તમે કોઈ પણ એરકન્ડિશનર એટલે કે એસીના રિમોટને ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે આમાં ઘણા મોડ હોય છે. આપણે ત્યાં તો મોટાભાગે લોકો કૂલિંગ મોડ જ વધારે વાપરે છે, કારણ કે બીજા મોડ વિશે ઓછી જાણકારી હોય છે, પરંતુ એસીમાં એક ઓટો મોડ એવો હોય છે જે બધા જ મોડનું મિક્સચર હોય છે, જાણીએ તેના વિશે

શું હોય છે ઓટો મોડ?

ઓટો મોડ બધા જ મોડનું મિક્સચર હોય છે. જો કોઈ પોતાના એસીને ઓટો મોડ પર રાખે તો ડ્રાય મોડ, હીટ મોડ અને કૂલ મોડ પણ એક્ટિવ થઈ જાય છે. ઓટો મોડમાં રૂમના ટેમ્પરેચર અનુસાર ફેન સ્પીડ અને ટેમ્પરેચર જાતે જ સેટ થઈ જાય છે. ઓટો મોડમાં કમ્પ્રેસર અને ફેન ક્યારે ઓન થશે, ક્યારે ઓફ થશે કે કેટલો સમય ચાલશે જેવી બાબતો એસી ઓટોમેટિક નક્કી કરે છે. ઓટો મોડ એક અનુકૂળ વાતાવરણ જાળવી રાખવામાં મદદ કરે છે.

એર કન્ડિશનરમાં આટલા કંટ્રોલ મોડ હોય છે

કૂલ મોડ : આ મોડમાં કૂલિંગ ટેમ્પરેચર અને સાથે સાથે ફેનની સ્પીડને પણ ચેન્જ કરી શકાય છે.

ડ્રાય મોડ : આ મોડ રૂમની હ્યુમિડિટી (ભેજ કે ભીનાશ)ને કંટ્રોલમાં રાખે છે, જે આપણા વાતાવરણમાં હોય છે.

હોટ મોડ : જેમ ઉનાળામાં કૂલ મોડ ઉપયોગી છે તેમ શિયાળામાં હોટ મોડ. હોટ મોડ હીટરનું કામ કરે છે. આ મોડ અત્યારના લેટેસ્ટ એસીમાં જોવા મળે છે.

ફેન મોડ : આ મોડમાં માત્ર બ્લોઅર ફેન જ ચાલશે તથા બ્લોઅર ફેનની સ્પીડને લો, મીડિયમ કે હાઈ કરી શકાય છે.

ઓટો મોડ : આ મોડમાં કૂલિંગ થાય છે જેમાં ટેમ્પરેચર અને ફેન સ્પીડ રૂમના ટેમ્પરેચર અનુસાર જાતે જ સેટ થઈ જાય છે.

ટર્બો મોડ : આ મોડમાં થર્મોસ્ટેટ બાયપાસ થઈ જાય છે તેનાથી ખૂબ જ જલદી કૂલિંગ થાય છે. એસી કટઓફ થતું નથી અને સતત લાંબો સમય ચાલતું રહે છે.

આ રીતે કામ કરે છે ઓટો મોડ

ઓટો મોડમાં એર કન્ડિશનરના સેન્સર રૂમના તાપમાનની સતત દેખરેખ રાખે છે અને તે અનુસાર સેટિંગ્સ એડજસ્ટ કરે છે. જ્યારે રૂમનું તાપમાન વધારે હોય છે ત્યારે યુનિટ ચાલુ થઈ જાય છે અને હવાને ઠંડી કરવાનું શરૂ કરી દે છે. જ્યારે તાપમાન નોર્મલ થઈ જાય છે ત્યારે એરકન્ડિશનર જાતે જ બંધ થઈ જાય છે. આ રીતે તે રૂમની હ્યુમિડિટી વધારે હોય તો એર કન્ડિશનર હવામાંથી હ્યુમિડિટી ઓછી કરવા માટે ડીહ્યુમિડિફિકેશન મોડ એક્ટિવ કરી દે છે. જ્યારે હ્યુમિડિટીનું સ્તર નોર્મલ થઈ જાય છે ત્યારે યુનિટ ડીહ્યુમિડિફિકેશન મોડને બંધ કરી દે છે.

ઓટો મોડ વીજળી બચાવે છે?

તમે એરકન્ડિશનરના ઓટો મોડ માટે પોતાની મરજી પ્રમાણે કોઈ પણ ટેમ્પરેચરને સેટ કરી શકો છો. ટેમ્પરેચર સેટ કર્યા પછી જો તમે ઓટો મોડ પર એસી ચલાવશો તો તે એ જ ટેમ્પરેચર પર ચાલશે. ઓટો મોડ પર એસી ચલાવવાથી તમને સ્ટેબલ અને કમ્ફર્ટેબલ કૂલિંગ તો મળશે જ સાથે સાથે વીજળીની બચત પણ થશે. એર કન્ડિશનર સતત કામ નહીં કરે, પરંતુ માત્ર ત્યારે જ કામ કરશે જ્યારે રૂમનું ટેમ્પરેચર વધી જાય અને તમે સેટ કર્યું છે તે ટેમ્પરેચર ન થઈ જાય. સ્વાભાવિક જ છે કે આનાથી ઊર્જાની બચત થશે અને પરિણામે ઓટો મોડથી વીજળી અને તમારા પૈસા બંને બચશે.

કયા એરકન્ડિશનરમાં ઓટો મોડ આવે છે?

ઓટો મોડ સામાન્ય રીતે વિન્ડો અને સ્પિટ એમ બંને એકરન્ડિશનરમાં ઉપલબ્ધ હોય છે. અત્યારના એરકન્ડિશનરમાં મોટાભાગે આ એક ડિફોલ્ટ સેટિંગ હોય છે. જોકે, એક બાબત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે એર કન્ડિશનરના મેક અને મોડલને આધારે ઓટો મોડનું સંચાલન અલગ-અલગ હોઈ શકે છે.