વર્ષો પહેલાં જેમ્સ બોન્ડનું પાત્ર રચનાર, એ પાત્રને વણી લેતી સંખ્યાબંદ વાર્તાઓ લખી છે અને જેના ઉપરથી હોલીવૂડે અનેક ફિલ્મો બનાવી છે એ લેખક ઈયાન ફ્લેમિંગની પ્રથમ નવલકથા `ડો.નો' અમેરિકાના એ સમયના પ્રેસિડન્ટ જો એફ કેનેડી વાંચી અને એને ખૂબ વખાણી.
અમેરિકાના પ્રેસિડન્ટે જે નવલકથાને વખાણી એ ડ્રવલકડ્ડા રાતોરાત પ્રસિદ્દ થઈ ગઈ. ઈયાન ફ્લેમિંગે બીજી નવલકથા લખી `ફ્રોમ રશિયા વિથ લવ' આ નવલકથા ઉપરથી હોલીવૂડે જેમને પ્રથમ ફિલ્મ `ડોક્ટરનો'માં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યું હતું એ જ એક્ટર સીડ્ડ કોનેરીને લઈને બીજી ફિલ્મ બનાવી `ફ્રોમ રશિયા વિથ લવ' પ્રેક્ષકોને એ ફિલ્મ ખૂબ ખૂબ પસંદ પડી. હજુ આજે પણ વિશ્વના કોઈને કોઈ ખૂણામાં, કોઈને કોઈ વ્યક્તિ ઈયાન ફ્લેમિંગે લખેલ ફ્રોમ રશિયા વિથ લવ આ નવલકથા ઉપરથી ઉતરેલી ફિલ્મ જોતું હોય છે.
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 100 જેટલા પરદેશીઓ, જેમાં 32 જેટલા ભારતના ગુજરાતીઓનો સમાવેશ થાય છે એમને હાલમાં જ 20 જાન્યુઆરી, 2025ના દિવસે જેમણે બીજી વાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળ્યું એમને ડિપોર્ટ કરીને ભારતના પંજાબમાં આવેલ અમૃતસર શહેરમાં એક ખાસ મિલિટરી વિમાન દ્વારા મોકલી આપ્યા છે. ગુજરાતના આ 32 લોકો અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ્યા હતા, ગેરકાયદેસર રહેતા હતા અને એમાંના ઘણા ગેરકાયદેસર કામ પણ કરતા હતા. જો અમેરિકાની સરકાર ધારતે તો એમને ડિપોર્ટ કરીને ભારત પાછા મોકલવાના બદલે અમેરિકાની જેલમાં નાખી શકતે. જ્યાં એમની હાલત અત્યંત કફોડી થતે. આવું ન કરતાં અમેરિકાએ એમને જેલમાં ન નાખતાં, અન્ય પ્રકારની સજા ન કરતાં, એમના પોતાના ખર્ચે એમના દેશમાં પાછા મોકલી આપ્યા છે. અમેરિકાના આ પગલાને આપણે `ફ્રોમ યુએસએ વિથ લવ' એવું કહી શકીએ. આ સર્વે ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકાએ પ્રેમપૂર્વક પાછા એમના દેશમાં મોકલી આપ્યા છે. કરવામાં આવેલી જાહેરાતો દ્વારા એવું પણ જાણવા મળે છે કે આવું જ `ફ્રોમ યુએસએ વિથ લવ'વાળું વર્તન અમેરિકા હવે રોજેરોજ કરશે અને એમને ત્યાં વસતા ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને એમના પોતાના દેશમાં મોકલી આપશે.
ઈલ્લિગલ ઈમિગ્રન્ટોનો પ્રશ્ર જેમ ભારતને સતાવે છે, જેમ ભારતમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અન્ય દેશોમાંથી લોકો ગેરકાયદેસર ઘૂસી આવીને ગેરકાયદેસર કામ કરે છે એની જેમ જ અમેરિકામાં પણ મેક્સિકો, ચાઈના, ફિલિપાઈન્સ, પાકિસ્તાન, ભારત અને અન્ય દેશોમાંથી લોકો ગેરકાયદેસર ઘૂસે છે, ત્યાં ગેરકાયદેસર રહે છે અને ગેરકાયદેસર કામ કરે છે. એવું મનાય છે કે અમેરિકામાં આજે એક કરોડથી વધુ લોકો ઈલ્લિગલ ઈમિગ્રન્ટો છે.
ઈ.સ. 1492માં કોલબંસે જ્યારે અનાયાસે અમેરિકા ખંડની શોધ કરી ત્યારે યુરોપ અને ઈંગ્લેન્ડના હજારો લોકોએ અમેરિકામાં સ્થળાંતર કર્યું. એ સંખ્યા દિવસે દિવસે વધતી ગઈ એટલે એમને અટકાવવા અમેરિકાએ હેડ ટેક્સ નાખ્યો. ત્યારબાદ અમુક પ્રકારની વ્યક્તિઓને ત્યાં પ્રવેશ ન આપવો એવો પ્રવેશનિષેધનો કાયદો ઘડ્યો. પછી ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ ઘડ્યો. જાપાનની સરકાર જોડે જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ કર્યા. આમ એક પછી એક અમેરિકામાં છૂટથી પ્રવેશતા લોકોને અટકાવવા, એમને ચાળવા અને ખાળવા માટે જુદા જુદા ઈમિગ્રેશનને લગતા કાયદાઓ ઘડ્યા. આખરે 1952માં બધા કાયદાઓને એકત્રિત કરીને `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' ઘડ્યો. આની હેઠળ અમેરિકામાં પ્રવેશવા માટેના `નોન-ઈમિગ્રન્ટ' તેમ જ `ઈમિગ્રન્ટ વિઝા'ની સ્થાપના કરી. એ માટેની લાયકાતો નક્કી કરી. એક વર્ષમાં કેટલા પરદેશીઓને અમેરિકામાં પ્રવેશવા દેવા, એ નક્કી કર્યું.
અમેરિકામાં અઢળક ખનિજસંપત્તિ તેમ જ તેલના ભંડારો મળી આવ્યાં. ખેતીવાડી માટે ત્યાં પુષ્કળ જમીનો હતી. એટલે એ `છત'નો દેશ બન્યો અને ત્યાં જેઓ કામ કરવા માટે તૈયાર હોય અને આવડત ધરાવતા હોય એમના માટે એ `તક'નો દેશ બન્યો.
છેલ્લાં થોડાં વર્ષોથી અમેરિકા વિશ્વનો આગળ પડતો દેશ ગણાય છે. મોટરો બનાવવાનો ઉદ્યોગ સૌ પ્રથમ અમેરિકામાં શરૂ થયો અને એ ખૂબ જ ફૂલ્યોફાલ્યો. અમેરિકાની જમીનમાં ભરેલા તેલે ઓઈલ ઈન્ડસ્ટ્રીની અમેરિકામાં સ્થાપના કરી. બિલ ગેટસ જેવી વ્યક્તિઓએ નવી નવી ખોજો કરીને કમ્પ્યુટર ઈન્ડસ્ટ્રીને અમેરિકામાં ખૂબ જ વિકસાવી. અને છેલ્લાં થોડાં વર્ષોથી ત્યાં આવેલ સિલિકોન વેલી વિશ્વનું કમ્પ્યુટરનું ધામ બની ગયું. અફાટ જમીન અને ઓછી વસતિના કારણે અમેરિકાએ એમના ઈમિગ્રેશનના કાયદા હેઠળ પરદેશીઓને એમને ત્યાં કામ કરવા આકર્ષ્યા, પણ કાયદા હેઠળ ઠરાવવામાં આવેલ વાર્ષિક પરદેશીઓની સંખ્યા એમની જરૂરિયાત કરતાં ખૂબ ઓછી છે. આથી અમેરિકનોએ જ પરદેશીઓને ગેરકાયદેસર એમને ત્યાં કામ કરવા આમંત્ર્યા અને ઈલ્લિગલ ઈમિગ્રન્ટો ઢગલાબંધ અમેરિકામાં આવી ચઢ્યા, રહેવા લાગ્યા અને કામ કરવા લાગ્યા.
આજે હવે અમેરિકાને આ ઈલ્લિગલ ઈમિગ્રન્ટો એમને ત્યાં ન હોવા જોઈએ એવું લાગવા માંડ્યું છે અને આથી જ 20 જાન્યુઆરી, 2025ના જેમણે બીજીવાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળ્યું છે એમણે ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને એમના દેશમાં પાછા મોકલી આપવાનું કાર્ય હાથ ધર્યું છે.
આમ `ફ્રોમ યુએસએ વિથ લવ'નો સંદેશો ધરાવતું પહેલું વિમાન ભારતના અમૃતસર શહેરમાં આવી પહોંચ્યું છે. એવું લાગે છે કે આવાં વિમાનો, નિયમિતરૂપે અમેરિકામાં ભારત તેમ જ અન્ય દેશોમાં ઉતરાણ કરશે.
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસતા, રહેતા અને કામ કરતા ભારતીયોએ હવે સમજી જવું જોઈએ કે અમેરિકા એમને સાંખી નહીં લે. `સંદેશ'ના વાચકો તમારે જો `ફ્રોમ યુએસએ વિથ લવ' એવા અમેરિકા વિમાનમાં અમેરિકાથી ભારત પાછા આવવું ન હોય તો મહેરબાની કરીને અમેરિકામાં ગેરકાયદેસર જવાનો વિચાર ત્યજી દેજો.