થોડા સમય પહેલાં `ઇન્ડિયન આઈડલ'ના એક એપિસોડમાં મહેમાન બનેલાં એક્ટ્રેસ શબાના આઝમીએ તેમના પિતા કૈફી આઝમીના ગીત `મિલો ના તુમ તો હમ ઘબરાયે, મિલો તો આંખ ચુરાયે' અંગે જૂની સ્મૃતિઓ તાજી કરી, ત્યારે સહમહેમાન ગીતકાર મનોજ મુન્તશીરે દર્શકોને યાદ કરાવ્યું કે આ ફિલ્મ `હીર રાંઝા' હિન્દી સિનેમાના ઈતિહાસની એકમાત્ર ફિલ્મ છે જે મ્યુઝિકલ છે, યાની તેના સંવાદો પદ્યમાં છે અને તેના લેખક પણ કૈફી આઝમી જ હતા.

આ પ્રકારનું લખાણ સહેલું નથી. હિન્દી સિનેમામાં હીરો અને હિરોઈન ગીતો કે શેરોશાયરી દ્વારા પ્રેમની કે લાગણીઓની અભિવ્યક્તિ કરે તે સહજ મનાય છે, પરંતુ ફિલ્મનાં બધાં જ પાત્રો કવિતામય સંવાદો બોલે તે સંવાદ લેખકની એક બેમિસાલ કળા કહેવાય. કૈફી આઝમીએ `હીર રાંઝા'નાં બે મુખ્ય કિરદારો, રાજ કુમાર અને પ્રિયા રાજવંશ જ નહીં, પરંતુ પ્રાણ, જયંત, અચલા સચદેવ, વીણા, પદ્મા ખન્ના, ઇન્દ્રાણી મુખર્જી, તબસ્સુમ, જીવણ, એ. કે. હંગલ અને પૃથ્વીરાજ કપૂર જેવાં કલાકારો માટે પણ કાવ્યાત્મક સંવાદો લખ્યા હતા અને તે પણ ઉર્દૂ-હિન્દીના મિશ્રણ સાથે.

એ પ્રયોગ સાહસ તો કહેવાય. હિન્દી ફિલ્મો ફોર્મ્યુલા પર ચાલે છે. તેના નિર્માણમાં કોઈકના પૈસા લાગ્યા હોય છે. તેને વળતરમાં રસ હોય છે. વિતરકો અને પ્રદર્શકો પણ એવી જ ફિલ્મોને હાથ લગાડે, જે હાઉસફુલની ગેરંટી આપે. એટલે એમાં પ્રયોગોને અવકાશ રહેતો નથી.

1970માં રિલીઝ થયેલી `હીર રાંઝા'ની વાર્તા નવી નહોતી. પંજાબમાં તેમની લોકકથા ઘરે-ઘરે જાણીતી છે. 1766માં પંજાબી કવિ વારિસ શાહે `હીર' નામની એક લાંબા કાવ્યમાં આ પ્રેમકથાને અમર કરી દીધી હતી. આ વાર્તા એટલી પ્રસિદ્ધ હતી કે મૂંગી અને બોલતી ફિલ્મોના દોરને મળીને તેના પર કુલ 18 ફિલ્મો બની હતી. એટલે નિર્દેશક ચેતન આનંદ `હીર રાંઝા'ને અલગ રીતે પડદા પર પેશ કરવા માંગતા હતા.

ચેતન આનંદ એવું માનતા હતા કે સંગીત એ વાર્તાનો ભાવનાત્મક, આંતરિક પ્રવાહ છે. સંવાદ એ પાત્રોની ભૌતિક બાહ્ય વાસ્તવિકતા છે. તેમની ફિલ્મોએ બંનેને એકસાથે સરસ રીતે જોડી દીધા હતા.

`હીર રાંઝા' તેમની પહેલી રંગીન ફિલ્મ. તેમણે ચોક્કસ મનોભાવોને વ્યક્ત કરવા માટે કુશળતાથી રંગોનો ઉપયોગ કર્યો હતો. જેમ કે, હીર (પ્રિયા રાજવંશ) ફિલ્મની શરૂઆતમાં સફેદ રંગનો પોષક પહેરે છે, પણ રાંઝા તેના જીવનમાં આવે છે ત્યારે રતાશ પડતો ગુલાબી પહેરે છે. બંને વચ્ચે પ્રેમ પાંગરે છે, ત્યારે તે પીળો રંગ ધારણ કરે છે અને જ્યારે પ્રેમ સંતુષ્ઠ થાય છે ત્યારે લાલ પહેરે છે. અલબત્ત, જ્યારે દુઃખ આવે છે ત્યારે તે કાળો પહેરે છે.

તેમના ઉત્કૃષ્ટ કેમેરામેન જાલ મિસ્ત્રીની મદદથી ચેતન આનંદે પડદા પર એક શુદ્ધ કવિતા રચી હતી. ફિલ્મનાં સાત સદાબહાર ગીતો અને કાવ્યાત્મક સંવાદોએ દર્શકોના કાનમાં મધ જેવી મીઠાશ ભરી દીધી હતી, તો તેના લોકેશન્સ શૂટિંગના કારણે આંખો સામે સ્વર્ગ રચી દીધું હતું. ફિલ્મને મળેલો એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે હતો.

 ચેતન આનંદ, કૈફી આઝમી અને સંગીતકાર મદન મોહને એક એવી કૃતિ સર્જી હતી જે સમયનું બંધન તોડીને આટલા વર્ષો પછી પણ એટલી જ આકર્ષક છે. રાંઝા ચેનાબ નદીની સામેના ગામમાં રહેતા પરિવારની છોકરી હીરના પ્રેમમાં પડે છે, પરંતુ બંને ગામોની પરંપરાગત દુશ્મનીના કારણે એ પ્રેમનો અંજામ બંનેના અવસાનમાં આવે છે. ચેતન આનંદે એકબીજાની છેડતી, પ્રેમ, મિલન અને વિયોગની આ કહાનીને ખૂબસૂરત રીતે પેશ કરી હતી.

ચેતન આનંદ અને કૈફી આઝમીના હાથમાં `હીર રાંઝા'ની લોકકથા એક રોમેન્ટિક કહાની બનીને ન રહી જતાં, સામાજિક રૂઢિઓ પર તીખી આલોચના બની ગઈ હતી. કૈફી સમાજવાદના રંગે રંગાયેલા એક ક્રાંતિકારી શાયર હતા. ફિલ્મમાં તેમનાં ગીતો અને સંવાદોમાં પુરુષસત્તાક સમાજની પરંપરાનો ઇન્કાર હતો. એક `નાસ્તિક' શાયરની કવિતામાં પ્રેમ કેવી રીતે ખુદા બની જાય છે એ તો કૈફી પાસેથી શીખવું પડે. તેમણે લખ્યું હતું,

અપના પતા મિલે ન ખબર યાર કી મિલે

દુશ્મન કો ભી ના ઐસી સજા પ્યાર કી મિલે

ઉનકો ખુદા મિલે, હૈ ખુદા કી જિન્હેં તલાશ

મુઝકો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે

યે દુનિયા, યે મહેફિલ મેરે કામ કી નહીં,

મેરે કામ કી નહીં.

લગ્નના એક દૃશ્યમાં જ્યારે કાઝી હીરની સંમતિ પૂછે છે ત્યારે તે લાંબા વાદવિવાદમાં કાઝીને સાપ પણ કહે છે. કાઝી જ્યારે કહે છે પ્રેમ મજહબનો દુશ્મન છે, ત્યારે હીર ઠંડકથી કહે છે કે તો પછી અલ્લાહના નામ પર તમે જતા રહો!

ચેતન આનંદે રાજજી સાથે 3 ફિલ્મો કરી હતી અને ત્રણેએ સરસ કાઠું કાઢ્યું હતું, હીર રાંઝા, હિન્દુસ્તાન કી કસમ અને કુદરત. `જાની' રાજ કુમારને આપણે તેમના શાનદાર અને જાનદાર સંવાદો માટે યાદ કરીએ છીએ, પરંતુ `જાની'ના એ અવતાર પહેલાં તે રોમેન્ટિક હીરો હતા અને `હીર રાંઝા' તેમની સૌથી યાદગાર ફિલ્મ છે.

આજે રાંઝાના કિરદારમાં તેમની કલ્પના કરવી મુશ્કેલ છે, પણ તેમણે વાંસળી વગાડતા, કવિતાઓ બોલતા અને કિશન કનૈયાની જેમ `ગોપીઓ'ને પજવતા ગામડિયાનો કિરદાર ખૂબસૂરત રીતે નિભાવ્યો હતો.

જોકે, ઘણા દર્શકોની ફરિયાદ હતી કે હીરના કિરદારમાં `વિદેશી' દેખાવવાળી પ્રિયા રાજવંશ કમજોર સાબિત થઇ હતી. તે ખુશી સિવાયની બીજી લાગણીઓને ગહેરાઈથી વ્યક્ત કરી શકતી નહોતી. તેનો ચહેરો અસાધારણ રીતે સુંદર હતો એટલે તેને ફિલ્મો મળી રહેતી હતી, પરંતુ અભિનયનો સવાલ છે ત્યાં સુધી ઘણા લોકોને તે પથ્થરની મૂર્તિ જેવી લાગી હતી. ચેતન આનંદ જોકે તેની પાસે કામ કઢાવી શકતા હતા તેનું કારણ બંને વચ્ચેનો મીઠો સંબંધ હતો, પણ એ એક બીજી વાર્તા છે.