આયુર્વેદીય ચિકિત્સા વ્યવસાયના લાંબા અનુભવ પરથી એટલું તો અવશ્ય કહી શકાય કે સંક્રામક(ઈન્ફેક્શીયસ) અને દોષજ વ્યાધિઓમાં શિર:શૂળ એક સામાન્ય અને મહત્ત્વપૂર્ણ લક્ષણ સ્વરૂપે જોવામાં આવે છે.

ચિંતા, ક્રોધ વગેરે માનસિક કારણો સાથે શિર:શૂળને ઘનિષ્ઠ સંબંધ હોય છે. આંખ, નાક, કાન, સાયનસ, ગ્રીવા વિકાર, દંત વિકાર વગેરે ઊર્ધ્વ અંગોના વિકારોમાં શિર:શૂળનું કષ્ટ અવશ્ય જોવામાં આવે છે.

મેનિન્જાયટિસ, લોહીનું ઊંચું દબાણ, તીવ્ર તાવની વિષમયતા તથા બીજા રોગોની વિષમયતા, અનંતવાત (ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા), અર્ધાવભેદક (માઇગ્રેન) વગેરે શિર: સંસ્થાનીય વ્યાધિઓમાં તીવ્ર સ્વરૂપની શિરોવેદના જોવામાં આવે છે. લીવર અને પિત્તાશય (ગોલબ્લેડર)ના વિકાર, કબજિયાત, સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતા, લોહીની ઊણપ, કૃમિ વગેરે સામાન્ય સ્વરૂપના રોગોમાં પણ મંદ સ્વરૂપની શિરોવેદના જોવામાં આવે છે.

તીવ્ર શરદી-સળેખમ, ઇન્ફ્લુએન્ઝા, મેલેરિયા, ટાઈફોઈડ, ફેફસાંનો સોજો વગેરે વ્યાધિઓમાં શિર:શૂળ એક મુખ્ય લક્ષણ સ્વરૂપે પણ જોવા મળે છે. તાવ અને ઇન્ફેક્શનનાં બીજાં લક્ષણો હોય તો સંક્રામક વ્યાધિનો નિર્ણય કરી શકાય છે. મેનિન્જાઇટિસ અને કફજ વ્યાધિઓમાં પ્રાયઃ તીવ્ર સ્વરૂપે શિર:શૂળ જોવામાં આવે છે. વિશિષ્ટ વ્યાધિઓનાં બીજાં પ્રધાન લક્ષણોની હાજરી અથવા ગેરહાજરીના આધારે શિર:શૂળનાં મૂળ કારણોનો નિર્ણય કરવો જોઈએ.

અનેક દર્દીઓમાં માનસિક દુ:શ્ચિનતાઓને લીધે અથવા દૃષ્ટિ અસામર્થ્યને લીધે ઘણા સમય સુધી સ્થિર સ્વરૂપે શિરોવેદના જોવામાં આવે છે. વાસ્તવિક રીતે શિર:શૂળનો સાચો ઉપચાર તેના સાચા કારણ, નિદાન પર આધાર રાખે છે.

કેટલાક ઉપચારો

તાવને કારણે થતી વિષમયતા તથા બીજા પૈત્તિક લક્ષણોની ઉગ્રતાથી ઉત્પન્ન થતા શિર:શૂળ માટે લીમડાનાં પાન, લવિંગ, ધાણા, એલાયચી, જટામાશી તથા કપૂરને ગુલાબજળમાં લસોટીને તેનો લેપ બંને લમણા પર કરવો જોઈએ.

ખસવાળો, જટામાશી, આમળાં, તજ તથા કમળનાં કે ગુલાબનાં ફૂલને પાણી સાથે લસોટી તેનો લેપ કરવાથી શિર:શૂળ શાંત થાય છે.

જૂની શરદી-સળેખમ, આધાશીશી વગેરેમાં જાયફળને પાણીમાં ઘસીને કપૂર મેળવીને તેનો લેપ લમણા અને કપાળ ઉપર કરવો જોઈએ.

કેસર, લવિંગ, જાવંત્રી, કપૂર અને સ્વલ્પ માત્રામાં પીપરમેન્ટ ઓઇલ અને બદામનું મીંજ ખૂબ બારીક લસોટી તેનો ચંદનની જેમ લેપ કરવો જોઈએ.

શિર:શૂળના પ્રકારોમાં આધાશીશી, સૂર્યાવર્ત, જૂની શરદી જનિત શિર:શૂળ વગેરેમાં ઘૃતકપૂરનું નસ્ય અથવા ષડબિંદુ તેલનું નસ્ય ખૂબ લાભ આપે છે.

શિર:શૂળની ચિકિત્સામાં પિત્ત અને મળનું શોધન મહત્ત્વનો ઉપચાર ગણાવાય છે. કોઈ વિશેષ કારણ ન હોય તો શિર:શૂળવાળાએ દર ત્રીજા કે ચોથા દિવસે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણથી કોષ્ઠ શુદ્ધિ કરી પિત્તનું નિર્હરણ કરવું જોઈએ. આ ઉપચારથી ચિરકાલાનુબંધી શિર:શૂળ મટી ગયાનાં મારી પાસે સંખ્યાબંધ ઉદાહરણ છે.

આયુર્વેદમાં શિર:શૂળને એક સ્વતંત્ર વ્યાધિ પણ ગણાવાયો છે અને ઘણા વ્યાધિનાં લક્ષણોમાં પણ તેનું નિરૂપણ થયું છે. આમ, શિર:શૂળના વ્યાધિજન્ય, દોષજન્ય વગેરે જે કારણો હોય તે કારણોને દૂર કરવામાં આવે તો જ શિર:શૂળની શાંતિ થાય.