મહાભારતના `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મે લીડરના બાહ્ય દેખાવ તેમજ તેના સ્વાસ્થ્ય પર અત્યંત ભાર આપ્યો છે. તેમણે જુદીજુદી પરિસ્થિતિમાં લીડરની મનઃસ્થિતિ કેવી હોવી કે તેનું મનોબળ કેવું હોવું જોઈએ એ વિશે તો અનેકવાર કહ્યું જ છે, પરંતુ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે લીડર ગમે એટલો મક્કમ કે પછી ભલે એ ગમે એટલો હોશિયાર કે ઈનોવેટિવ હશે, પરંતુ જો તેની પાસે એક ચોક્કસ બાહ્ય અપિરિયન્સ નહીં હોય તો લોકો તેને ઝડપથી સ્વીકારશે કે ગંભીરતાથી લેશે નહીં. આખરે લોકોની સાયકોલોજી પર બાહ્ય બાબતો કે ભૌતિક બાબતોની અસર પહેલાં થતી હોય છે અને એ લીડરની જવાબદારી બને છે કે તે પોતે અથવા તેનું કામ પહેલી નજરે લોકોની નજરમાંથી મિસ ન થઈ જાય.

આ માટે જ ભીષ્મે વારંવાર લીડરના બાહ્ય દેખાવ બાબતે યુધિષ્ઠિરને સલાહો આપી છે. તેમણે કહ્યું છે કે તમારું અસ્તિત્વ પ્રભાવક બનાવવા માટે તમારે એક ગર્ભિણી સ્ત્રી તેના ખોરાક સાથે બાંધછોડ કરે એમ લીડરે ધ્યાન રાખવું પડશે. જેમ એક ગર્ભિણી સ્ત્રી તેના ભૃણના વિકાસ માટે થઈને ગમે એવું આચરકૂચર ખાવાનું બંધ કરે છે. તેમજ સ્વાદમાં અપ્રિય હોય છતાં અમુક સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાય છે એમ જ લીડરે પણ એવો તમામ ખોરાક કે તમામ દ્રાવણો ત્યજવાનાં છે, જે તેની લીડરશિપમાં કે તેના કામમાં બાધા નાંખી શકતાં હોય. આ માટે નશો કરવાની તો ભીષ્મે અગાઉ પણ ના જ કહી છે કે નશો લીડરના મન પર ખોટી અસર કરે છે કે તેની આક્રમકતાની ધાર કાઢી આપે છે. એટલે જો તમારે શાંતચિત્ત રહી કામ કરતા રહેવું હોય તો નશાથી દૂર જ રહેવું.

આ ઉપરાંત ભીષ્મે એમ પણ કહ્યું છે કે લીડર માટે નીરોગી રહેવું અત્યંત મહત્ત્વનું છે. એ માટે લીડરે કટાણે ખાવાનું ટાળવું, વિરુદ્ધ આહાર ટાળવો અને ઋતુઓ મુજબનો આહાર ગ્રહણ કરવો, જેથી આહારને કારણે લીડરના શરીરમાં કોઈ વિકાર ઊભો ન થાય અને એ કારણે તે નબળો ન પડે. આ સાથે જ ભીષ્મે વ્યાયામને પણ અત્યંત મહત્ત્વ આપ્યું છે. તેમણે કહ્યું છે કે સતત વ્યાયામ એ લીડરના શરીર અને મનને નહીં, પરંતુ તેનાં કાર્યોને પણ પ્રભાવિત કરે છે. કારણ જે લીડર નિયમિત વ્યાયામનો આગ્રહી બને છે એ વ્યક્તિ દરેક બાબતોમાં નિયમિતતાનો આગ્રહી બને છે, જેના કારણે તેનાં કાર્યો યોગ્ય સમયે થતાં રહે છે અને તેના પડતરનો ખડકલો થઈ જતો નથી. આ ઉપરાંત વ્યાયામ લીડરના શરીર અને તેના ચહેરા પર કાંતિ તો લાવે જ છે, જે કાંતિ તેના બાહ્ય દેખાવને પ્રભાવિત કરે છે.

બાહ્ય પ્રભાવકતા માટે ભીષ્મ જે અત્યંત મહત્ત્વની વાત કરે છે તે છે વીર્યના બચાવની. તેઓ કહે છે કે લીડરને વીર્યનો ક્ષય પરવડવો ન જોઈએ. તેના પણ બે લાભો છે. એક લાભ એ છે કે વીર્યનો ક્ષય જે નથી કરતાં એ સ્વાભાવિક જ ફાલતુ ઊંબાડિયામાં નથી સંડોવાતા અને જેઓ ફાલતુ ઊંબાડિયામાં નથી સંડોવાતા એમની સ્વાભાવિક જ સમાજમાં એક શાખ કે ખ્યાતિ ઊભી થતી હોય છે, જેનો લીડરને ઘણો લાભ મળતો હોય છે. તો બીજી મહત્ત્વની બાબત એ બને છે કે જ્યારે લીડર વીર્યનો ક્ષય નથી કરતો ત્યારે તેની અંદર એક ગંભીરતા તેમજ ચહેરા પર આગવી કાંતિ ઊભી થતી હોય છે. તે મરકટ કે વિકૃત કે ઊંડી ઊતરી ગયેલી આંખોવાળો નથી દેખાતો. એટલે સ્વાભાવિક જ તેનો ચહેરો, તેના શબ્દો કે તેની ભાષા આગવું ગાંભીર્ય ધરાવતા હોવાના.

તો આ ઉપરાંત ભીષ્મ બીજી એક અત્યંત મહત્ત્વની સલાહ એ આપે છે કે તમારું વાંચન કે તમારો અભ્યાસ એ પણ તમારા બાહ્ય દેખાવ પર અત્યંત મોટી અસર ઊભી કરતો હોય છે. તેઓ કહે છે કે જે સતત અભ્યાસ કરે છે તેની ભાષા તો અત્યંત સુંદર બને જ છે, પરંતુ જે સતત અભ્યાસ કરતા રહેતા હોય એ લોકો પાસે આગવું જ્ઞાન, આગવા વિચારો કે આગવા દૃષ્ટિકોણ પણ હોવાના. જેની સીધી અસર વ્યક્તિની બોડી લેંગ્વેજ તેમજ તેના વ્યવહાર પર થતી હોય છે. આ કારણે લીડર જ્યારે પણ કોઈની સમક્ષ રજૂ થાય છે ત્યારે તે આગવી ધીરજ, આગવા પ્રભાવ તેમજ આગવી ભાષા સાથે રજૂ થતો હોય છે, જેનો તેને સીધો લાભ મળતો હોય છે.

જોકે, મોટાભાગના લીડર્સ એમ માને છે કે તેમને હવે અભ્યાસ કરવાની કે નવું શીખવાની કોઈ જરૂર નથી. આ કારણે જે તેઓ અહમી પણ બની જતા હોય છે. તો બીજી તરફ એક મોટો વર્ગ પોતાના આહાર કે વ્યાયામ બાબતે જરાય ગંભીર નથી. એવું ન હોત તો ભારત સરકારે અને ગુજરાત સરકારે રહી રહીને મેદસ્વિતા સામે અભિયાન શું કામ છોડવું પડ્યું? કદાચ આ જ બધાં મીડિયોકર કારણોને કારણે એક મોટો વર્ગ લીડરશિપ નથી કરી શકતો અને એ વર્ગ આખી જિંદગી મીડિયોકર બાબતોમાં તેની જિંદગી પૂરી કરી દેતો હોય છે.