રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) છેલ્લાં કેટલાંક વર્ષોથી મોટા પાયે સોનાની ખરીદી કરી રહી છે. છેલ્લાં 5 વર્ષમાં રિઝર્વ બેંકે સોનાની ખરીદીના મામલે ઘણા મોટા દેશોને પાછળ છોડી દીધા છે.
ચીન એકમાત્ર દેશ એવો છે જે સોનાની ખરીદીમાં ભારત કરતાં આગળ છે. વિશ્વમાં આર્થિક અને ભૌગોલિક રાજકીય ઊથલપાથલના કારણે ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેન્કે છેલ્લાં પાંચ વર્ષમાં 244 ટન સોનાની ખરીદી કરી છે. જ્યારે 2024ના અંતિમ ત્રિમાસિકમાં ભારતે ચીનને પાછળ રાખ્યું છે. જાન્યુઆરી, 2025માં 2.83 ટન સોનાની ખરીદી કરી હતી. છેલ્લાં 5 વર્ષમાં ભારતે સોનું ખરીદવામાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન જેવા દેશોને પાછળ રાખ્યા છે. આ સમયગાળામાં માત્ર ચીન જ ભારત કરતાં વધુ સોનું ખરીદવામાં સફળ રહ્યું છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ RBIએ 2020થી 2024 સુધીમાં 244 ટન સોનું ખરીદ્યું છે. જ્યારે આ સમયમાં ચીને 336 ટન સોનું ખરીદ્યું છે. ભારતે હજુ પણ સોનાની ખરીદી ચાલુ રાખી છે, જ્યારે વિશ્વના અન્ય દેશોએ ખરીદી ધીમી કરી છે. ચીનને 2024ના અંતિમ ક્વાર્ટરમાં પાછળ છોડ્યું.
રોશની નાદર 3.13 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વનાં સૌથી ધનિક મહિલા બન્યાં
ભારતના કોર્પોરેટ ગ્રૂપ એચસીએલના સંસ્થાપક શિવ નાદરે તાજેતરમાં તેમની પુત્રી રોશની નાદર મલ્હોત્રાને કંપનીની 47 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરી છે. આ સાથે જ તેઓ ભારતનાં સૌથી ધનિક મહિલા બની ગયાં છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર રૂ. 3.13 લાખ કરોડની સંપત્તિની સાથે રોશની હવે ત્રીજા નંબરનાં સૌથી ધનિક ભારતીય બની ગયાં છે. તેમના કરતાં વધુ સંપત્તિ ફક્ત મુકેશ અંબાણી (રિલાયન્સ ગ્રૂપ) અને ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ)ની પાસે છે. રોશની નાદર પહેલાં તેમના પિતા શિવ નાદર ભારતના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમના નેતૃત્વવાળી એચસીએલ ટેક્નોલોજી દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી આઈટી કંપની છે. એચસીએલ કંપનીની માર્કેટ કેપ રૂ. 4.20 લાખ કરોડ છે. એમાં હવે અડધાથી વધુ ભાગીદારી શિવ નાદરની પુત્રી રોશની પાસે છે. રોશની નાદર બ્રિટનની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ થયેલાં છે અને કેલ્લોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું છે. રોશનીએ બ્રિટનના મોખરાના મીડિયા હાઉસ સ્કાય ન્યૂઝમાં પ્રોડ્યુસર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. રોશની 2009માં પિતાની કંપની એચસીએલ ટેક્નોલોજી અને એચસીએલ ઈન્ફોસિસ્ટમ્સની હોલ્ડિંગ કંપની એચસીએલ કોર્પોરેશનમાં જોડાયાં હતાં. 2020માં તેઓ એચસીએલ ટેકનાં ચેરપર્સન બન્યાં હતાં.
મોદીનો ઈન્ટરવ્યૂ લેતા પહેલાં પોડકાસ્ટરે 45 કલાક ઉપવાસ કર્યા!
અમેરિકન પોડકાસ્ટર અને એઆઈ રિસર્ચર લેક્સ ફ્રિડમેને લીધેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ફ્રિડમેને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉપવાસ અંગેનો દૃષ્ટિકોણ તથા ઉપવાસથી મળતી મદદ અંગે સવાલ પૂછતાં પહેલાં તેમણે ખુદ 45 કલાકના ઉપવાસ કર્યા હતા. 45 કલાકમાં તેમણે માત્ર પાણી પીધું હતું. મોદીએ પોડકાસ્ટરને પણ ઉપવાસ બદલ અભિનંદન આપ્યાં હતાં. મોદીએ જણાવ્યું હતું કે, ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી. આ પ્રક્રિયા પરંપરા અને આયુર્વેદ સાથે સંકળાયેલી છે. ઉપવાસથી શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ મળે છે. તેનાથી સુસ્તી કે અશક્તિ નથી આવતી, પરંતુ વધારે સ્ફૂર્તિ અને ઊર્જાનો અનુભવ થાય છે. બાળપણમાં ઉપવાસની પ્રેરણા મહાત્મા ગાંધી પાસેથી મળી હોવાનું કહેતાં મોદીએ ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીએ ગૌરક્ષા માટે અભિયાન શરૂ કર્યું હતું. તે સમયે દેશભરમાંથી લોકો જાહેર સ્થળે ભેગા થતા અને એક દિવસના ઉપવાસ રાખી વિરોધ નોંધાવતા હતા. આ સમયે સ્કૂલમાં હોવા છતાં મોદીને આ અભિયાનમાં જોડાવાની ઈચ્છા થઈ અને આ સાથે પ્રથમ વખત ઉપવાસનો અનુભવ કર્યો. આટલી નાની ઉંમરે ઉપવાસ કરવા છતાં ભૂખ લાગતી ન હતી કે જમવાની ઈચ્છા થઈ ન હતી. અંદરથી નવી ઊર્જા અને સમજણની અનુભૂતિ થઈ હતી.
મેઘાણીના કાવ્ય `ચારણ કન્યા'ને તાદૃશ્ય કરતું સ્મારક શૌર્યભૂમિ ધંધુકામાં તૈયાર
આપણી ભાષાના મુઠ્ઠી ઊંચેરા સર્જક ઝવરેચંદ મેઘાણીનું કાવ્ય `ચારણ કન્યા' ગુજરાતી લોકજીવનમાં અમર સ્થાન ભોગવે છે. 1928માં ખજૂરી નેસમાં સિંહે ગાય પર હુમલો કર્યો અને 14 વર્ષની હીરબાઈ નામની કન્યાએ તેને ભગાડી મૂક્યો, એ ઘટના પરથી આ લાંબું કાવ્ય લખાયું હતું. હવે એ કાવ્યની ઘટના આપણી નજર સમક્ષ તાદૃશ થાય એવું સ્મારક મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકામાં તૈયાર થયું છે. કુલ મળીને અહીં 30 જેટલાં શિલ્પો તૈયાર કરાયાં છે, જેથી લગભગ સદી પહેલાંની એ ઘટના આજના ઓડિયો-વિઝ્યુઅલ યુગમાં ઓડિયો-વિઝ્યુઅલ રીતે જ સહુ કોઇ સમજી શકે. ધંધુકાના ઐતિહાસિક રેસ્ટ હાઉસમાં ઊભું થયેલું આ સ્મારક 9મી માર્ચે, મેઘાણીની પુણ્યતિથિએ ખુલ્લું મુકાયું છે. આ ઘટના ગુજરાતી સાહિત્યજગત માટે તો ગૌરવની ઘડી ગણી શકાય.