કાશ્મીરનું નામ પડે એટલે કેસર અને ચિનાર નજર સામે તરવરી જાય. જોકે, ચિનાર માથે જોખમ વધી રહ્યું છે, ત્યારે કાશ્મીરની ઓળખસમા ચિનારને બચાવી લેવા માટેનો એક માર્ગ એટલે જિયો ટેગિંગ પ્રોજેક્ટ.

ચિનાર વૃક્ષ કાશ્મીરની ઓળખ છે. 30 મીટર એટલે કે લગભગ 100 ફૂટની ઊંચાઈ અને 10થી 15 મીટર એટલે કે 30થી 50 ફીટનો ઘેરાવો હોય એવું વૃક્ષ જાજરમાન લાગ્યા વિના નહીં રહે. જોકે, ચિનારને એ ભવ્યતા સુધી પહોંચવા માટે 150 વર્ષ નીકળી જાય એટલે જ ચિનારને બચાવવા જરૂરી છે. એક વૃક્ષને ઉછેરવા માટે 150 વર્ષ લાગે એટલે ચિનારને ત્યાં સુધી જાળવવું મુશ્કેલ થઈ પડે એમ છે. એ ખરું કે આ વૃક્ષ તેની પુખ્તતા સુધી પહોંચે એ પછી પણ બીજાં સેંકડો વર્ષ જીવી શકે છે. ચિનારનું આયુષ્ય સામાન્ય રીતે 300થી 700 વર્ષ છે! આજે સૌથી વૃદ્ધ ચિનાર શ્રીનગરના સીમાડે આવેલું છે. એવી ધારણા છે કે તે 650 વર્ષ જૂનું છે. જોકે, હવે એટલાં જૂનાં વૃક્ષો એકલદોકલ જ જોવા મળે છે. વાસ્તવમાં તો ચિનાર વૃક્ષોનું આડેધડ છેદન થતું રહ્યું અને તેને કારણે આજે તેનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની રહ્યું છે. એક અંદાજ મુજબ 1947 પહેલાં કાશ્મીરમાં ચિનાર વૃક્ષો 45,000થી વધુ હતાં, પરંતુ 1980 પછી ચિનારની `વસ્તી' ઘટવા માંડી હતી. 2017માં થયેલી ગણતરી મુજબ કાશ્મીરમાં હવે ૩5,000થી વધુ ચિનાર રહ્યાં છે. જોકે, એમાં નવાં રોપેલાં વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. તેની ભવ્યતા પામવા માટે અનેક વર્ષો લાગી જશે. મતલબ કે તેના ઉછેરનાં વર્ષો સોથી વધુ હોવાને કારણે અત્યારે નહીં જાગીએ તો ચિનારનું અસ્તિત્વ ટકાવી રાખવાનું મુશ્કેલ થઈ જશે.

ચિનાર વૃક્ષોને ટકાવી રાખવા માટે હવે જિયો ટેગિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જિયો ટેગિંગ હેઠળ ચિનાર વૃક્ષો પર ક્યૂઆર કોડ લગાવવામાં આવશે. એ કોડમાં એ ચિનાર વૃક્ષ ક્યાં છે, તેની વય, તેનું સ્વાસ્થ્ય અને તેના ફેલાવાની પેટર્ન જેવી વિવિધ 25 માહિતીઓ સમાવી લેવામાં આવી છે. એ ડેટાબેઝનો ઉપયોગ કરી શહેરીકરણ કે માર્ગ બનાવવા માટે ચિનારનું છેદન ન કરવું પડે એ રીતે વિકાસ સાધી શકાશે. ઉપરાંત એ વૃક્ષને કોઈ બીમારી લાગી હોય તો તેનો ઈલાજ પણ થઈ શકશે. અત્યાર સુધીમાં 29,000 ચિનાર વૃક્ષોનું જિયો ટેગિંગ થઈ ચૂક્યું છે. સાવ નાનાં હોય એવાં વૃક્ષોનું ટેગિંગ બાકી છે. જોકે, આવનારા સમયમાં તેનું ટેગિંગ પણ પૂર્ણ કરી દેવાશે. જિયો ટેગિંગ હેઠળ અલ્ટ્રાસોનોગ્રાફી આધારિત ઉપકરણનો ઉપયોગ શરૂ કર્યો છે. એ કારણે મેન્યુઅલ તપાસને બદલે યાંત્રિક રીતે ચિનારના વૃક્ષ સામેના જોખમનું મૂલ્યાંકન કરાશે.

કાશ્મીર ઉપરાંત બેંગલુરુમાં સે ટ્રીઝ નામની એક સખાવતી સંસ્થાએ જીઓ ટેગિંગનો ઉપયોગ કરીને વૃક્ષ ગણતરી કરી એક લાખથી વધુ વૃક્ષોનો ડેટા એકત્રિત કરીને તેમના સ્વાસ્થ્ય, પ્રજાતિની વિવિધતા અને વયનો ડેટાબેઝ બનાવ્યો હતો. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં સફરજનનાં વૃક્ષોનો નકશો બનાવવા અને તેમની ઉત્પાદકતા શોધવા માટે જીઓ ટેગિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ડેટા ખેડૂતોને વધુ સારી ખેતી પદ્ધતિઓ અપનાવવામાં અને તેમના બગીચાઓની સંભાળ રાખવામાં મદદ કરે છે.

આખી દુનિયામાં વૃક્ષો, જંગલ અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ અને મેનેજમેન્ટ માટે જિયો ટેગિંગનો ઉપયોગ થાય છે. કેન્યાના નૈરોબીમાં શહેરી વૃક્ષોનું વધુ સારી રીતે સંચાલન અને સંરક્ષણ કરવા માટે જીઓ ટેગિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોબલ પુરસ્કાર વિજેતા વાંગારી માથાઈ દ્વારા શરૂ કરાયેલ ગ્રીન બેલ્ટ ઝુંબેશ જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શહેરી અને ગ્રામીણ વૃક્ષો વિશે માહિતી રેકોર્ડ કરે છે. એમેઝોન વરસાદી જંગલમાં વનનાબૂદી પર નજર રાખવા માટે જીઓ ટેગિંગ અને સેટેલાઇટ મોનિટરિંગ સિસ્ટમનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ટેક્નિકના ઘણા ફાયદા છે. સૌ પ્રથમ આનાથી વૃક્ષોનું હંમેશાં નિરીક્ષણ કરી શકાય છે. ટેગિંગથી અધિકારીઓને રોગ, ગેરકાયદેસર કાપણી અથવા વિકાસ પ્રોજેક્ટ્સ દ્વારા જોખમમાં મુકાયેલાં વૃક્ષોને ઓળખવામાં મદદ મળે છે. એક મોટો ફાયદો એ છે કે જીઓ ટેગિંગથી જનતાને ડેટાનો ઍક્સેસ મળે છે અને સંરક્ષણમાં તેમની ભાગીદારી વધે છે. ઉપરાંત જીઓ ટેગિંગ ડેટાબેઝ પર્યાવરણને અનુકૂળ શહેરી અને ગ્રામીણ વિકાસમાં મદદ કરે છે.