`પપ્પા, મારે અમેરિકામાં ભણવા જવું છે.' સંદીપ અશોકકુમાર શાહે બેચલર્સની પરીક્ષા પાસ કરી કે એના પિતાને એની ઈચ્છા જણાવી.

`દીકરા, મારી પણ એવી ઈચ્છા છે કે તું અમેરિકાની કોઈ સારી યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરે, જેથી તારું ભવિષ્ય ઊજળું થાય. તું હોશિયાર તો છે જ, તને અમેરિકામાં સારી એવી યુનિવર્સિટીમાં પ્રવેશ અવશ્યથી મળી જશે. પણ દીકરા, અમેરિકામાં ભણવા માટે જે લખલૂટ ખર્ચો કરવો પડે છે એ પૈસા મારી પાસે નથી.'

`પપ્પા, તમે એની ફિકર ન કરો. પહેલા છ મહિનાની મારી ટ્યૂશન ફી ભરાઈ જાય અને રહેવા-ખાવાના પૈસાનો બંદોબસ્ત થઈ જાય એટલે બસ. હું ત્યાં ઓન કેમ્પસ અઠવાડિયાના વીસ કલાક કાયદેસર કામ કરીને તેમજ કરકસર કરીને પૈસા બચાવીશ. મહેનત કરીને પહેલા સેમિસ્ટરમાં સારા માર્ક્સ લાવીશ એટલે મને બીજા સેમિસ્ટર માટે ટ્યૂશન વેવર મળશે. તમે ચિંતા ન કરો. ફક્ત મારો છ મહિનાનો ખર્ચો આપવાનો બંદોબસ્ત કરી આપો. બાકીનું બધું હું ફોડી લઈશ.'

દીકરાની ઈચ્છાને માન આપીને અશોકકુમારે પત્નીના દાગીનાઓ વેચીને અને મિત્રો પાસેથી ઉછીના લઈને સંદીપ માટે પહેલા છ મહિનાના ખર્ચાની સગવડ કરી આપી.

સંદીપે `આઈલ્ટ્સ'ની પરીક્ષામાં ખૂબ સારા બેન્ડ મેળવ્યા.`જીમેટ'ની પરીક્ષામાં પણ ઉચ્ચ ગુણાંક મેળવ્યા. યુનિવર્સિટીએ માંગેલું `સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ' ખૂબ જ સુંદર રીતે લખ્યું. એના ટીચરો, પ્રોફેસરો, શહેરના પોલિટિશિયનો, એડવોકેટો અને ડોક્ટરો, આવા આગળ પડતા પ્રતિષ્ઠિત લોકોના રેકમેન્ડેશન લેટરો પણ મેળવ્યા. એના પિતાએ પણ મહેનત કરીને દેખાડવા પૂરતા પૈસાનો બંદોબસ્ત કર્યો. સંદીપે જે છ યુનિવર્સિટીઓમાં અરજી કરી હતી એ બધી જ યુનિવર્સિટીઓએ એને પ્રવેશ આપ્યો અને બે યુનિવર્સિટીએ જે ટ્યૂશન ફી હતી એમાં અડધી માફી પણ આપી.

બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટની ઓફિસમાં `એફ-1' સંજ્ઞા ધરાવતા નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે સંદીપ ગયો ત્યારે જેવો એને વિન્ડો ઉપર બોલાવવામાં આવ્યો કે કંઈ પણ પૂછ્યા વગર કોન્સ્યુલર ઓફિસરે એને કહ્યું, `મિસ્ટર સંદીપ, આઈ એમ ગ્રાન્ટિંગ યોર વિઝા.'

અમેરિકાની યુનિવર્સિટીમાં જતાં જ સંદીપે એના પ્રોફેસરો અને યુનિવર્સિટીના બીજા કાર્યકરો ઉપર ખૂબ સારી છાપ પાડી. ભણવામાં એ હોશિયાર તો હતો જ, અમેરિકામાં એણે કમરને વધુ કસી. શનિ-રવિની રજામાં આમતેમ ફરવા ન જતાં અને શુક્રવારની રાતે ડિસ્કો યા વ્હિસ્કીની પાર્ટીમાં ભાગ ન લેતાં સંદીપે વાંચવામાં મન પરોવ્યું. ફર્સ્ટ સેમિસ્ટરમાં એના કક્ષમાં એણે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા. સાથે સાથે એણે યુનિવર્સિટી કેમ્પસ ઉપર કામ પણ મેળવ્યું હતું. અઠવાડિયાના વીસ કલાક કામ કરીને તેમજ કરકસર કરીને એણે સારા એવા પૈસા બચાવ્યા હતા.

આ બાજુ પિતા અશોકકુમારનો બિઝનેસ ખૂબ સારો ચાલવા લાગ્યો હતો. એમણે ધૂમ કમાણી કરી હતી. આથી એમણે દીકરાને જણાવ્યું, `તું હવે કેમ્પસ ઉપર કામ કરવાનું બંધ કર. હું તારો બધો જ ખર્ચો ભોગવી શકું એટલું કમાયો છું.' અશોકકુમારે સંદીપના બીજા સત્રની ટ્યૂશન ફી અને ખર્ચાના પૈસા બેન્ક ટ્રાન્સફર દ્વારા ન મોકલતા, અમેરિકામાં રહેતા એક સંબંધીને એ રકમ એમના દીકરાને આપવા જણાવ્યું. એ ડોલરના રૂપિયા ભારતમાં રહેતાં એમનાં મા-બાપને પહોંચાડ્યા. સંદીપને એ બધા પૈસા રોકડામાં મળ્યા હતા, જે એણે એના અમેરિકન બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા અને એમાંથી ખર્ચો કર્યો.

એક લાંબા વીકએન્ડમાં અન્ય મિત્રો જોડે કેનેડા ફરવા અને ખાસ કરીને કેનેડાની બાજુથી નાયગ્રા ફોલ્સને જોવા ગયો. પાછા ફરતાં બોર્ડર ઉપરના અમેરિકાના ઈમિગ્રેશન ઓફિસરે એને સવાલ કર્યો, `તમારા ખર્ચાના પૈસા કોણ આપે છે?' સંદીપે જવાબ આપ્યો, `ઈન્ડિયામાં રહેતા મારા ફાધર.'

`એમ? જરા એનું પ્રૂફ દેખાડો.'

સંદીપ હવે મૂંઝાયો. પેલા ઓફિસરે પછી સંદીપની ખૂબ ઊલટતપાસ લીધી. સંદીપે એના બેન્ક એકાઉન્ટમાં જે રોકડા પૈસા જમા કરાવ્યા હતા એ એમના ધ્યાનમાં આવ્યું. એમણે એવું ધારી લીધું કે સંદીપે ગેરકાયદેસર કામ કર્યું હશે, એના મહેનતાણા રૂપે એ રકમ એને મળી હશે. આ બાબતમાં પૂછપરછ કરતાં સંદીપે `મેં ગેરકાયદેસર કામ નથી કર્યું' એવું ભારપૂર્વક જણાવ્યું. `તો પછી આ પૈસા આવ્યા ક્યાંથી?'

`મારા પિતાના મિત્રએ આપ્યા છે.'

`એમ? એમણે આટલી મોટી રકમ શા માટે આપી?'

`મારા ફાધરે એ રકમ એમના ફાધરને ચૂકવી દીધી છે.' નિખાલસપણે સંદીપે જવાબ આપ્યો.

`ઓહ! એટલે તમારા ફાધરે તમારા ખર્ચાની રકમ હવાલા મારફતે મોકલાવી છે. એમણે મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે.' એ ઓફિસરે સંદીપને અમેરિકામાં પ્રવેશવા ન દીધો. મની લોન્ડરિંગના ગુનાસર એના સ્ટુડન્ટ વિઝા નકારવામાં આવ્યા. કેનેડાથી એને ઈન્ડિયા જવાની ફરજ પાડી.

સંદીપે હવે `નોન-ઈમિગ્રન્ટ વેવર'ની અરજી કરી છે, પણ એ વાતને એક વર્ષ વીતી ગયું છતાં હજુ એની અરજીનો જવાબ નથી આવ્યો. સંદીપની આખી કરિયર, જે ખૂબ જ ઊજળી હતી, એ આવા હવાલાના કૌભાંડના કારણે, મની લોન્ડરિંગના ગુનાસર ધૂંધળી થઈ ગઈ.

કંઈકેટલાય ભારતીય વિદ્યાર્થીઓ છે, જેઓ અમેરિકામાં ભણવા જતા હોય છે અને એમનાં મા-બાપો એમની ફી અને ખર્ચાના પૈસા હવાલા મારફતે મોકલાવે છે. એના કારણે એમનાં સંતાનોની કારકિર્દી ખલાસ થઈ જાય છે. સંદીપ અશોકકુમાર શાહની વાત એક સત્યઘટના છે. ફક્ત નામો બદલ્યાં છે. તમારાં સંતાન જો અમેરિકામાં ભણવા જવા ઈચ્છતાં હોય યા ભણતાં હોય તો મહેરબાની કરીને એમના ખર્ચાના પૈસા હવાલા મારફતે મોકલતા નહીં. નહીં તો એમની કારકિર્દી ભયમાં આવી જશે.