આયુર્વેદમાં કેટલાંક ઔષધ ચૂર્ણોનું વિશેષ મહત્ત્વ છે. આવા એક ચૂર્ણનું નામ છે, `અર્જુન ચૂર્ણ'. આ અર્જુનનું ગુજરાતી નામ છે, સાદડ અથવા સાજડ.

આપણાં જંગલોમાં સાગનાં વૃક્ષોની સાથે સાજડનાં વૃક્ષો પણ ઘણા પ્રમાણમાં ઊગી નીકળે છે. પુખ્ત ઉંમરના સાજડના વૃક્ષની દળદાર છાલને સૂકવીને તેનું સૂક્ષ્મ ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ એટલે વૈદ્યોનું માનીતું અર્જુન ચૂર્ણ.

આયુર્વેદના ગ્રંથોમાં અર્જુન ચૂર્ણના અનેક ગુણધર્મો દર્શાવાયા છે. આમાંનો એક ગુણ છે, `હૃદ્ય'. આ `હૃદ્ય'નો અર્થ થાય હૃદયને બળ આપનાર અથવા હૃદય માટે હિતકારી. અર્જુનનાં આયુર્વેદમાં ચાર-પાંચ નામ છે. આમાંનું એક નામ છે, `કકુભ'. આ કકુભ વિશે આયુર્વેદમાં એક શ્લોક આ પ્રમાણે છે,

ઘૃતેન દુગ્ધેન ગુડામ્ભસાવા

પિબંતિ ચૂર્ણ કકુત્ભત્વચો યે।

હૃદ્રોગે જીર્ણજ્વર રક્તપિત્તં

હૃત્વાભવેયુશ્ચિર જીવિનસ્તે ॥

અર્જુન છાલનું ચૂર્ણ ઘી સાથે, દૂધ સાથે, ગોળ સાથે અથવા જળ સાથે પીવામાં આવે તો હૃદયરોગ, જીર્ણ તાવ, રક્તપિત્ત રોગ નષ્ટ થાય છે અને તે ચિરકાળ સુધી જિવાડે છે.

અર્જુનના ઉપયોગથી હૃદયને આવશ્યક રક્તની પૂર્તિ થવાથી હૃદયનું સંકોચન, વિકાસ અને ક્ષણિક આરામ - આ ત્રણેય ક્રિયાઓ વ્યવસ્થિત થતી હોવાથી હૃદયને પોતાનું કાર્ય કરવામાં જરૂરી એવું બળ મળી રહે છે. હૃદય શૈથિલ્ય એવં તદ્જન્ય સોજોત્પત્તિમાં તેની છાલનું ચૂર્ણ એકથી દોઢ ચમચી જેટલું એટલા જ પ્રમાણમાં ગોળ સાથે મલાઈ વગરના એક ગ્લાસ ગાયના દૂધ સાથે મિશ્ર કરીને ઉકાળીને પીવાથી ખૂબ લાભ થાય છે.

અર્જુનમાં હૃદય શૈથિલ્ય અને ઉત્તેજક - આ બે ગુણ એકત્રિત હોવાથી હૃદયરોગમાં તે ઉત્તમ કાર્ય કરે છે. ક્ષયકારક જીર્ણજ્વરમાં પણ હૃદય અશક્ત અને નાડીની ગતિ વધી જાય છે. આ અવસ્થામાં અર્જુનનો ઉપયોગ હિતકારી બને છે. તેના ઉપયોગથી રક્તમાં કેલ્શિયમના અંશની સાથે રક્તકણોની વૃદ્ધિ થાય છે, જેથી સમગ્ર શરીરમાં ઉત્સાહ-સ્ફૂર્તિની વૃદ્ધિ થાય છે.

અર્જુન ચૂર્ણ બનાવવા અર્જુન-સાદડ કે સાજડ વૃક્ષની જાડી છાલ જ લેવી જોઈએ. પાતળી છાલમાં ઓછા ગુણ હોય છે. અર્જુન ચૂર્ણનો દૂધ સાથે ઉપયોગ કરતી વખતે તેમાં થોડો ગોળ અથવા સાકર મેળવીને પીવાથી ત્વરિત લાભ મળે છે અને યથાસંભવ તેનો સવારે અને સાંજે ખાલી પેટે જ ઉપયોગ કરવો જોઈએ.

હૃદયરોગ સિવાય પણ અર્જુન ચૂર્ણ, અર્જુનારિષ્ટ, અર્જુન કવાથ, અર્જુન ફાંટ, અર્જુનાસવ વગેરે અનેક રોગોમાં પ્રયોજાય છે. અર્જુન શીતળ હોવાથી પિત્તશામક છે. ઉપરાંત તે અનુલોમક, સ્નેહક, અમ્લતાનાશક, કફઘ્ન, વાજીકર, મૂત્રલ, ગર્ભસ્થાપક, દાહનાશક, વેદનાશામક, વ્રણરોપણ, રસાયન તથા ઉદરગત વાયુ, ગોળો, અમ્લપિત્ત, વિબંધ, શ્વાસ, ઉધરસ, રક્તપ્રદર વગેરે અનેક રોગોમાં હિતકારી ગણાવાય છે. આવું આ વિભિન્ન ગુણો ધરાવતું અર્જુન ચૂર્ણ લગભગ દરેક ફાર્મસીઓ બનાવતી હોય છે, પરંતુ બનાવ્યા પછી બે મહિના બાદ આ ચૂર્ણ પોતાના ગુણધર્મો ધીમે ધીમે ગુમાવતું હોવાથી તેનો ઉપયોગ કરનારે અર્જુનની પુષ્ટ છાલ લાવી તેનો ઘરે બનાવીને જ ઉપયોગ કરવો જોઈએ.