વર્ષ 2000માં અને 2024માં હોલિવૂડની ફિલ્મ ગ્લેડિયેટર આવી હતી. ગ્લેડિયેટરનો અર્થ તલવારબાજ થાય છે. મૂળ ગ્લેડિયટરને મનોરંજન માટે જંગલી પશુઓ સામે યુદ્ધ કરાવવામાં આવતું હતું અને તે માટે તેમની પાસે માત્ર એક બખ્તર અને તલવાર રહેતી હતી. આ ગ્લેડિયેટર્સમાં કેટલાક ગુલામો પણ હતા. જોકે, તેઓ પ્રાચીન રોમમાં યોદ્ધા પણ કહેવાતા હતા. બ્રિટનમાં શોધકર્તાઓએ એક ઐતિહાસિક શોધ કરી છે. ઈંગ્લેન્ડના યોર્ક શહેરમાં એક જૂનું કબ્રસ્તાન મળ્યું છે, જે 1825થી 1725 વર્ષ જૂનું હોવાનું મનાય છે. જેમાં એક એવું હાડપિંજર જોવા મળ્યું છે જેના પર કોઇ જંગલી પશુએ વાર કર્યો હોય એવાં નિશાન છે. શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે રોમન સામ્રાજ્યનો પ્રભાવ બ્રિટન સુધી ફેલાયેલો હતો. વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે તે સમયમાં ગ્લેડિયેટર્સની લડાઇ જંગલી પશુઓ સામે પણ કરવામાં આવતી હતી. તેમને જે હાડપિંજર મળ્યું હતું તેના પૃષ્ઠ ભાગનાં હાડકાં પર સિંહે પંજો માર્યો છે એવું જણાઇ રહ્યું છે. અલબત્ત, કબરમાં દફનાવેલા લોકો ગ્લેડિયેટર્સ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, યોર્ક આર્કિયોલોજિકલ ટ્રસ્ટના નેતૃત્વમાં વર્ષ 2010માં આ કબ્રસ્તાનની શોધ કરવામાં આવી હતી. આજે પણ અહીં કબ્રસ્તાનમાંથી ઘણી વસ્તુઓ વિશેની શોધખોળ ચાલુ છે.

બોડીમોડિફિકેશનમાં શિંગડાં ઉગાડતો શેતાન

જેમ વાહનોમાં બોડીમોડિફિકેશન કરવામાં આવે છે તેમ હવે કેટલાક યંગસ્ટર્સ પણ પોતાની બોડીમાં અવનવું અરેરાટી આવી જાય એવું બોડીમોડિફિકેશન કરાવતા થયા છે. બ્રાઝિલમાં રહેતા પેડ્રો હેનરિક સિલ્વા ડોસ સેન્ટોસે પોતાના શરીરમાં એવું ગજબ બોડીમોડિફિકેશન કરાવ્યું છે, જેનાથી તેને લોકો અલાઇવ ડેવિલ (Alive Devil) તરીકે સંબોધે છે. તેણે પોતાના માથા પર સિલિકોન ટ્રાન્સપ્લાન્ટથી શિંગડાં બનાવી લીધાં છે અને ચહેરા પર અધધ ટેંટુ ચિતરાવી દીધાં છે. વધુમાં તેણે પોતાની જીભ કપાવી લીધી છે અને સાથે સાથે હોઠ પણ કપાવી લીધો છે. 31 વર્ષીય પેડ્રો બે બાળકોનો પિતા છે અને તેને પોતાના શરીર પર બોડીમોડિફિકેશન કરાવવું અનહદ પસંદ છે. તેણે વિસ્તારથી જણાવ્યું હતું કે જ્યારે મારા હોઠ કાપવાના હતા ત્યારે એનેસ્થિયા આપવામાં આવ્યો હતો, પરંતુ તેની અસર ઘટતાં મને અસહ્ય પીડા થઇ રહી હતી. મને ખુશી એ વાતની પણ થતી હતી કે હું અન્ય કરતાં સાવ અલગ દેખાવાનો છું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષથી હું મારા શરીરમાં નાના-મોટા બદલાવ કરી રહ્યો છું. મારી શરૂઆત નાના ટેંટુથી થઇ હતી અને આજે મારી સમગ્ર બોડી ટેંટુથી ઢંકાયેલી છે.

તમે બરફના કેનમાં કેટલો સમય રહી શકો?

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જો તમને કોઇ એમ કહે કે તમારે બરફ ભરેલા કેનમાં રહેવાનું છે, તો તમને કેવી મજા પડી જાય હેંને! પરંતુ બરફના કેનમાં તમે માંડ એકાદ મિનિટ કે તેથી થોડી વધુ મિનિટ રહી શકો, પરંતુ તેથી વધુ તમે રહી જ ન શકો, કારણ કે એ જ બરફ તમને તમારા શરીરમાં જાણે હજારો સોય ભોંકાતી હોય એવું ફીલ કરાવે છે. ફ્રાન્સના આન્દ્રે બેલિબી અલોમો નામની એક વ્યક્તિએ 4 કલાક સુધી બરફથી ભરેલા કેનમાં રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આન્દ્રેએ આ રેકોર્ડ નોંધાવવા માટે ઓપ્ટિઝમ નામની બીમારી પ્રત્યે જાગરૂકતા વધે એ માટે પ્રયત્ન કર્યો હતો અને તેનો પ્રયત્ન સફળ નીવડ્યો પણ ખરો. આન્દ્રેની દીકરી પણ આ જ બીમારી સામે ઝઝૂમી રહી છે. આન્દ્રેના જણાવ્યા પ્રમાણે તે પોતાની દીકરી માટે આવો રેકોર્ડ બનાવવા ઇચ્છતો હતો, કારણ કે તેમ કરવાથી દુનિયામાં એક એવો મેસેજ જાય છે કે તમે જે ધારો એ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, બરફના કેનમાં રહેવાનો 3 કલાક 6 મિનિટ 45 સેકન્ડનો રેકોર્ડ પોલેન્ડની કટારજીના નામની મહિલાનો છે.