આપણે ત્યાં મહેમાન અને યજમાનના ઘણા બધા કિસ્સા સંભાળવા મળતા હોય છે. જેમાં મોટાભાગના કિસ્સામાં દેવ જેવા અતિથિ, દાનવ બનીને યજમાનની પથારી ફેરવી નાંખતા હોય છે. આવું કાયમ બનતું નથી. ઘણીવાર યજમાન પણ મહેમાનનો `પિરિયડ' લઇ નાખતા હોય છે. હમણાં થોડા દિવસ પહેલાં જ મને પણ આવા જ એક `માથાભારે' યજમાનનો અનુભવ થયો.
બન્યું એવું કે મારે મારા કામ માટે એક અજાણ્યા શહેરમાં જવાનું થયું. મારે જ્યાં જવાનું હતું ત્યાં મારા એક જૂના ઓળખીતા રહેતા હતા. મેં એમને ફોન કરી એમની અનુકૂળતા પૂછી તો એમણે મને `આવો' એટલું જ કહ્યું. હું ટ્રેનમાં બેસી યજમાનના શહેરમાં ઊતર્યો. રિક્ષા લઈ શોધતો શોધતો યજમાનના ઘરે પહોંચ્યો. ઘણીવાર દરવાજો ઠોક્યા પછી યજમાને માંડ દરવાજો ખોલ્યો. દરવાજો ખૂલતાં જ યજમાન પહેલાં એમના મોટા ડાઘિયા જેવા આલ્સેશિયન કૂતરાએ મારું સ્વાગત કર્યું. એ મારી છાતી પર બે પગ મૂકી ઊભો રહ્યો અને મારું મોઢું ખૂબ નજીકથી જોવા લાગ્યો. હું તો છળી મર્યો હતો. ત્યાં યજમાને રાડ પાડી `નો જિમી. ગો જિમી.' આ સાંભળી પેલો ડાઘિયો જિમી એક રૂમમાં જતો રહ્યો. મારો શ્વાસ હેઠો બેઠો.
મેં યજમાન સાથે વાત કરવા મોઢું ખોલ્યું ત્યાં જ યજમાન બોલ્યા, `દસ વાગી ગયા છે. સૂઈ જાઓ.' અને એ મને મારો રૂમ દેખાડી સૂવા જતા રહ્યા. મેં રૂમમાં બેગ મૂકીને જોયું તો ત્યાં એક પલંગ હતો, જેના ઉપર પેલો ડાઘિયો જિમી અડધો પલંગ રોકી સૂતો હતો. યજમાને તો મને જમવાનું કંઈ પૂછ્યું નહોતું, પણ મેં ટ્રેનમાં નાસ્તો કરેલો એટલે વાંધો ન આવ્યો. હું કપડાં બદલી, પલંગની વધેલી જગ્યામાં જિમીની બાજુમાં સૂઈ ગયો, પણ આખી રાત જિમી મને ધક્કા માર્યા કરતો હતો.
અચાનક બીજા દિવસે સવારે છ વાગ્યે પંખો બંધ થઇ થઈ ગયો. ગરમીમાં મારી આંખ ખૂલી ગઈ. ત્યાં જ યજમાન મારા રૂમમાં આવી જિમી સાથે મોટા અવાજ કરી રમવા માંડ્યા. હું સફાળો બેઠો થઇ ગયો. ત્યાં યજમાન બોલ્યા, `અમારે ત્યાં રોજ સવારે છથી નવ સુધી પાવરકટ હોવાથી લાઈટો જતી જ રહે છે. આમ તો અમે ડીઝલનું જનરેટર વસાવ્યું છે, પણ એ અમે ક્યારેય ચાલુ નથી કરતા.' હું ઊંઘ પૂરી ન થઇ હોવા છતાં જાગી ગયો. નહાઈને ફ્રેશ થઈ હું ચા-નાસ્તો કરવા ગયો તો યજમાને ફરી ધડાકો કર્યો, `અમે સવારે ચા-નાસ્તો કરતા જ નથી.' મેં કહ્યું, `સારું, હું કામે જાઉં છું તો બહાર જ એ પતાવી લઈશ.' યજમાને કડક અવાજે કહ્યું, `જ્યાં જવું હોય ત્યાં રિક્ષામાં જજો, મારી કાર ફ્રી નથી.' આટલું બોલી એ કાર લઇ જતા રહ્યા. હું અજાણ્યા શહેરમાં રિક્ષાવાળાથી લૂંટાતો કામ પતાવવા ફરવા માંડ્યો.
બપોરે અઢી વાગ્યે મારું કામ પતાવી રિક્ષામાં યજમાનના ઘર તરફ હું જઈ રહ્યો હતો, ત્યારે યજમાનનો ફોન આવ્યો. એમણે મને વેધક પ્રશ્ન કર્યો, `ક્યાં છો?' મેં કહ્યું, `રિક્ષામાં છું, ઘરે જ આવું છું.' તો એમણે મને કરડા અવાજે કહ્યું, `જમવા માટે ઘરે આવતા હો તો ન આવતા. અમે એક વાગ્યે જમી લઈએ છીએ. એટલે હવે તમે બહાર જમીને આવજો.' હું બઘવાયો, મેં કહ્યું, `સારું, તો હવે હું સાંજે જ ઘરે આવીશ.' એમણે સપાટ અવાજમાં કહ્યું, `આઠ વાગ્યા પહેલાં આવી જજો. અમે આઠ વાગ્યે જમી લઇએ છીએ. એ પછી આવશો તો તમારા માટે જમવાનું નહિ હોય.' આટલું બોલી એમણે ફોન કાપી નાખ્યો. હું તો સુન્ન થઇ ગયો હતો. સારી હોટલમાં જમી, બીજું કામ પતાવવા નીકળી પડ્યો.
મારું કામ પતતા સાડા આઠ થઇ ગયા. યજમાને સાંજે જમવાની આઠની લિમિટ આપી હતી એટલે હું ફરીથી હોટલમાં જમવા ગયો. હું જમતો'તો ત્યાં યજમાનનો ફોન આવ્યો `ઓ ભ'ઈ, નવ વાગ્યા. હવે તમે ઘરે આવવાના છો કે નઈ? કે પછી બીજે રોકવાના છો? અમને આમ રોજ રોજ મોડે સુધી જાગવાની આદત નથી, શું?' આ સાંભળી ફટાફટ જમી હું યજમાનના ઘરે પહોંચી ગયો. યજમાને કટાણું મોઢું કરી કમને બારણું ઉઘાડ્યું. હું બોલ્યા વગર મારા રૂમમાં ગયો. જિમી ડાઘિયાની બાજુમાં પડ્યા પડ્યા મને પેલી પંક્તિઓ યાદ આવી, `આવ નહિ, આદર નહિ, નહિ નયનમાં નેહ, એ ઘર કદી ન જાઈયે, ભલે કંચન વરસે મેહ.'
અને બીજે દિવસે સવારે છ વાગતા પહેલાં હું યજમાનના ઘરમાંથી એમને કહ્યા વગર નીકળી ગયો અને રિઝર્વેશન વગર ટ્રેનમાં બેસી ઘરે આવતો રહ્યો.