થોડા સમય પહેલાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસતા લોકોને અમેરિકામાંથી બહાર કાઢવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘણા લોકોને પોતાના દેશમાં પાછા મોકલાયા છે, પરંતુ ગુનેગાર અપ્રવાસીઓ માટે ખતરનાક અને વિવાદિત ગ્વાંતાનામે-બે જેલમાં ૩0 હજાર બેડ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, જે સાંભળીને ભલભલાના હાંજા ગગડી ગયા હતા, જીવ તાળવે ચોંટી ગયા હતા. એવું તો શું છે આ ગ્વાંતાનામે-બે જેલમાં કે ત્યાં જતા પહેલાં કેદી મોત માંગવા લાગે છે.

ક્યૂબાની ગ્વાંતાનામો-બે જેલને કેમ નર્ક કહે છે?

ઇન્ટરનેશનલ સિક્યોરિટી જર્નલ (આઈએસજે)ના અનુસાર ક્યૂબામાં સ્થિત ગ્વાંતાનામો-બે ડિટેન્શન કેમ્પ કેદીઓ સાથે યાતનાપૂર્ણ વર્તન અને ગંભીર માનવાધિકારના ઉલ્લંઘનો માટે દુનિયાભરમાં બદનામ છે. આને અમેરિકન સેનાએ વર્ષ 2002માં બનાવડાવી હતી જ્યારે અમેરિકા પર 9/11નો હુમલો થયો હતો. આ જેલ આતંકવાદીને બંદી બનાવી રાખવા માટે બનાવવામાં આવી હતી. વાસ્તવમાં આ અમેરિકન નૌસેનાનો બેઝ હતો જેને પછીથી જેલમાં ફેરવવામાં આવ્યો. ક્યૂબાની આ જમીનને અમેરિકાએ ઈ.સ. 19૩0માં લીઝ પર લીધી હતી. આ જેલનો ઉદ્દેશ અમેરિકાન કાયદાની સુરક્ષા બહાર શંકાસ્પદ આતંકવાદીઓને પકડવા અને તેમની પૂછતાછ કરવા માટેનો હતો. અહીં લોકોને કોઈ પણ પ્રકારનો કેસ ચલાવ્યા વગર અનિશ્ચિત સમય સુધી કેદ રાખવામાં આવતા હતા. અહીં એક કેદી પર વાર્ષિક લગભગ 45 કરોડ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જો બાઈડેન તેને બંધ કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે, પણ તેમાં તેઓ સફળ થયા નહીં.

આ જેલની ક્ષમતા આશરે 40 હજાર કેદીઓની છે, જે આને દુનિયાની સૌથી મોટી જેલોમાંથી એક બનાવે છે.

આ જેલમાં વર્ષ 2022માં બે જૂથો વચ્ચે ભયાનક હિંસા થઈ હતી, જેમાં 62 લોકો માર્યા ગયા હતા.

ઘણા રિપોર્ટ અનુસાર આ જેલમાં બંધ માફિયાઓ અંદરથી પોતાની ગેંગ ચલાવે છે.

આ જેલમાં ખુલ્લેઆમ ગેંગવોર થાય છે અને અવારનવાર લોકોની હત્યા થવાની વાત પણ સામે આવે છે.

જેલમાં હુમલા દરમિયાન કેટલાય લોકોને જીવતા સળગાવી દેવાના અને માથું કાપીને ફૂટબોલ રમવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.

કહેવાય છે કે આ ડિટેન્શન સેન્ટરમાં કેદીઓને સૂવા દેવાતા નથી. ગુનેગારોને ખાલી મોં જ બહાર રહે તે રીતે પાણીમાં ડુબાડીને રાખવામાં આવે છે.

કેદીઓને લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બાંધીને રાખવામાં આવે છે, જેમાં તેમને અસહ્ય પીડા થાય છે.

ગ્વાંતાનામો-બે ડિટેન્શન સેન્ટરમાં કેદીઓને માનસિક સજા પણ આપવામાં આવે છે. જેમાં કેદીને એક ખૂબ જ નાની જગ્યામાં દિવસો કે મહિનાઓ સુધી એકલો કેદ કરી રાખવામાં આવે છે.

જેલની સુરક્ષા એટલી કડક છે કે, `પરિંદા ભી પર નહીં માર સકતા'

ગ્વાંતાનામો-બે જેલનું નામ સાંભળતાં જ દુનિયાના ખૂંખારમાં ખૂંખાર આંતકીઓની રૂહ પણ કંપી જાય છે. તેને દુનિયાની સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે. અહીં કેદીનો બહારની દુનિયા સાથે સંપર્ક સંપૂર્ણપણે કપાઈ જાય છે

અલકતરાજ વિશે પણ જાણો

અમેરિકાની એક કુખ્યાત જેલ હતી જેનું નામ અલકતરાજ હતું. આ જેલ કેલિફોર્નિયાના સાન ફ્રાંસિસ્કોના તટથી દૂર અલકતરાજ દ્વીપ પર આવેલી છે. એક સમયે અમેરિકાના ખૂંખાર કેદીઓને અહીં રાખવામાં આવતા હતા. તત્કાલીન સમયમાં તે દુનિયાનું નર્ક તરીકે ઓળખાતી હતી. અહીં આવતા પહેલાં કેદી વિચારતો હતો કે અહીં રહેવા કરતાં મોત મળી જાય તો સારું. જેલ ચારે બાજુ પાણીથી ઘેરાયેલી હતી. સખત સિક્યોરિટી અને ચોવીસે કલાક દરમિયાન કેદીઓ પર સખત વોચ રાખવામાં આવતી. એવું માનવામાં આવતું હતું કે જે વ્યક્તિ એકવાર આ જેલમાં આવી જાય તે જીવતો બહાર ક્યારેય નીકળી શકતો નહોતો. જોકે, આ માન્યતાને ત્રણ કેદીઓએ ખોટી પાડી હતી.

જૂન, 1962માં ત્રણ કેદીઓ ફ્રેન્ક મોરિસ, જોન એંગલિન અને ક્લેરેન્સ એંગલિન જેલ તોડીને ભાગવામાં સફળ રહ્યા હતા. પછીથી તેના વધારે પડતા ખર્ચને કારણે ઈ.સ. 196૩માં બંધ કરી દેવામાં આવી. આ જેલ પર હોલિવૂડમાં `એસ્કેપ ફ્રોમ અલકતરાજ' નામની ફિલ્મ પણ બની છે.