મીરાંના મનોજગતમાં પ્રણયના તાર કંતાવા લાગ્યા હતા. રેંટિયો કાંતતા તાર તૂટ્યો હતો, પણ અંતરનો તાર જોડાતો હતો. સામે ક્રાંતિકારી પૃથ્વીસિંહ આઝાદ એકદમ સાવધ થઇ ગયા હતા. આશ્રમમાં પ્રવેશ પામ્યા પછી ઘણી પ્રવૃતિમાં ફાવટ આવી ગઈ હતી, પરંતુ રેંટિયા-કાંતણ શીખવવાનું કામ ગાંધીજીએ અંગ્રેજ મહિલા મિસ મેડલિન સ્લેડ ઉર્ફે મીરાંને સોંપ્યું હતું.
જ્યારે પૃથ્વીસિંહને આશ્રમ પરિવારમાં સ્થાન આપ્યું ત્યારે આશ્રમજીવનના કેટલાક નીતિનિયમોની સમજ આપી હતી: `આશ્રમમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધો માતા, ભગિની કે દીકરી સ્વરૂપે જ જળવાવા જોઈએ. તમે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશો એવી આશા રાખું છું.' સામે પ્રતિબદ્ધતાથી પ્રતિસાદ આપ્યો હતો: `માતા, બહેન ને પુત્રીનો સંબંધ બહુ પવિત્ર ગણાય છે. હું આ સંબંધોની પવિત્રતા જાળવવા પ્રતિજ્ઞાબદ્ધ રહીશ, પણ બાપુ સામેની પ્રતિજ્ઞાના પાયા હચમચવા લાગ્યા હતા. ક્રાંતિકારી પૃથ્વીસિંહનું હૃદય પરિવર્તન થતાં પોતાની જાતને સમર્પિત કરતાં કહ્યું હતું: `બાપુ, ત્રાસવાદ પર હવે મને બિલકુલ વિશ્વાસ નથી રહ્યો.' પૃથ્વીસિંહે ગાંધીબાપુને ચરણે જઇ કહ્યું હતું: `જનતાની તાકાત પર મને ભરોસો છે. જનતાની તાકાતને જાગ્રત કરવામાં આપે જે કાર્ય કર્યું છે એનાથી હું પ્રભાવિત છું.'
ગાંધીજી ભારે પ્રસન્ન થયા હતા. બાપુ સમક્ષ નિવેદન કરતાં કહ્યું હતું: `રાષ્ટ્રના પ્રતિનિધિ સમક્ષ વિના કોઈ શરતે હું આત્મસમર્પણ કરું છું.' પછી લાંબા પત્રવ્યવહાર બાદ થાણા જેલમાંથી મુક્ત થઇ આશ્રમવાસી થઇ ગયા હતા, પણ પ્રેમ અને સુગંધ છાના રહેતાં નથી.
`એક રાધિકાની આત્મકથા'માં મીરાંબહેન લખે છે: `તેમની નિખાલસ ને નીડર વર્તણૂકથી મને આનંદ આવતો. મને લાગવા માંડ્યું કે કોઈક મળ્યું ખરું કે જેની સાથે હું સ્વતંત્રતાથી કામ કરી શકું.'
મીરાંનો પ્રેમ નિર્મળ, નિર્ભેળ ને નિર્વાજ્યપણે રાજકુંવરી જેમ દિન-રાત વધતો જતો હતો. ક્રાંતિકારી સ્વામીરાવની આત્મકથામાં પૃથ્વીસિંહ લખે છે: `મીરાં મને પ્રેમ કરે છે ને હું એને પ્રેમ કરતો નથી એવી વાત બાપુને કહેવી કેવી રીતે? કદાચ આમ કરું તો મીરાં પોતાના મુખે પોતાની નબળાઈ સ્વીકારે ખરી? અને સ્વીકારી લે તો મારો જવાબ એના માટે શો હોય? આવા પ્રશ્નોને કારણે મારામાં મનોમંથન જાગ્યું. છેવટે મને એક કાયરની જેમ આશ્રમમાંથી ગરદન ઝુકાવી ભાગી જવાનું મન થયું, પરંતુ આ માટે કંઇક બહાનું તો મળવું જોઈએને?' છેવટે બહાનું મળી ગયું. પરિવારને મળવા બાપુએ પૃથ્વીસિંહને રંગૂન જવાની સઘળી ગોઠવણ કરી આપી. પૃથ્વીસિંહને હતું સમય જતાં મીરાં ભૂલી જશે, પણ એમ ન બન્યું. મીરાં તો પ્રેમદીવાની હતી. પૃથ્વીસિંહના પરત આવ્યા બાદ તેનો પ્રેમ અધિક પ્રગટ થવા લાગ્યો હતો. છેવટે આશ્રમ છોડી પૃથ્વીસિંહ ભાવનગર જાય છે. મીરાં પોતાના પ્રેમનો ખુલ્લો એકરાર કરતો પત્ર લખે છે: `મારા પ્રિય પૃથ્વી, પરમાત્માએ જે આપ્યું છે તે બદલ ધન્યવાદ હું કઈ રીતે વ્યક્ત કરું? ઓહ પૃથ્વી! તું નહીં માને, તેં પણ મને ઘણું આપ્યું છે. મેં બાપુના ઉદ્દેશ્યો પાર પાડવા તનતોડ પરિશ્રમ કરી સેવા કરી છે, પરંતુ એ બધામાં મને દુર્બળતા અને અભાવ જણાયા. જીવન અપૂર્ણ રહ્યું છે એવું લાગે છે. તું જ મને પૂર્ણ બનાવી શકીશ. તારો શબ્દેશબ્દ મારા હૃદય સિંહાસને બિરાજમાન છે. હું મારા આત્માની સમગ્ર શક્તિને તારામાં લીન કરી દઈશ.
- મીરાં'
પૃથ્વીસિંહે ઉત્તરમાં લખ્યું: `તમારા અગાઉના પત્રોથી મને લાગતું હતું કે, એમાં એક બહેનનાં હૃદયની લાગણીનો પ્રવાહ છે, પરંતુ આ પત્રમાં હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે, તમે મને દાંપત્યજીવનના પ્રેમમાં બાંધવા માગો છો. મારી સમજણમાં કંઈ ભૂલ થતી હોય તો માફી માગું છું. તમારો પત્ર હું પાછો મોકલું છું, જેથી તમે બાપુજીને બતાવી શકો છો. બાપુને પણ અભિપ્રાય આપવા દો. હું જે સમજ્યો છું તે બરાબર છે કે નહીં.'
મીરાંના એકરાર પછી બાપુએ ભાવનગર નાનાભાઈ ભટ્ટને પત્ર લખી પૃથ્વીસિંહની પૃચ્છા કરાવી હતી. જમનાલાલ બજાજને પણ કહ્યું હતું: `હવે આપણું કર્તવ્ય થઇ જાય છે, પૃથ્વીસિંહને સમજાવીએ કે તારા માટે જે વ્યક્તિ તપ કરે છે તેનું જીવન જોખમમાં છે. હઠ છોડી એને અપનાવી લો.' પૃથ્વીસિંહ બાપુને વર્ધામાં કહે છે: `મીરાંની મારા પ્રત્યેની લાગણી હું સમજુ છું, એ એક મહાન ને પવિત્ર કુમારિકા છે. મને અનન્ય પ્રેમ કરે છે, પણ મેં તેને ભગિની સ્વરૂપે જ જોઈ છે. જેને ભગિની ગણી હોય, એને ભાર્યા શી રીતે બનાવી શકાય?' પછી બંનેનું એક થવું શક્ય ન બન્યું.
બાપુના દેહવિલય બાદ મીરાં ઋષિકેશના સેવાકેન્દ્રમાં રત રહી. 34 વરસના ભારત વસવાટ પછી જીવનના અંતિમ શ્વાસ લગી વિએનામાં વસવાટ કર્યો. પૃથ્વીસિંહ આત્મકથામાં મીરાંનું પ્રેમસ્મરણ કરતાં લખે છે: `પ્રેમકથાઓ લખવાવાળા લેખકો કલ્પિત પાત્રોનો આશ્રય લે છે, પણ મીરાંબહેન સાથેના મારા પ્રેમપ્રસંગો એવા છે કે તે કલ્પિત વાર્તાને પણ પાછળ પાડી દે. મને મેળવવા માટે મીરાંબહેને જે તપ આદર્યું એ જો સાચા પ્રેમના જિજ્ઞાસુઓને પૂરું જાણવા મળે તો મીરાં પ્રત્યે એમના મસ્તક શ્રદ્ધાથી નમી પડે.'
પણ જીવનનાં અણમોલ મૂલ્યો અને આદર્શોને ઉજાગર કરવા, એક પ્રેમકથા અધૂરી રહી ગઇ.