ગણતરીના લોકો જ એવા હશે જે લોકો પોતાના ઘરના કચરાનો સદુપયોગ કરતા હશે. એટલે કે ઘરમાં થતા કચરાનો નિકાલ સારા કામ માટે કરતા હશે. આમ તો લોકો પોતાના ઘરનો કચરો કચરાપેટીમાં જ નાખી દેતા હોય છે, પરંતુ સાઉથ દિલ્હીમાં આવેલી નવજીવન વિહાર સોસાયટીના લોકો છેલ્લાં 6 વર્ષથી પોતાની સોસાયટીનો કચરો સોસાયટીમાં જ રાખી મૂકે છે. આ સોસાયટીના લોકો `જીરો વેસ્ટ'માં વિશ્વાસ રાખે છે. સોસાયટીના રહીશો સૂકો અને ભીનો કચરો અલગ રાખે છે. તેઓએ Reuse માટે અલગ સિસ્ટમ બનાવી છે. તેઓ સોસાયટીના ભીના કચરાને ખાતર (Compost)માં તબદિલ કરી દે છે અને સૂકા કચરાને પણ અલગ તારી દે છે, જેથી તેનો ઉપયોગ સોસાયટીના બગીચા માટે જ કરવામાં આવે છે. સોસાયટીના લોકોને ખાતર માટેનો ખર્ચો કરવો પડતો નથી. વધુમાં સોસાયટીના રહીશો પોતાના ઘરમાં રહેલો વધારાનો ખોરાક સોસાયટીના કોમન ફ્રીઝમાં મૂકી દે છે, જેથી જો કોઇને જરૂર હોય તો તેઓ ત્યાંથી જ નિઃશુલ્ક લઇ શકે છે. મૂળ આ સોસાયટીમાં 250થી પણ વધુ ઘર આવેલાં છે. તમામ લોકો કચરા પ્રત્યે સભાન છે અને કચરાનો સદુપયોગ કરી પર્યાવરણ પ્રત્યે સજાગ રહી જાણે છે.
લાંબા દાંપત્યજીવનનો અનોખો રેકોર્ડ
આપણી આસપાસ એવાં ઘણાં પરિણીત યુગલ રહેતાં હોય છે, જેઓ સુખી અને સારું જીવન જીવતાં હોય છે. જોકે, તેઓ વર્ષના વચલા દિવસે પણ નાનો-મોટો ઝઘડો કરી લેતાં હોય છે, પરંતુ ત્યારબાદ તેઓ પાછાં ભેગાં મળીને લગ્નેતર જીવન જીવતાં જ હોય છે. જોકે, કેટલાંક યુગલમાં ઝઘડાનું પરિણામ વધી જતાં તેઓ ડિવોર્સ લઇ લેતાં હોય છે. હાલમાં લગ્નની બાબતને લઇને બ્રાઝિલનું એક દંપતી ટોક ઓફ ધ વર્લ્ડ સાબિત થયું છે. આ દંપતીનું લગ્નજીવન 84 વર્ષ સુધી અવિરત ચાલી રહ્યું છે. અલબત્ત, આટલા લાંબા સમય સુધી ટકી રહેલાં દંપતી તરીકેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે છે. દંપતીમાં મેનોએલની ઉંમર 105 વર્ષ અને મારિયાની ઉંમર 101 વર્ષ છે. તેમણે વર્ષ 1940માં બ્રાઝિલના સેરામાં આવેલા બોઆ વેન્ચુરાના ચેપલમાં લગ્ન કર્યાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે આ દંપતીએ કુલ 13 બાળકોને જન્મ આપ્યો હતો અને અત્યારે તેમનાં 55 પૌત્ર-પૌત્રીઓ, 54 પર પ્રપૌત્ર-પૌત્રીઓ અને તેમના પણ 12 સંતોનો છે. નોંધનીય છે કે, આટલા વર્ષ સુધી તેઓ એકબીજાને ગાઢ પ્રેમ આપીને જ સ્વસ્થ અને લાંબું આયુષ્ય જીવી રહ્યાં છે.
કૂલી બનેલા કૂતરાએ 23 લાખ કમાયા!
કોઇ પણ નોકરી નાની હોતી નથી, બસ તમને તમારી મહેનતના રૂપિયા પ્રમાણસર મળવા જોઇએ. જોકે, ચીનમાં એક કૂતરાએ માત્ર ત્રણ જ દિવસમાં 23 લાખ રૂપિયા કમાઇને સૌ કોઇ નોકરિયાત વર્ગને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ચીનના લિજિઆંગમાં એક હોમસ્ટેમાં જ્યારે તમે ચેકઇન કરો છો ત્યારે તમારો સામાન કોઇ માણસ નહીં, પરંતુ કૂતરો લેવા આવે છે. આ કૂતરાનું નામ હકીમી છે, જે ગેસ્ટની ટ્રોલી ખેંચીને તેમના રૂમ સુધી પહોંચાડે છે. અલબત્ત, હકીમી નામનો કૂતરો અહીં કૂલીનું કામ એકદમ સરળ અને સફળ રીતે કરી જાણે છે. જે માટે તેને ગેસ્ટ તરફથી ટિપ મળે છે અને વહાલ પણ મળે છે. આ ટિપમાં તેણે 23 લાખ રૂપિયા પણ કમાઇ લીધા છે! હકીમીના માલિક જૂએ તે માટે કોઇ ખાસ ટ્રેનિંગ પણ આપી નથી તેમ છતાં તે આ કામ સરળતાથી કરી લે છે. જૂના જણાવ્યા પ્રમાણે તેમણે ગત એપ્રિલ માસમાં ખાલી એકવાર ટ્રોલી ખેંચવાનું કહ્યું હતું અને તેણે તરત જ તે કામ કરી દેખાડ્યું હતું અને બસ, ત્યારથી તેને ટ્રોલી ખેંચવાનું કહેતાં જે તે ગંતવ્ય સ્થાને પહોંચાડી દે છે.