ્ઞાન સંબંધિત સંશોધન કરવામાં પણ કોઈ જ મદદ કરી ન હતી બલ્કે અડચણો ઊભી કરી હતી. નોબેલ પ્રાઈઝમાં આવેલી બધી રકમ છૂટાછેડાની એલીમની રૂપે પત્નીને આપી દેવી પડી હતી.
માનવ ઈતિહાસમાં થઇ ગયેલા મહાનતમ માણસોની વાત કરીએ છીએ તો તેમાં શિખર ઉપર બિરાજતા ગાંધીજી કેમ ભુલાઈ જાય? ચાર પુત્રોના પિતા તથા અકુદરતી અને અવૈજ્ઞાનિક એવા બ્રહ્મચર્ય પાળવાના દુરાગ્રહી ગાંધીજીને ઘરડે ઘડપણ રવીન્દ્રનાથ ટાગોરની ભાણી સરલાદેવી સાથે લગ્ન કરવાનાં અરમાનો જાગ્યાં હતાં. આ સમાચાર થોડા વર્ષો પહેલાં જ બધાં જ નેશનલ ન્યૂઝપેપરમાં ચમક્યા હતા. એ બધા સમાચારો મુજબ તે સમયના વડીલોએ કસ્તુરબાને સમજાવ્યાં હતાં અને સરલાદેવીવાળા પ્રકરણ ઉપર પડદો પાડ્યો હતો.
આવા કિસ્સાઓ વારાફરતી લઈએ તો તેનું પુસ્તક ન બને, ગ્રંથોની સીરિઝ બને. એડલ્ટરી, એક્સ્ટ્રા મેરિટલ અફેર અથવા પોતાના પતિ કે પત્ની સાથે દુર્વ્યવહારોની હારમાળા લગભગ દરેક મોટા નામ સાથે સંકળાયેલી છે. આપણે સંજય દત્તથી લઈને રણબીર કપૂર સુધીના સેલિબ્રિટીના મલ્ટિપલ સંબંધો વિશે ગોસિપ કરતા હોઈએ છીએ, પણ પરપુરુષ કે પરસ્ત્રી સાથેના સંબંધોમાં અને આદર્શ લગ્નજીવન ન રહ્યું હોય એવા દાખલાઓ કયા ફિલ્ડમાં નથી? રાજ કપૂરથી લઇને રોનાલ્ડો સુધી, બિલ ક્લિન્ટનથી લઇને કબીર બેદી સુધી, બ્રાડ પીટથી લઇને મધુબાલા સુધી, મેરીલીન મનરોથી લઇને પાબ્લો પિકાસો સુધી. અત્ર તત્ર સર્વત્ર બધે જ ત્રાંસી લીટીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જારકર્મ જોવા મળે. અત્યારે તો ફાસ્ટ કોમ્યુનિકેશનના સમયમાં કયો મોબાઈલ, કયું વોટ્સએપ એકાઉન્ટ કે કયું ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ હિસ્ટ્રી જાહેરમાં બતાવી શકાય એવી હશે તે એક સવાલ છે. ક્યારેક એવું લાગે કે આદર્શ ન ગણાય એવા સંબંધમાં કોઈ બાકાત નથી. કદાચ ભૂતકાળમાં પણ તેનું પ્રમાણ એટલું જ હશે, પણ ભારતની સુપ્રીમ કોર્ટને હવે છેક અનુભૂતિ થઇ. 497મી કલમ જેમાં એડલ્ટરીને ગુનો ગણવામાં આવતો, એ પણ પક્ષપાતીય પદ્ધતિથી, તે હમણાં જ થોડા વર્ષો પહેલાં નાબૂદ થયો.
પણ પ્રશ્ન અહીં એ છે કે જો મહાન માણસો પણ પોતાના આવેગો કે લાગણીઓ ઉપર કાબૂ ન રાખી શકતા હોય તો સામાન્ય માણસનો શું વાંક? બીજી દલીલ એ પણ છે કે લગ્ન સંસ્થા એ માણસને પ્રાણીઓથી દૂર રાખતી વ્યવસ્થાના ભાગ રૂપે ઊભા કરાયેલા સમાજને અડીખમ જાળવવા માટે સ્થપાયેલી સંસ્થા છે, જે અવૈજ્ઞાનિક છે. સારસ બેલડી જેવા અપવાદને બાદ કરતાં માણસ સહિત દરેક પ્રાણી પોલીગેમસ છે અને પુરાતન સમયમાં તો બહુપતિત્વ (દ્રૌપદી) કે બહુપત્નીત્વ (દશરથ) હતું અને આજે પણ ભારતમાં ઘણી જગ્યાએ તેની છૂટ છે. બાયોલોજી મુજબ માણસને સેક્સ જોઈએ, પ્રેમ જોઈએ અને એકને એક સ્રોતથી તે કંટાળી જાય એટલે બીજા તરફ વળે. જેમાં ઇન્ટરનેટ બહુ મદદ કરે અને દિવસે ને દિવસે તામસી થઇ જતા ખોરાકનું કલ્ચર પણ.
પોતાના જીવનસાથી સિવાય બહાર પ્રેમાલાપ કરવાની આ બધી દલીલો તાર્કિક હશે, પણ શું મહાન માણસોએ એની લાઈફમાં આવા છબરડા વાળ્યા એટલે આપણે વાળવા જરૂરી? કુદરતી આવેગોની સામે પડીને, પોતાની દુન્યવી વૃત્તિઓને કાબૂમાં રાખીને આખી જિંદગી ફક્ત એક જ વ્યક્તિના થઇને કેમ ન રહી શકીએ? એના કરતાં પણ વધુ મહત્ત્વનો સવાલ એ છે કે આપણે એવા છીએ ખરા કે આપણા પાર્ટનરને આપણા કારણે બીજી ખોટ જ ન વર્તાય? સૌથી મહત્ત્વનો સવાલ વ્યભિચાર શારીરિક જ હોય? માનસિક કે વૈચારિક નહિ?